સુરત: સુરતના (Surat) હીરા બજારમાં (Diamond Market) હીરા દલાલીનું કામ કરતા હીરા દલાલને (Diamond Broker) મુંબઈનો (Mumbai) ઠગ (Fraud) છેતરી ગયો છે. હીરાનો સોદો નક્કી કર્યા બાદ પેકેટમાં હીરાના બદલે ખાંડ (Sugar) ભરીને હીરા દલાલના લાખોના અસલી હીરા તફડાવી ગયો હતો. હીરા દલાલને ખબર પડે તે પહેલાં તે પોતાના સાગરિત સાથે રફૂચક્કર થઈ ગયો હતો. હીરા દલાલે ફરિયાદ કરતા મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગરના બજુડ ગામના વતની ધર્મેશ બાબુ પવાસીયા ભાવનગરના હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરે છે. તેઓ બજારમાંથી અલગ અલગ વેપારી પાસેથી તૈયાર હીરાના ફોટા મેળવી તે ફોટા સોશિયલ મીડિયા પર મુકી તેમજ ગ્રુપના અન્ય દલાલ – વેપારીઓને બતાવી વેપાર કરતા હતા. બે મહિના પહેલાં ધર્મેશ પવાસીયાએ રામેશ્વર જેમ્સ નામના એક વેપારી પાસેથી તૈયાર નેચરલ વ્હાઇટ રાઉન્ડ ડાયમંડ નામના હિરાઓ પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યા હતા. દરમિયાન દોઢેક મહિના પહેલા કોઇ મુબંઇના દલાલે તે હીરા અંગે ઈન્કવાયરી કરી હતી. પોતાનું નામ ભરત હોવાનું અને પોતે મુંબઈમાં હીરા દલાલી કરતા હોવાનું કહી તેણે ફોન પર એવું કહ્યું હતું કે, તમે નેચરલ વ્હાઇટ રાઉન્ડ ડાયમંડ ફેસબુકમાં ફોટા મુકેલ છે તે હિરાનો માલ મુંબઈના બીકેસીના મોટા વેપારી લક્ષ્મી જેમ્સના નંદિપ શાહને પસંદ આવ્યા છે, તમારે ધંધો કરવો હોય તો તમો મુંબઇ આવીને હિરાનો માલ બતાવી જાવ એમ કહ્યું હતું. પરંતુ સુરતના હીરા દલાલે મુંબઇ ખાતે હિરાનો માલ વેચાણ કરવાની ના પાડી હતી.
દરમિયાન તા 10 ફેબ્રુઆરીના રોજ મુંબઈના દલાલ ભરતે ફરી ફોન કરી કહ્યું હતું કે, સુરતના મહિધરપુરા હિરા બજારમાં ધંધા માટે પોતે આવ્યા છે જો મારે નેચરલ વ્હાઇટ રાઉન્ડ ડાયમંડનો ધંધો કરવો હોય તો માલ બતાવી જાવ તેવું જ ણાવતા હીરા દલાલે વેપારી પાસેથી તૈયાર હિરાનો માલ જેમાં એક 502.95 કેરેટ તથા 219.45 કેરેટ હિરાના બે પેકટ લઇને તા. 18 ફેબ્રુઆરીના રોજ હિરાબજાર ટોકિયો ચાની બાજુમાં બાલાજી કૃપા બિલ્ડીંગ ઓફિસ નં.-3 માં ગયો હતો. અહીં બે પેકેટ હીરા કુલ 1,18, 09875 માં હિરાનો સોદો નક્કી થયો હતો.
માર્કેટના નિયમ મુજબ ત્રણ દિવસમાં પેમેન્ટનું ચુકવણુ કરી આપ્યા બાદ હિરાનું પેકેટ આપવાનું નક્કી થયું હતું. દરમ્યાન ભરતે થોડા હિરા નીચે પાડી દઇ હીરા દલાલનું ધ્યાન ભટકાવ્યું હતું. પરંતુ હીરા દલાલે હીરા સાચવીને પરત પેકેટમાં મુક્યા હતા. ત્યાર બાદ ચા ઢોળાઇ ગઈ હોવાની એક્ટીંગ કરી ધ્યાન ભટકાવી બન્ને પેકેટ તફડાવી લીધા હતા. ત્યાંથી નીકળ્યા બાદ રસ્તામાં હીરાનું વજન ઓછું લાગતા હીરા દલાલને શંકા ગઈ હતી. તેથી હીરા દલાલ પાછો મુંબઈના હીરા દલાલની ઓફિસે જતા તે ત્યાં હતો નહીં. તેનો ફોન નંબર પણ બંધ હતો. તપાસ કરતા એક પેકેટમાં ખાંડ હતી તો બીજા પેકેટમાં ડુપ્લીકેટ હિરા હતા. છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા હીરા દલાલે પોલીસને ફરિયાદ કરી છે.