સાપુતારા: (Saputara) પૂર્ણાં નદીનાં ( Purna River) ઉગમસ્થાન ચીંચલી વિસ્તારમાં થયેલા મેઘ તાંડવમાં ગાંડીતુર બનેલી પૂર્ણાં નદીમાં ગઈ કાલે ઉપરા છાપરી પાંચ મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. ચાલુ વર્ષે પૂર્ણાં નદીએ ભયાનક તારાજીમાં કોઝવે, પુલ, ચેકડેમો ઘરો, દુકાનો, ખેતરોનો (Farm) ખાત્મો તો બોલાવ્યો છે. સાથોસાથ હવે માનવ મૃત્યુનાં આંકડા પણ ચોંકાવનારા મળી રહ્યા છે. ત્યારે હવે નદીનું ભયજનક પુર ઓસરતા હજી માનવ ખુવારીનાં બનાવો વધવાની શકયતા નકારી શકાય તેમ નથી.
- પૂર્ણાં નદીએ ભયાનક તારાજીમાં કોઝવે, પુલોનો ખાત્મો બોલાવ્યો, સાથે માનવ મૃત્યુનાં આંકડા ચોંકાવનારા
- પૂરમાં તણાયેલા 13 વર્ષીય વિદ્યાર્થી સહિત પાંચ શખ્સોની લાશ મળતા ચકચાર
- પૂર્ણાં નદીમાં ઉપરા છાપરી પાંચ મૃતદેહ મળી આવતા સનસનાટી
- સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહ કબજે કરી પીએમ માટે મોકલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારનાં કડમાળ ગામનાં રહીશ ઇન્દ્રભાઈ પવાર (ઉ 56) ગુરુવારે ખેતરમાં ગયા બાદ ઘરે પરત ફર્યો ન હતો, જેની શુક્રવારે કડમાળ નજીક આવેલા નાળામાં ફસાયેલી લાશ મળી આવી હતી. તેવી જ રીતે હારપાડા, વાંઝીટેબરુન ગામે 2 બે લાશો હોવાની ખબરથી આહવા પોલીસે ઘટના સ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે સુબિર તાલુકાનાં વડપાડા ગામનો નવલભાઈ ભીખુભાઇ પાટીલ (ઉ 36) પૂર્ણાં નદીમાં તણાય જતા તેનો મૃતદેહ લવચાલી ગામે નદીનાં પટ્ટમાં મળી આવ્યો હતો. તા. 13નાં રોજ ઢોંગીઆંબા ગામનો 13 વર્ષીય વિદ્યાર્થી રોહિતભાઈ જીતેશભાઈ દિવા પૂર્ણાં નદીમાં તણાય જતા તેની મૃતદેહ આજે 15 કિમી દૂર વઘઇ તાલુકાનાં દરડી ગામે નદીનાં ઝાડીમાં ફસાયેલ હાલતમાં મળી આવ્યો હતો.
ડાંગ ભાજપાનાં મહામંત્રી રાજેશ ગામીત, સુબિર પી.એસ.આઈ. વસાવા, બરડીપાડા આર.એફ.ઓ.દીપક હળપતિ અને ગામજનોની સતત શોધખોળ બાદ અંતે ઢોંગીઆંબાનાં બાળકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવી આવ્યો હતો. ચાલુ વર્ષે પૂર્ણાં નદીએ ભયાનક તારાજીમાં કોઝવે, પુલ, ચેકડેમો ઘરો, દુકાનો, ખેતરોનો ખાત્મો તો બોલાવ્યો છે. સાથોસાથ હવે માનવ મૃત્યુનાં આંકડા પણ ચોંકાવનારા મળી રહ્યા છે. ત્યારે હવે નદીનું ભયજનક પુર ઓસરતા હજી માનવ ખુવારીનાં બનાવો વધવાની શકયતા નકારી શકાય તેમ નથી. સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહ કબજે કરી પીએમ માટે મોકલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.