Columns

સતી વનસ્પતિ

પાપી, દુષ્ટ, નરાધમ, તે એક સતીને અભડાવી છે. તેના શરીરને સ્પર્શ કર્યો છે અને તેના સતી ધર્મ પર આક્રમણ કર્યું છે. એક સતીનો તને શાપ છે કે તે જે હાથથી તેનો સ્પર્શ કર્યો છે તે હાથથી શરૂ થઇ તને આખા શરીરમાં, રોમરોમમાં કાળી અગન લાગશે. તું મૃત્યુ માટે વલખા મારશે પણ….’ સનાતન ધર્મની કોઇ કથા કે પુરાણની કોઇ કથાનો આ અંશ લાગે. સતી ધર્મનું માહાત્મ્ય સનાતન ધર્મમાં છે તેટલું બીજે કયાંય નથી પણ વનસ્પતિ સતી ધર્મ પાળે છે કે નહીં તે વનસ્પતિશાસ્ત્રીઓને ખબર. લજામણી કોઇના સ્પર્શ માત્રથી શરમાઇ જાય છે એ જાણીતી હકીકત છે પણ જિમ્પી જિમ્પી નામની વનસ્પતિ ચુસ્તપણે સતી ધર્મનું પાલન કરે છે તેની કેટલાને ખબર છે?

જિમ્પી જિમ્પીનું વનસ્પતિ શાસ્ત્રનું નામ છે- ડેન્ડ્રોકનાઇડ મોરોઇડઝ-Dendrocnide Moroides. આ છોડને આપઘાતનો છોડ પણ કહે છે. દેખીતી રીતે નાગરવેલી જેવા દેખાતા આ છોડના પાન પર ઝીણી ઝીણી રૂંવાટી હોય છે અને એ જ સૌથી ખતરનાક હોય છે. આ છોડના પાનને સ્હેજ પણ સ્પર્શ કરે તેને આ રૂંવાટી ડંખે છે અને સ્પર્શ કરનારને કલાકોથી માંડીને વર્ષો સુધી પીડા થાય છે. ફોલ્લા ઊઠે છે અને ભોગ બનેલી વ્યકિતનું ઊઠવાબેસવાનું પણ હરામ થઇ જાય છે. ઊંઘની વાત તો પછી આવે છે. વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે કે કુદરતે આ પાનને ઘાતકી રૂંવાટી આપી છે તેની પાછળ તેની રક્ષા કરવાની યોજના છે. તેનામાં રહેલું મોરોઇડીન નામનું દ્રવ્ય પીડા ચાલુ રખાવે છે.

આ છોડની રક્ષા માટે કુદરતે જે કાળજી લીધી છે તે તો તેની દાંડીઓ, ડાળીઓ અને ફળ પર પણ આવી રૂંવાટી છે. જો કે આ છોડની ઊંચાઇ વધુ હોય છે. તેનાં પાન 5થી 9 ઇંચ લાંબા અને 18 સે.મી. પહોળા હોય છે. મોટે ભાગે ઉનાળામાં ફૂલ આવે છે. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની આ જંગલી વનસ્પતિના સતીત્વનો પરચો ઇ.સ. 1919માં એન્ડીવર નદી પાસે ઓસ્ટ્રેલિયામાં વનસ્પતિશાસ્ત્રી એલન કર્નિંગહેમને થયો હતો પણ ઇ.સ. 1857માં સૌ પ્રથમ હ્યુ એલ્ગરનોન વેડેલે તેનું વર્ણન કર્યું હતું.

પતંગિયાની નિમ્ફ સહિતની કેટલીક જાત, ફૂદો તેમ જ કાંગારુંની કેટલીક જાત આ છોડ પર નભે છે. લાલ પગવાળા કાંગારુંની એક જાત છોડના ઝેરને પચાવી જાણે છે. કેટલાંક પક્ષીઓ આ છોડના ફળને ખાય છે અને વનસ્પતિના ફેલાવામાં મદદ કરે છે પણ ખાસ કરીને માણસો અને આ વનસ્પતિ વચ્ચે વેર છે. આ છોડને સ્પર્શ કરવાથી જ તે ઝેરી અસર કરે છે એવું નથી. તેની નજીક રહેવાથી પણ તેના ઊડેલા વાળ શરીરને લાગે કે શ્વાસમાં જાય તો તબિયત પર અસર કરે છે.

આટલી ડંખીલી હોવા છતાં ન્યૂ સાઉથવેલ્સમાં તે અતિ જોખમમાં મુકાયેલી વનસ્પતિની યાદીમાં છે. આ વનસ્પતિની પીડા શરૂ થાય તો ચીકણી માટી કે ડેપિલેયી વેકસની મદદથી વાળ દૂર કરવાનો ઉપાય પ્રાથમિક ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય છે. કેટલાંક લોકો આ વનસ્પતિના ફળનો રસ પણ વાપરતા હતા. ગરમ પાણી, પપૈયાનો માવો, મંદ હાઇડ્રોકલોરિક એસિડ વગેરે જેવા ઉપાય અજમાવાય છે. ખંજવાળ આવે, બળતરા થાય તેવી કેટલીક વનસ્પતિ આપણા વિસ્તારમાં પણ થાય છે પણ આવી સતી વનસ્પતિ આપણા વિસ્તારમાં નથી થતી. ભલે આપણો દેશ સતીઓનો દેશ ગણાતો હોય.

Most Popular

To Top