શહેરા : શહેરા તાલુકા વિકાસ અધિકારી સહીત ૩ કર્મચારીઓ ACB ના હાથે લાંચ લેતા ઝડપાતા તાલુકાના સરપંચો,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત ભાજપના હોદેદારોએ તાલુકા પંચાયત ખાતે ફટાકડા ફોડી ને એક બીજાને મીઠાઇ ખવડાવી ખુશી મનાવી હતી. પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકા પંચાયતમાં છેલ્લા ચાર માસથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઝરીના અન્સારી સહિત ત્રણ કર્મીઓ બુધવારે રૂપિયા બે લાખના લાંચના પ્રકરણમાં એ.સી.બી. દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જ્યારે ગુરૂવારે શહેરા તાલુકા પંચાયત કચેરીમાં સરપંચો, સભ્યો,તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ટીડીઓ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી.ભાજપના પદાધિકારી તેમજ સંગઠનના હોદ્દેદારોએ લાંચમાં પકડાયેલા ટીડીઓ સામે છેલ્લા 4 માસથી આવાસો રદ્દ કરતા અને કામોના બિલો રોકી કાઢતા હોવાના આક્ષેપો કર્યા હતા.
2018થી આજ સુધી શહેરા તાલુકા પંચાયતના 7 કર્મી ACBના છટકામાં ઝડપાઈ ચૂક્યા છે
શહેરા તાલુકા પંચાયત કચેરીમાં 2018થી આજ દિન સુધીમા તાલુકા વિકાસ અધિકારી સહિત કુલ 7 કર્મીઓ ACBના છટકામાં ઝડપાઈ ચૂક્યા છે. જેમા 2018ના નવેમ્બર માસમાં મનરેગા શાખાનો કર્મચારી મંહમંદ કાસીમ બકકર શહેરા તાલુકાના ગામના એક ઉપ સરપંચ પાસેથી 15000ની લાંચ લેતા ઝડપાયા હતો. 2020માં ચેકવોલ બનાવા માટે મનરેગા શાખાના બે ટેકનિકલ આસિસ્ટન્ટરીકે ફરજ બજાવતા કર્મચારી 5000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા.