સુરત: તાપીના કુકરમુંડાના રાજપુરની પ્રાથમિક શાળાનો (School) રાજપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ છે. આ ગામની (Village) અંદાજિત વસતી 1500 આસપાસ છે. વેકેશન દરમિયાન શાળા બંધ હોય છે એ પછી શાળા શરૂ થતાં સત્રના પ્રથમ દિવસે જ શાળામાં આવેલ સંડાસ અને બાથરૂમમાં તોડફોડ તેમજ શાળાના પટાંગણમાં દારૂની (Alcohol) પોટલીઓ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓને જોવા મળતાં શરૂઆતના દિવસે જ વાતાવરણ તંગ બની ગયું હતું.
- કુકરમુંડાના રાજપુર ગામની પ્રાથમિક શાળામાં તોડફોડ, દારૂની પોટલી મળી આવી
- વેકેશન દરમિયાન ટોઇલેટમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું, પોલીસ પેટ્રોલિંગની માંગ
જે દિવસે જ શાળા શરૂ થવાની હતી એના જ અગાઉના દિવસોમાં કોઈ અસામાજિક તત્ત્વોએ દારૂની મહેફિલ માણી ત્યારબાદ અંદરોઅંદર કોઈ વાદવિવાદ થતાં મારામારી થઇ હોવાને કારણે શાળાના સંડાસ અને બાથરૂમમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જે બાબતે હાલ સુધી રાજપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને શાળાના સંચાલકો દ્વારા કોઈપણ જાતની ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ અહીં સ્થાનિક પોલીસ આવાં સરકારી મકાનો આસપાસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરે તો આવાં અસામાજિક તત્ત્વો પકડાય તેમ છે.
આ બાબતે રાજપુર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મનોહર વસાવાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી શાળામાં કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા વેકેશન દરમિયાન કે શાળા શરૂ થાય એ પહેલાં શાળામાં આવેલા શૌચાલયના દરવાજા તેમજ બારીને તોડફોડ કરી નુકસાન કરાયું છે. તેમજ શાળાના કેમ્પસમાં દારૂની પોટલી પણ જોવા મળી છે. આ બાબતે મેં સરપંચને ટેલિફોનિક સંપર્ક કરી જણાવ્યું હતું તેમજ હજુ સુધી આ બાબતે શિક્ષણ વિભાગને જાણ કરવામાં નથી આવી.
કોણે તોડફોડ કરી એ બાબતે હજુ અમને જાણ નથી: સરપંચ
આ બાબતે રાજપુર ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ નિરંજનાબેન પંડિતભાઈ વળવીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં કેટલાક અસામાજિક તત્ત્વો દારૂના નશામાં જાહેર મિલકતોને નુકસાન કરે છે. અગાઉ પંચાયત ભવનમાં નુકસાન કર્યું હતું. તેમજ શાળામાં દારૂની પોટલી મળી આવી હતી. કોણે તોડફોડ કરી એ બાબતે હજુ અમને જાણ નથી.