ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ હવે રાતા સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. યમનના ઈરાન તરફી હુથી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં સતત મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું છે. હુથીઓએ ઘણાં જહાજોને નિશાન બનાવ્યાં છે, જેના કારણે તેમને આગ પણ લગાડવામાં આવી છે. અમેરિકી નૌકાદળે હુથીના હુમલાને નિષ્ફળ બનાવવા માટે વારંવાર કાર્યવાહી કરવી પડે છે. વિશ્વના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક એવા રાતા સમુદ્રમાં ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતે તેના મિસાઇલોથી સજ્જ બે યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યાં છે. દરમિયાન અમેરિકી સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને રાતા સમુદ્રમાં વેપારી જહાજો માટે મેરીટાઇમ સિક્યોરિટી ફોર્સના સંગઠનની જાહેરાત કરી છે. તેનો જવાબ આપતાં હુથીઓએ પણ ઇઝરાયેલનાં જહાજો પરના હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
હુથી બળવાખોરો અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને અન્ય ઘણાં આતંકવાદી જૂથોની મદદથી યમનની સરકાર સામે યુદ્ધ ચલાવી રહ્યા છે. હુથીઓને ઈરાન પાસેથી હથિયારોની મદદ મળે છે. હુથી વિદ્રોહીઓ ઈરાની મિસાઈલોની મદદથી રાતા સમુદ્રમાં ભયનું વાતાવરણ સર્જી રહ્યા છે, જેના કારણે ખનિજ તેલના વેપાર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. વિશ્વનું ૧૦ ટકા ખનિજ તેલ આ વિસ્તારમાંથી જાય છે. આ હુથી બળવાખોરો રાતા સમુદ્રને અડીને આવેલા દક્ષિણ યમનના બાબ અલ મંડબમાં હાજર છે અને વેપારી જહાજો પર હુમલો કરી રહ્યા છે.
ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં દરિયાના ડાકુઓની સામે વ્યાવસાયિક જહાજોની સુરક્ષા માટે સજ્જ છે. હવે દરિયામાંથી થતી લગભગ એક અબજ ડોલરની નિકાસ અને આયાતની સુરક્ષાની જવાબદારી ઇન્ડિયન નેવી લેશે. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં લાલ સમુદ્ર, એડનની ખાડી અને મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાં જહાજો પર મોટા હુમલા થયા છે. ચાંચિયાઓએ હવે વેપારી જહાજો પર ડ્રોન હુમલા શરૂ કરી દીધા હતા. આ કારણે ભારતીય નૌકાદળે હવે વેપારી માર્ગો પર દેખરેખ વધારવાનો નિર્ણય લીધો છે.
તાજેતરમાં એમવી રૂએન નામના વેપારી જહાજ પર ભારતીય સરહદથી લગભગ ૭૦૦ નોટિકલ માઇલ દૂર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. આ સિવાય એમવી કેમ પ્લુટો નામના જહાજ પર ઈરાન સમર્થિત લૂંટારાઓએ ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી હતી અને તેને રોકી દેવામાં આવ્યું હતું. આ જહાજ સાઉદી અરેબિયા જઈ રહ્યું હતું. આ ઘટનાઓએ ભારતીય વેપારીઓને ચિંતામાં મૂક્યા હતા. ભારત અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે આ દરિયાઈ માર્ગ દ્વારા ચોખા, ઘઉં, કઠોળ, ક્રુડ ઓઈલ સહિતની લગભગ એક અબજ ડોલરની આવશ્યક ચીજવસ્તુઓનો વેપાર થાય છે. ભારતીય નૌસેનાએ રવિવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે નેવીનાં વિનાશક જહાજોને અને ફ્રિગેટોને દેખરેખ વધારવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
ભારતીય નૌકાદળ કોઈ પણ સંકટના સંજોગોમાં વેપારી જહાજોને તાત્કાલિક સહાય પૂરી પાડશે. આ ઉપરાંત લાંબી રેન્જના લડાયક વિમાનો સાથે પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. કોસ્ટ ગાર્ડ ભારતના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (EEZ)ની સુરક્ષા પણ વધારશે. ભારતીય નૌસેનાએ તેના કાફલામાંથી પાંચ વિનાશક યુદ્ધજહાજો INS કોલકાતા, INS કોચી, INS ચેન્નાઈ, INS વિશાખાપટ્ટનમ અને INS મોર્મુગાઓને અરબી સમુદ્રની સુરક્ષા સોંપી છે. તેઓ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સ્થળોએ તૈનાત હતાં. આ તૈનાતી અમેરિકા સમર્થિત સંસ્થાની સુરક્ષા ઉપરાંત કરવામાં આવી છે. ચાંચિયાગીરી માટે કુખ્યાત એવા યમન પાસે વિનાશિકા INS કોચીને તૈનાત કરવામાં આવી છે.
દરિયાઈ ચાંચિયાઓનો ઈતિહાસ ઘણો જૂનો છે. એવું માનવામાં આવે છે કે જ્યારથી દરિયાઈ વેપાર શરૂ થયો ત્યારથી લૂંટારુઓ પણ સક્રિય થઈ ગયા હતા. જો કે તે સમયે તેઓ કોઈ ને કોઈ દેશની સેના સાથે જોડાયેલા હતા. ખાસ કરીને રોમનો, ગ્રીક અથવા ઇલીરિયન સેના તેમને પ્રોત્સાહન આપતી હતી. ઈતિહાસ પર નજર કરીએ તો એક સમયે રોમન શાસક જુલિયસ સીઝરને પણ ચાંચિયાઓએ બંધક બનાવી લીધો હતો. ત્યાર પછી વાઇકિંગ લોકોએ સમુદ્ર પર શાસન કર્યું. તેઓ સ્કેન્ડિનેવિયા પ્રદેશમાં રહેતા હતા, જેમણે યુરોપ, એશિયા અને ઉત્તર એટલાન્ટિક ટાપુઓમાં ચાંચિયાગીરી કરી હતી.
