સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારામાં સ્થાનિક પ્રજા તથા ડાંગ જિલ્લાનાં (Dang District) લોકોને પાર્કિંગ (Parking) અને ધંધાકીય બાબતમાં હેરાનગતિ કરવામાં આવતી હોવાથી તેને અટકાવવા માટે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
- સાપુતારામાં સ્થાનિકો અને પરપ્રાંતિયો વચ્ચે ઘર્ષણના એંધાણ
- સ્થાનિકોને કરાતી હેરાનગતિ બાબતે ડાંગ યુવા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પરપ્રાંતિય ધંધાર્થીઓનો રાફડો ફાટ્યો છે. સાપુતારા ખાતે જ્યાં પણ નજર નાખો ત્યાં સ્થાનિક ધંધાર્થીઓ નહીં પણ મહારાષ્ટ્ર અને બિહાર, રાજસ્થાનનાં ધંધાર્થીઓ જોવા મળે છે. ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ યુવક મંત્રી સંતોષ ભુસારાએ ડાંગ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, સાપુતારા હિલ સ્ટેશન ખાતે ગુજરાત ભરના સહેલાણીઓ પ્રવાસ માટે આવતા હોય છે તથા ઘણા ખરા વ્યવસાય માટે પણ આવતા હોય છે. તેમજ રોજ બરોજ ડાંગ જિલ્લાનાં લોકો પણ ધંધો-વ્યવસાય કરવા સાપુતારા ખાતે જોવા મળે છે.
સાપુતારા ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો ધંધાના હેતુથી આવે છે. ત્યારે તેમના પાસેથી પણ પાર્કિંગના પૈસા લેવામાં આવે છે અને તેમને ખુબ જ હેરાન કરવામાં આવે છે. તેમજ નવાગામ અને તેની આજુબાજુ આવેલા ગામડાઓના બેરોજગાર યુવકોને સાપુતારા ખાતે થોડી જગ્યા ફાળવવામાં આવે તો તેમને પણ રોજગાર મળી શકે તેમ છે. પરંતુ ત્યાં બહારના લોકો ધંધો કરે છે અને ડાંગ જિલ્લાના લોકોને હેરાન કરે છે.
ડાંગની શિંગાણા શાળામાં મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ યોજાયો
સાપુતારા : ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, શિંગાણા ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શિંગાણા ખાતે શાળાના આચાર્ય હિતેશભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા અમીતા ગામીતે કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી દીવા બનાવવામાં આવ્યા હતા. શાળામાં તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત હાથમાં દીવો લઈ, પ્રાકૃતિક ચીજવસ્તુઓથી રાષ્ટ્રધ્વજ બનાવી, તેની આજુબાજુ વિધાર્થીઓએ ઉભા રહી ભારતનો નકશો રચી, શાળા પરિવારે પંચ પ્રણ સંકલ્પ લીધા હતા.