સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) ચાલુ વર્ષે જૂન મહિનાનાં આખરમાં પણ ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ નહીં થતાં ડાંગવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. દર વર્ષે જૂન મહિનામાં ચોમાસાની (Monsoon) ઋતુ વિધિવત જોવા મળે છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદની સિઝને લાંબો અંતરાલ ખેંચતા ડાંગીઓમાં ખેતીનાં બિયારણ ઓરવા બાબતે દ્વિધા સર્જાઈ છે. ત્યારે હાલમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હળવા વરસાદની (Rain) હેલીઓનો પ્રારંભ થવાની સાથે ચોમાસાની ઋતુનું આગમન નોંધાયું હતું.
- ડાંગ જિલ્લામાં વરસાદી ઝાપટા સાથે ચોમાસાની ઋતુનું આગમન
- સાપુતારામાં વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધૂમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ
- બોટીંગ, ટેબલ પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન, રોઝ ગાર્ડન, સનરાઈઝ પોઈંટ સહિતનાં સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું
જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં સોમવારે દિવસ દરમિયાન હળવા વરસાદી માહોલનો પ્રારંભ થતાં સમગ્ર પંથકોમાં પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધૂમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતાં બોટીંગ, ટેબલ પોઈંટ, સ્ટેપ ગાર્ડન, રોઝ ગાર્ડન, સનરાઈઝ પોઈંટ સહિતનાં સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું.
- ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- સાપુતારા 22 મી.મી.
- વઘઈ 07 મી.મી.
- સુબીર 06 મી.મી.
- આહવા 05 મી.મી.
દમણમાં 3.78 ઈંચ અને સેલવાસમાં 3.45 ઈંચ વરસાદ
દમણ : સમગ્ર વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ અને દમણમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રદેશના લોકો ભારે ગરમી અને બફારાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અને મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા. આ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાને લઈ પ્રદેશમાં છૂટો છવાયો વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી હતી.
બાદમાં રવિવારથી જાણે ચોમાસુ વિધિવત સક્રિય થયું હોય એમ વલસાડ જિલ્લાની સાથે સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા જાણે વર્ષાઋતુ વિધિવત શરૂ થઈ ગઈ હોય એવું જોવા મળ્યું હતું. પ્રદેશની ધરા પાણીથી ભીંજાઈ જતાં સાર્વત્રિક ઠંડક અનુભવાઈ હતી. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો પણ ખેતીકામમાં જોતરાઈ ગયા હતા. 24 કલાક દરમ્યાન દમણમાં 3.78 ઈંચ અને સેલવાસમાં 3.45 ઈંચ વરસાદ વરસ્યો હતો. મધુબન ડેમમાં 7086 ક્યુસેક નવા પાણીની આવક થઈ હતી. જ્યારે ડેમમાંથી 212 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ ડેમની હાલની સપાટી 65.65 મીટરના લેવલ પર કાયમ રાખવામાં આવી છે.