વાઇકિંગ દરિયામાં તેમજ આસપાસનાં ગામોમાં લૂંટ ચલાવતા હતા. ઇ.સ. ૧૬૨૦ થી ૧૭૨૦ ના સમયગાળામાં દરિયાઈ ચાંચિયાગીરી ખૂબ સામાન્ય હતી. તે સમયગાળામાં વહાણો સોનું અને ચાંદી વહન કરતા હતા ત્યારે મોટા ભાગના ડાકુઓ ફ્રાન્સ અને નેધરલેન્ડના હતા. દક્ષિણ પૂર્વ એશિયાની વાત કરીએ તો અહીં નવમી સદીથી ચાંચિયાઓ સક્રિય છે. જો કે, ૧૯મી સદીના અંત સુધીમાં આ લૂંટારાઓ મોટા ભાગે ખતમ થઈ ગયા હતા.
સોમાલિયા આફ્રિકામાં એક પૂર્વીય દેશ છે, જે એડનના અખાત સુધી વિસ્તરેલો છે. આ આરબ દેશ યમનની નજીક છે. આ સમગ્ર વિસ્તારને હોર્ન ઓફ આફ્રિકા પણ કહેવામાં આવે છે. ૧૯૯૦ના દાયકા સુધી અહીં બધું સામાન્ય હતું. દરિયા કિનારે સ્થિત હોવાને કારણે અહીંની અર્થવ્યવસ્થા માછીમારી પર આધારિત હતી, પરંતુ જ્યારે સોમાલિયામાં ગૃહયુદ્ધ થયું ત્યારે વિદેશી કંપનીઓએ આ જગ્યા પર કબજો જમાવ્યો હતો. જ્યારે વિદેશી કંપનીઓ માછીમારી કરવા લાગી ત્યારે ત્યાંના લોકોએ આ કંપનીઓને લૂંટવાનું શરૂ કર્યું હતું. તેમની નોકરીઓ છીનવાતી રહી અને સોમાલિયાનાં લોકોએ શસ્ત્રો ઉપાડવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે આ લૂંટારાઓ ખતરો બની ગયા હતા. એક સમય એવો આવ્યો જ્યારે સોમાલિયામાંથી પસાર થવું જોખમી બની ગયું હતું. ચાંચિયાઓ જહાજો કબજે કરવા લાગ્યા હતા અને તેમને પરત કરવા માટે ખંડણી માંગવા લાગ્યા હતા.
વર્ષ ૨૦૦૫ સુધીમાં ચાંચિયાગીરીનો આ ધંધો એવો વ્યવસ્થિત બની ગયો હતો કે સોમાલિયામાં ચાંચિયાઓનું સ્ટોક એક્સચેન્જ બનાવવામાં આવ્યું હતું. એટલે કે, ચાંચિયાઓની કામગીરીને ભંડોળ આપવાની રીત વિકસાવી કાઢવામાં આવી હતી. સોમાલિયામાં એક સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી, જેમાં લોકો રોકાણ કરી શકતા હતા અને દરિયાઈ ચાંચિયાઓની ખંડણીની કમાણીનાં નાણાંમાં સહભાગી બની શકતા હતા. આ સ્ટોક એક્સચેન્જના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે વર્ષ ૨૦૦૬થી ૨૦૧૩ની વચ્ચે સોમાલિયાના લૂંટારાઓએ દરિયામાં પસાર થતી સ્ટીમરોને લૂંટીને ૨૭ હજાર કરોડ રૂપિયાની ખંડણી વસૂલ કરી હતી.
હુથી બળવાખોરોએ છેલ્લા એક મહિનાથી લાલ સમુદ્રમાં ઇઝરાયેલી બંદરો તરફ જતા જહાજો પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. હુથીઓએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં ઇઝરાયેલના જહાજોને નિશાન બનાવ્યા છે. આ કારણે ઈઝરાયેલ અને અમેરિકા લાલ સમુદ્રમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકા આ ખતરાનો સામનો કરવા માટે વિશ્વભરના દેશોને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલાં શનિવારે ભારતના MV સાઈબાબા જહાજ પર હુથી વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો.
સ્ટીમરમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા. આ પહેલાં ભારત આવી રહેલા જહાજ પર અરબી સમુદ્રમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ ભારતીય તટથી લગભગ ૩૭૦ કિ.મી. દૂર હતું. અમેરિકાનો આરોપ છે કે આ હુમલો ઈરાન તરફથી કરવામાં આવ્યો હતો. લાલ સમુદ્ર એ વિશ્વનો મુખ્ય વેપાર માર્ગ છે. તેના વાટે જહાજો સુએઝ કેનાલના માર્ગે યુરોપ પહોંચે છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને કારણે વિશ્વના મુખ્ય વેપાર માર્ગો જોખમમાં છે. હુથીઓએ હમાસને સમર્થન જાહેર કર્યું છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.