સુરતઃ શહેરનાં ડભોલી ખાતે આજે એક ખાનગી શાળાની સ્કુલ વાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં તેમાં સવાર વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં ડભોલી વિસ્તારમાં આવેલી વાત્સલ્ય સ્કુલની વાન આજે સવારે અકસ્માતનો ભોગ બની હતી. વિદ્યાર્થીઓને લઈ ઈકો વાન (જીજે-05-આરક્યૂ-1554) સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે વેનના ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. સ્કૂલ વાન પૂર ઝડપે દોડી રહી હોય તે રસ્તા પર પલટી મારી ગઈ હતી.
અચાનક સ્કૂલ વેન પલટી મારી જતાં વિદ્યાર્થીઓએ બૂમાબૂમ મચાવી દીધી હતી. નાના બાળકો રડવા લાગ્યા હતા. સ્કૂલ વાન રસ્તા પર પલટીને ઊંધી થઈ ગઈ હતી. વાનના કાચ ફૂટી ગયા હતા. અકસ્માતને પગલે વાનમાં સવાર બાળકોની ચિચિયારીઓથી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
બાળકોની બૂમો સાંભળી રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો દુર્ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આસપાસના લોકોએ વિદ્યાર્થીઓને વાનની બહાર કાઢ્યા હતા. વાનમાં સવાર 4 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન અકસ્માત મામલે રાહદારીઓએ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સિંગણપોર પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, પ્રાથમિક સ્તરે એવી માહિતી મળી છે સ્કૂલ વાન અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં વેનમાં સવાર 4 વિદ્યાર્થીને ઈજા થઈ છે. અકસ્માત સ્કૂલ વાન ડ્રાઈવરની બેદરકારીના લીધે થયો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
બીજી તરફ વાનમાં સવાર વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાની જાણ થતાં જ વાલીઓમાં પણ વાન ચાલક વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા. દરમિયાન એવી પણ ચર્ચા ચાલી હતી કે એક લાલ રંગની પોલો કારના ચાલકે ટક્કર મારતા સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી. હાલ સિંગણપોર પોલીસ તપાસ કરી રહી છે.