Sports

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન, બંગાળને ફાઈનલમાં 9 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી: સૌરાષ્ટ્રે (Saurashtra) ફાઇનલમાં (Final) બંગાળને (Bengal) 9 વિકેટે હરાવીને રણજી ટ્રોફીનો (Ranji Trophy) ખિતાબ જીત્યો હતો. સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 230 રનની જંગી લીડ લીધા બાદ જ જીત તરફ એક ડગલું ભર્યું હતું. બંગાળે ચાર વિકેટે 169 રનથી દિવસની શરૂઆત કરી હતી, પરંતુ તેની આખી ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રને મેચ જીતવા માટે 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આકાશદીપના બોલ પર સૌરાષ્ટ્રે ઓપનર જય ગોહિલ વિકેટ ગુમાવી હતી, પરંતુ ટીમે સ્કોરનો પીછો ઝડપથી કર્યો હતો.

સૌરાષ્ટ્રે બીજી વખત ટાઈટલ જીત્યું
4 ઓવરમાં 14 રન બનાવીને સૌરાષ્ટ્ર બીજી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું હતું. 2019-20ની સિઝનમાં અગાઉનું ટાઇટલ સૌરાષ્ટ્રને મળ્યું હતું. તે સમયે ટીમે પ્રથમ દાવની લીડના આધારે બંગાળને હરાવ્યું હતું. સૌરાષ્ટ્રે છેલ્લી 10 સિઝનમાં પાંચ વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં હાજરી આપીને તેમની સાતત્યતા સાબિત કરી છે. બંગાળની ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનવાનું ચૂકી ગઈ. તેઓએ તેમનું છેલ્લું ટાઇટલ 1989-90માં આ જ ઇડન ગાર્ડન્સ મેદાન પર સ્ટાર્સથી ભરપૂર દિલ્હીને હરાવીને જીત્યું હતું. ટીમનું પ્રથમ ટાઇટલ 1938-39માં સ્વતંત્રતા પહેલા મેળવ્યું હતું.

જયદેવ ઉનડકટે પ્રથમ દાવમાં 3 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. તેના કારણે જ સૌરાષ્ટ્રની ટીમ જીત મેળવી શકી હતી. ઉનડકટને IPL 2023ની હરાજીમાં લખનઉ સુપરજાયન્ટ્સે ખરીદ્યો હતો. તેણે ફરી એકવાર પોતાની બોલિંગથી લોકોને હેરાન કરી દીધા હતા. શાહબાઝ અહેમદ (27) રન આઉટ થયા બાદ તેણે છેલ્લી પાંચમાંથી ચાર વિકેટ લીધી હતી. તેણે શનિવારે બે વિકેટ ઝડપી હતી.

બંગાળના અનુભવી બેટ્સમેન સુકાની મનોજ તિવારી (68) અને અનુસ્તુપ મજુમદાર (61) એ લડાયક અડધી સદી દર્શાવી હતી પરંતુ ટોચના ક્રમના બેટ્સમેનોએ ટીમને નિરાશ કરી હતી. અભિમન્યુ ઇશ્વરન ફાઇનલમાં બે ઇનિંગ્સમાં માત્ર શૂન્ય અને 16 રન બનાવી શક્યો હતો. સેમિફાઇનલમાં સદી ફટકારનાર સુદીપ ઘરમી માત્ર શૂન્ય અને 14 રનનું યોગદાન આપી શક્યો હતો. ઘરમીએ આ સિઝનમાં 800થી વધુ રન બનાવ્યા છે. સુમંત ગુપ્તાને ફાઇનલમાં પદાર્પણ કરવાની તક આપવી પણ બંગાળને મોંઘી પડી.

સૌરાષ્ટ્રે મોટો સ્કોર બનાવ્યો હતો
સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 404 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. સૌરાષ્ટ્રના બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. હાર્વિક દેસાઈએ 50 રન, શેલ્ડન જેક્સને 59 રન, અર્પિતે 81 રન, ચિરાગ જાનીએ 60 રન બનાવ્યા હતા. અંતમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. આ બેટ્સમેનોના કારણે સૌરાષ્ટ્ર પહાડ જેવો મોટો સ્કોર કરી શક્યો હતો. આ કારણોસર સૌરાષ્ટ્રને પ્રથમ દાવના આધારે 230 રનની લીડ મળી હતી જે મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી.

પ્રથમ દાવમાં બંગાળની બેટિંગ વેરવિખેર થઈ ગઈ હતી
મેચના પ્રથમ દિવસે બંગાળના બેટ્સમેનો સૌરાષ્ટ્રના બોલરો સામે ટકી શક્યા ન હતા અને આઉટ થઈ ગયા હતા. બંગાળની ટીમે તેના પ્રથમ દાવમાં 174 રન બનાવ્યા હતા. ટીમ માટે શાહબાઝ અહેમદે સૌથી વધુ રન બનાવ્યા, તેણે 69 રનનું યોગદાન આપ્યું. આ સાથે જ અભિષેક પોરાલે 50 રન બનાવ્યા હતા.

Most Popular

To Top