યુવા કલ્ચર બદલાઈ રહ્યું છે, કિશોર-યુવાનોનો મૂડ બદલાઈ રહ્યો છે. તેઓને શિખામણ આપી શકાતી નથી, વેઠવાં પડે છે ! આજે કૌટુંબિક મૂલ્યો નષ્ટ થતાં જાય છે. દાદા-દાદીનો તો કુટુંબમાંથી જાણે છેદ જ ઊડી ગયો હોય એમ લાગે છે ! નૈતિક મૂલ્યોની વ્યાખ્યા બદલાઈ રહી છે. જ્યારે નૈતિક મૂલ્યોનું પતન થાય છે, ત્યારે દેશની સંસ્કૃતિનું પણ પતન થતું હોય છે. વધારે પડતી સમૃદ્ધિ, સંઘર્ષ વિનાની જીવનયાત્રા, નશીલા પદાર્થોનું સેવન, જુગાર, હરીફાઈ, ઈર્ષ્યા, હિંસા,મોબાઈલ તેમજ સોશ્યલ મિડિયાના જુદા-જુદા એપ્સ વગેરેને લીધે આપણું સંસ્કાર ધન વેડફાઈ રહ્યું છે.
માતા-પિતાના પ્રેમાળ હૂંફ વિનાનાં બાળકોની સંખ્યા વધી રહી છે. ઘોડિયાં ઘર અને ઘરડાં ઘરોની સંખ્યા વધી રહી છે. ઘર એ ઘર નથી રહ્યું. ઘરો કલબ-ઘર બની રહ્યાં છે ! ભારતમાં જાણે એક વિદેશી કલ્ચર પાંગરી રહ્યું છે. વિદેશમાં લગ્ન એટલે બંધન અને છૂટાછેડા જાણે કે મુક્તિ ! કુટુંબને સાચવવું – સુધારવું હોય, તો પહેલાં ઘરમાં ધ્યાન રાખવું પડે. Home Sweet Home એમને એમ નથી બનતું. વસુધૈવ કુટુંબકમના જાપ જપનારાઓ પહેલાં તમારા પોતાના ઘરમાં જરા ડોકિયું કરી જુઓ ને !
સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતોએ કૌટુંબિક નૈતિક મૂલ્યોનું સુસ્થાપન કરવા માટે ભૂતકાળમાં અનેક પ્રયત્નો કર્યા છે, તેમજ વર્તમાનમાં પણ દેશ-પરદેશમાં પ્રયત્નો ચાલુ જ છે. ભારતના ફરિશ્તા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ચીંધેલા માર્ગે જવાનો સમય આવી ગયો છે. એનાથી યુવાધનને એક નવી દિશા મળશે, તેમજ કૌટુંબિક મૂલ્યો પણ સચવાશે. યુવાનોમાં સ્વદેશીની ભાવના જાગૃત થવાથી યુવાધન વિદેશ જતું અટકશે. પરિશ્રમ, સ્વચ્છતા, સાદગી, અડગ નિષ્ઠા, હમદર્દી, અહિંસા, પ્રેમ, સદાચાર, સ્વાવલંબન, સ્વદેશીની ભાવના, કરકસર (કંજૂસાઈ નહીં) ને જીવનમાં વણી લેવાં પડશે. શ્રમયુક્ત જીવન જીવવું પડશે. પસીનાની કમાણીવાળો રોટલો સાચે જ મીઠો લાગે છે.
પાલ, સુરત – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.