Business

સાત્ત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ છે ૐ

અગાઉના લેખમાં આપણે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા ઉચ્ચારણ કરાયેલાં વાક્યો તથા ઉપનિષદો દ્વારા ૐ ની સમજ કેળવી. ચાલો હવે આજના લેખમાં આપણે અન્ય સાહિત્યો, સંતો અને મહાપુરુષોના અધ્યયનને સમજવાનો પ્રયત્ન કરીએ. હિન્દુ ધર્મના અન્ય સાહિત્યો ૐ વિશે શું કહે છે?  તસ્ય વાચક: પ્રણવ! (અર્થાત તે ઈશ્વરનો વાચક ૐ છે. – પતંજલિ યોગસૂત્ર-૧.૨૭) • – સિદ્ધયન્તિ અસ્ય અર્થ: સર્વ કર્મીની ચ (અર્થાત જે ૐ રૂપી મંત્રનો જપ કરે છે તેના બધાં કાર્યો સિધ્ધ થઇ જાય છે. – ગોપથ બ્રાહ્મણ ગ્રંથ) ‘અ’ ભગવાન કૃષ્ણ છે. ‘ઉ’ રાધારાણી છે અને ‘મ’ જીવ છે. ચૈતન્ય ચરિતામૃત અને ગરૂડ પુરાણ)

ૐ એટલે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અથવા ત્રણ વેદ (વાયુ પુરાણ) શક્તિમાર્ગ પ્રમાણે ૐ એટલે ત્રિદેવી. ‘અ’, ‘ઉ’ અને ‘મ’ ને જુદી રીતે ગોઠવીએ તો ‘ઉ’ +  ‘મ’ +  ‘અ’ અથવા ‘ઉમા’ અને દેવી ભાગવત બારમા અધ્યાય પ્રમાણે આદ્યશક્તિ વેદોની માતા છે. આખું વિશ્વ કંપન શક્તિથી બનેલું છે. જેને વૈશ્વિક ઊર્જા પ્રાપ્ત થાય છે. આ ઊર્જા ‘પ્રકાશ’ અને ‘ધ્વનિ’ એમ બે રીતે પ્રસરે છે. ૐમાં આ બંને સમાયેલા છે. (કથક સંહિતા-કૃષ્ણ યજુર્વેદ-૧૨.૭, ૨૭.૧) (ખૂબ જ અગત્યનું વાક્ય છે. જેનું મહત્ત્વ આગળ ઉપર સમજશું.).

પ્રણવ એ આત્મા અને બ્રહ્મ બંને છે. એ બન્ને એકબીજા સાથે જોડાયેલા છે. (નરસિંહતાપીની ઉપનિષદ) સંતો અને મહાપુરુષો ૐ વિશે શું કહે છે?  ૐ એ પરમાત્માની અભિવ્યક્તિ છે. (સ્વામી વિવેકાનંદ) કોઈ અક્ષર કે ચિહ્ન કોઈ એક વસ્તુને દર્શાવવા માટેની અભિવ્યક્તિ છે. જે વસ્તુને દર્શાવવાની હોય તેનું અસ્તિત્વ મોજૂદ હોય અને આપણને જો ખબર હોય કે એ અક્ષર કે ચિહ્ન એ વસ્તુને વારંવાર દર્શાવે છે, ત્યારે આપણે સમજવું જોઈએ કે એ બે વચ્ચે ગાઢ સંબંધ છે. (સ્વામી વિવેકાનંદ)

ભારતમાં વેદાન્તી, દ્વૈત, અદ્વૈત, નાસ્તિક વગેરે જે સાંપ્રદાયિક વિચારો છે તે દરેકની આસપાસ મંડરાયેલા છે. ૐ બધા સંપ્રદાયોની અને વિશાળ માનવ સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે. (સ્વામી વિવેકાનંદ) જો કોઈ પણ દેવીદેવતાનું મંદિર બનાવવામાં આવે તો અન્ય પંથો અંદરોઅંદર ઝગડે પરંતુ આપણે એક બિનસાંપ્રદાયિક ૐનું મંદિર બનાવવું જોઈએ. હિન્દુનો જો કોઈ પંથ ૐ ને માનતો ન હોય તો તેને હિન્દુ કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. (સ્વામી વિવેકાનંદ) આ સૃષ્ટિમાં ફક્ત એક જ ભગવાન છે – ‘ૐ’. ફક્ત એક જ ધર્મ છે – ‘વેદિક ધર્મ’. ફક્ત એક જ ધાર્મિક સાહિત્ય છે – ‘વેદો’. ફક્ત એક જ જાતિ છે – ‘આર્યો’. ભગવાનને ભજવાની એક જ પધ્ધતિ છે ‘સંધ્યા’. (સ્વામી દયાનંદ સરસ્વતી)

ૐ સત્યનામ જપવાવાળો પુરુષ નિર્ભય, વેર વગરનો અને અકાલ પુરુષ જેવો બની જાય છે.(ગુરુ નાનકજી)

ઓ ૐ કાર આદિ મેં જાના ! લિખી ઓ મિટે તાહી ના માના !!

