Charchapatra

સત્યમેવ જયતે.. જો અને તો!

 ‘ગુજરાતમિત્ર’ દૈનિકના 11/ એપ્રિલના પાને જે સમાચાર હતા કે વરિષ્ઠ નાગરિકોને અપાતી છૂટ પાછી ખેંચીને રેલવેએ વર્ષમાં રૂા. 8913 કરોડની વધારાની કમાણી કરી. જો ગરીબ વરિષ્ઠોને રેલવેમાં અપાતી છૂટ પાછી ખેંચવાથી પાંચ વર્ષમાં ભારતીય રેલવેને અ..ધ..ધ..ધ.. કમાણી થતી હોય તો તેની સામે આપણા દેશના વર્તમાન કરોડપતિ સાંસદો અને ધારાસભ્યોને આખા દેશમાં હરવા ફરવા માટે પોતા સહિત પોતાનાં પરિવારજનોને પણ રેલવેમાં મોટા ભાગે સુપર ફાસ્ટ ટ્રેનોમાં વી.આઇ.પી. ફર્સ્ટ કલાસ એ.સી. કોચમાં બેસી તદ્દન મફત મુસાફરી કરતા હોય છે. આજી માજી સાંસદો કે ધારાસભ્યોને મારો ગોલી. પણ જે હાલમાં રાજકીય સત્તા ભોગવે છે અને પોતાના પાંચ વર્ષના શાસનમાં કેટલી વાર આખા દેશમાં પરિવારજનો સાથે તદ્દન મફતમાં મુસાફરી કરે છે.

(કોના બાપની દિવાળી) જેના થકી ભારતીય રેલવેને એમના તરફથી પાંચ વર્ષમાં કેટલો નાણાંકીય બોજો પડે છે તેનો પણ હિસાબ રેલવે મંત્રાલયે આમ જનતા સામે જાહેર કરવો જોઇએ એવું મારું માનવું છે. શું આ શક્ય છે. જો ફક્ત અને ફક્ત ગરીબ વરિષ્ઠ નાગરિકોને કે જેને રેલવેમાં અપાતી છૂટ બંધ કરવામાં આવે છે તો મારું માનવું છે કે કરોડપતિ સાંસદો કે ધારાસભ્યોને પોતાનાં પરિવારજનો સાથે આ દેશમાં ગમે ત્યાં વી.આઇ.પી. ફર્સ્ટ કલાસ એ.સી. કોચમાં બેસી મુસાફરી કરવાની છૂટ શા માટે. આપણા લોકશાહી દેશમાં આવો દેખીતો હડહડતો અન્યાય શા માટે. આમ જોવા જઇએ તો દેખીતી રીતે રેલવેને નફા કરતાં નુકસાન ચાર ગણું વધારે છે. માટે જ દેશમાં કોઇ જાગૃત નાગરિક આ સાચી બાબતનો રેલવે પાસે જવાબ માગશે તેવી અપેક્ષા છે.
સુરત  – કીકુભાઇ જી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તેરા તુજકો અર્પણ
ઠગ, ચોર, લૂંટારું, અસામાજિક તત્ત્વો, ગુનેગારો વગેરેથી પ્રજાના રક્ષણની જવાબદારી પોલીસની રહે છે. આમ તો પોલીસથી સામાન્ય માણસો ડરે છે અને બને ત્યાં સુધી પોલીસ લફરામાં ન પડાય એવું વિચારે છે. એટલે સામાન્ય તો ઠીક કેટલીક વાર એમની સાથે ગંભીર ઘટનાઓ બની હોય તો પણ પોલીસની મદદ લેવાનું વિચારતા નથી. પોલીસ વિભાગ પોતાની છબી સુધારવા અવારનવાર કેટલાક અભિનંદનીય પ્રયત્નો પણ કરે છે. જેમ કે “પોલીસ તમામ કામ પડતાં મૂકીને ૧૦૦ ક્લાકમાં રાજ્યભરનાં અસામાજિક ગુંડા તત્ત્વોની સામે કાર્યવાહી કરે”, “તેરા તુજકો અર્પણ”યોજના વગેરે. સામાન્ય રીતે એવું મનાય છે કે ચોરી કે ગુમ થયેલી ચીજ વસ્તુઓ પાછી મેળવવી મુશ્કેલ છે.

તમે તેની પોલીસ ફરિયાદ કરો અને મહામહેનતે પોલીસ ગુનેગારને પકડે પણ ખરા. એટલું જ નહીં, ચોરનાર મુદ્દામાલ સાથે પકડાય તો પણ તમારી તે ચીજવસ્તુઓ તમારી છે, તે સાબિત કરવામાં નવનેજાં પાણી ઊતરે એવી કાયદાકીય પ્રક્રિયા. આવા સંજોગોમાં ગુજરાત પોલીસ દ્વારા પ્રજાહિત માટે “તેરા તુજકો અર્પણ”યોજનાનું ખૂબ સારી રીતે અમલીકરણ થઈ રહ્યું છે અને પ્રજાને એમની ગુમ થયેલી ચીજવસ્તુઓ સહેલાઈથી પાછી મળી રહી છે. આવા પ્રજાલક્ષી કાર્ય માટે ગુજરાત પોલીસના અમલદારો અને કર્મચારીઓને તથા સંબંધિત વિભાગોને ખૂબ ખૂબ અભિનંદન.
સુરત     – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top