સાપુતારા: (Saputara) વઘઇનાં રાજેન્દ્રપુર ફળીયામાં રહેતા દંપતિના ઝઘડામાં (Fights) પતિએ ઉશ્કેરાઇને ઘરમાં પડેલો પાવડો પત્નીનાં માથા તેમજ શરીરનાં ભાગે ફટકારી મોતનાં ઘાટ ઉતારી દીધી હતી. જેને પગલે વઘઇ પોલીસની (Police) ટીમે આરોપી પતિની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- બહાર ગયેલી પત્નીને ઘરે આવતા મોડું થતા પતિએ પાવડો ઝીંકી પતાવી દીધી
- ગતરોજ ગીતાબેન કુંવર પતિ મુકેશભાઈને જાણ કર્યા વગર ફોઈને મળવા માટે વઘઇ નજીકનાં બારખાંદીયા ગામે ગયા હતા
- વઘઇનાં રાજેન્દ્રપુરમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી લાશને સળગાવવા લાકડા પણ ભેગા કર્યા હતા
- પતિએ કપડા સળગાવી પુરાવા નાશ કર્યા પણ પોલીસે ધરપકડ કરી લીધી
પ્રાપ્ત વિગતો અનુસાર આજથી પાંચેક વર્ષ પહેલા ગીતાબેનનાં લગ્ન વઘઇ તાલુકાનાં ભદરપાડા ગામનાં નિલેશભાઈ વાઘ જોડે થયા હતા. લગ્નનાં પાંચ વર્ષ બાદ ગીતાબેન અને નિલેશભાઈનાં છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં છેલ્લા બે વર્ષથી ગીતાબેન વઘઇનાં રાજેન્દ્રપુરમાં રહેતા મુકેશભાઈ સુરેશભાઈ કુંવર સાથે પ્રભુતામાં પગલા પાડી લગ્ન જીવન જીવતા હતા. જેમાં ગતરોજ ગીતાબેન કુંવર પતિ મુકેશભાઈને જાણ કર્યા વગર ફોઈને મળવા માટે વઘઇ નજીકનાં બારખાંદીયા ગામે ગયા હતા અને મોડી સાંજે બારખાંદિયાથી પરત વઘઇ રાજેન્દ્રપુરનાં ઘરે આવ્યા હતા. ગીતાબેન કુંવર ઘરે આવતા જ પતિ મુકેશભાઈ કુંવરે ઝગડો ચાલુ કરી દીધો હતો. જેને પગલે પતિ મુકેશભાઈ કુંવરે ઉશ્કેરાઈને ઘરમાં પડેલો પાવડો પત્ની ગીતાબેન કુંવરનાં માથાનાં તથા હાથ અને પગમાં સપાટા મારી શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પત્નીને મોતને ઘાટ ઉતારી લાશને સળગાવવા માટે લાકડા પણ ભેગા કર્યા હતા. વધુમાં આરોપી પતિએ પત્નીની હત્યા કર્યા બાદ કપડા સળગાવી દઈ પુરાવા પણ નાશ કર્યા હતા. આ બાબતની જાણ મરણજનારનાં ભાઈને થતા આરોપી મુકેશભાઈ સુરેશભાઈ કુંવર વિરુદ્ધ વઘઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ. ડી.ડી વસાવાની પોલીસ ટીમે આરોપીને ગણતરીનાં કલાકમાં જ ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.