ઓ ૐ કાર લિખે જો કોઈ ! સોઈ લિખી મેટના ન હોઈ !! (કબીરજી)

જયારે આપણે ૐનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે ફક્ત પરમાત્માને જ મહત્ત્વ નથી આપતા પરંતુ આપણે પોતાને પણ મહત્ત્વ આપીએ છીએ. પરમાત્મા અને આત્મા વચ્ચેના સંબંધને મહત્ત્વ આપીએ છીએ. (સ્વામી યોગેશ્વરાનંદ)

ૐ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. વિશ્વના લોકોની આધ્યાત્મિક સંપત્તિ છે. શબ્દશક્તિ છે. તેને જયારે આસ્થાથી ઉચ્ચારવામાં આવે ત્યારે એક નવી આધ્યાત્મિક ઊર્જા અને શક્તિનો અનુભવ થાય છે. (સ્વામી શિવાનંદ).  • » – ૐ ના બે ઉચ્ચારણ વચ્ચે જે શાંતિ છે, તેને અનુભવીને અનંત પરમાત્મા અને આપણી અંદર રહેલા આત્મા (અંતરાત્મા)ની ઓળખ થાય છે. (સ્વામી ચિન્મયાનંદ)

ૐ વગર કોઈ પણ મંત્રનું એટલું જ મહત્ત્વ છે, જેટલું શ્વાસ વગર જીવતા માણસનું. (સ્વામી ચિન્મયાનંદ)

એકાક્ષર ૐ દરેક મનુષ્યોના હૃદયમાં આત્મા તરીકે સ્થાયી છે. (શ્રી રમણ મહર્ષિ)

એક વખત પરમાત્મા અંગેનું ડહાપણભર્યું જ્ઞાન થયા પછી, દેવો અને ઈશ્વરો એ બધા માયાના જ સ્વરૂપો છે એવું સમજાય છે. ઉપનિષદ, ગીતા, યોગસૂત્રો વગેરે ફક્ત ૐ નું ધ્યાન કરવાનું જ સમજાવે છે. (શ્રી મા શારદા દેવી)

જે કોઈને સમજી શકે છે, તેને ગુરુની મદદ વગર દેવી જ્ઞાન પ્રાપ્ત થાય છે. (સ્વામી મુખ્યાનંદ)

ૐ હિન્દુ ધર્મમાં પરમાત્માનું નામ છે. એક આધ્યાત્મિક સૂત્ર છે. જેને બીજાં સૂત્રોની શરૂઆતમાં લગાડવાથી પરમાત્માના બધા અવતારોના દર્શન થાય છે. ૐ વગરના ભગવાનને વિચારી શકાય નહિ અને એવા દેવને પૂજી શકાય નહિ. (સ્વામી શ્રદ્ધાનંદ)

હું ૐ ધ્વનિને ઘંટના અવાજ સાથે સરખાવું છું. જેનો અવાજ એને વગાડ્યા પછી વાતાવરણમાં ઓગળી જાય છે અને શાંતિમાં પરિણમે છે. ૐ ઉચ્ચારણ પછીની શાંતિમાં પણ, પૂર્ણતત્ત્વમાં મન એકાકાર થયાની લાગણી અનુભવાય છે. (શ્રી રામક્રિષ્ણ)

શ્રી રામ પાસે ભગવાનના સગુણ અવતાર તરીકેની જે શક્તિ છે, તે ૐ ના ઉચ્ચારણમાં છે. આ કારણે જ ભારતમાં રામનામ સૌથી લોકપ્રિય છે. (સંત રામદાસ).

ૐ આ સમગ્ર વિશ્વનો પ્રથમ અને પ્રાથમિક ધ્વનિ છે કે જે કોઈનાથી ઉત્પન્ન થતો નથી અને જે શક્તિનું સાંભળી શકાય તેવું સ્વરૂપ છે. (સ્વામી સ્વાહાનંદ)

આવાં ઘણાં વાક્યો આપણને સચોટ રીતે ૐ વિશે સમજણ આપે છે. અહીં આપણે ફક્ત હિન્દુ સાહિત્યો વિશે સમજ્યા, અન્ય ધર્મોમાં ૐ નું મહત્ત્વ સમજશું આવતા લેખમાં.  !! ૐ તત સત !! (ક્રમશ:)  જ્યોતિઁ

Most Popular

To Top