સાપુતારા: (Saputara) આહવા ખાતે રહેતી 22 વર્ષીય યુવતીને થોડા દિવસ પૂર્વે અજાણ્યા મોબાઈલ (Mobile) નંબર પરથી વ્હોટએપ મેસેજ (Whatsapp Message) આવ્યો હતા. જેથી આ યુવતીએ 12.33 કલાકે પ્રશ્નાર્થ ચિહ્ન મોકલી કોણ છો? પૂછ્યું હતું. જેથી રિપ્લાયમાં આ યુવતીને ‘taro aasiq’ જવાબ આવ્યો. બાદમાં આ નંબર પરથી ફરી ‘yad kar purani yade’નો મેસેજ મોકલ્યો હતો. જેથી આ યુવતીએ ‘Nahi yadએ રિપ્લાય આપતા સામેથી અશ્લીલ મેસેજ મોકલવામાં આવ્યા હતા. જેથી યુવતીએ આ અજાણ્યા નંબરને બ્લોક કરી આહવા પોલીસ મથકે (Ahwa Police Station) ફરિયાદ નોંધાવી હતી.
આહવા પોલીસ દ્વારા આ મોબાઈલ નંબરની તપાસ કરતા નરેશ રાજેન્દ્રસિંઘનાં નામથી રજીસ્ટર થયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આ મોબાઈલ નંબરનું લોકલ રેફરન્સ ડિટેલમાં મોતા બોરાસરા-કિમનું એડ્રેસ મળ્યું હતું. આહવા પોલીસની ટીમે ગતરોજ યુવતીને બોલાવી અશ્લીલ મેસેજ મોકલનારનાં બન્ને મોબાઈલ નંબર તથા સરનામુ જણાવતા તે ચોંકી ઉઠી હતી. આ અશ્લીલ મેસેજ યુવતીનાં માસી રોશનીબેનની મોટી દીકરી મીનલનાં પતિ અજયભાઈ સુરેશભાઈ વસાવાએ કર્યાનું સામે આવ્યું હતું. યુવતીએ માસીની નાની દીકરી કાજલ પાસેથી અજયભાઈ વસાવાનો નંબર માંગતા તેણીને અશ્લીલ મેસેજ મોકલનાર જીજાજીનો જ નંબર જાણવા મળ્યો હતો. જીજાજી અજયભાઈ વસાવાએ આ જ રીતે બીજી છોકરીઓને પણ હેરાન કરી હોય જેથી આ ફરિયાદી યુવતીએ અજય વિરુદ્ધ આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરીયાચ ટોલનાકા પાસેથી 27 હજારના વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી રેગજીનના તથા મીણીયાના થેલાઓમાં નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 27,360 રૂપિયાની વિદેશી દારૂની 456 નંગ બાટલીઓ મળી આવતા સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પાછળ સિલ્વર નગરમાં રહેતા સુમનબેન ઉર્ફે લંગડી સોહનભાઇ પંચોલી, સુરતના ઉધના ડીંડોલી નવાગામમાં રહેતા અનિતાબેન શીવાભાઈ નીકુમ અને નાશિક જિલ્લાના માલેગાંવ તાલુકાના સોન્દ ગાવ ફાટા યુનાઇટેડ કંપની પાસે રહેતા ફેઝાજ અહમદ રીયાઝ અહમદ અંસારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સહિત 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 27,860 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પી.એસ.આઈ. એન.બી. સોલંકીએ હાથ ધરી છે.