સાપુતારા: (Saputara) રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનોને પ્રજાસત્તાક પર્વની ભેટ આપતા ડાંગ જિલ્લા (Dang District) વહીવટી તંત્રએ શામગહાન – સાપુતારા ઘાટમાર્ગ હેવી વાહનો માટે બુધવાર તા.25/01/2023 થી શરૂ કરવાની જાહેરાત કરી છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, ગત ચોમાસા (Monsoon) દરમ્યાન ભારે વરસાદ અને ભુસ્ખલનને કારણે નુકશાન પામેલા શામગહાન સાપુતારા ઘાટમાર્ગને અગમચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો. સાપુતારા ઘાટમાર્ગ ભારે વાહનો માટે બંધ થતા પ્રવાસન ઉધોગ પર માઠી અસર પડી હતી. હવે આ માર્ગ ભારે વાહનો (Vehical) માટે અનુકૂળ થતા તા.25/01/2023 થી શરૂ કરવામા આવનાર છે.
શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ભારે વાહનો માટે શરૂ થતા સાપુતારાથી મહારાષ્ટ્ર તરફ જતા – આવતા ભારે વાહનો અને એસ.ટી. બસોનાં પ્રવાસીઓ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, માલ વાહક ટ્રકો વિગેરેને મોટો ફાયદો થશે. સાપુતારાનો આ ઘાટમાર્ગ શરૂ કરવા બાબતે જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં એક તાકીદની બેઠક યોજવામા આવી હતી. જેમા પ્રાયોજના વહીવટદાર જે.ડી.પટેલ,પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહજી ચૌહાણ,નાયબ વન સંરક્ષક દિનેશભાઇ રબારી, એ.સી.એફ આરતીબેન ડામોર, એ.આર.ટી.ઓ. ડાંગ, એસ.ટી. કર્મીઓ તેમજ નેશનલ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તા 25 મી જાન્યુઆરીથી સાપુતારાનાં બન્ને નાકા ઉપર ટોલ ટેક્ષ શરૂ કરાશે.
ગિરિમથક સાપુતારાને જોડતા નેશનલ હાઇવે નંબર 953 ઉપર તા 25 જાન્યુઆરીથી ભારે વાહનો શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે આ રસ્તા ઉપર ભારે નુકશાન થતા અહીનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. હવે આ માર્ગ ભારે વાહનો માટે શરૂ કરાતા ફરીથી સાપુતારાનાં માલેગામ અને સાપુતારા નાકા ઉપર ટોલ ટેક્ષ પણ શરૂ કરવામાં આવનાર છે. જેની વાહન ચાલકોને નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ છે.
ડાંગનાં ચીંચલી ગામમાં નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ચીંચલી ગામમા નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં 150થી વધુ દર્દીઓની સારવાર કરી, તેઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચીંચલીમાં યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં ટ્રસ્ટ્રી ડો. મુકેશ પટેલે કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપી હતી. સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસન મુક્તિ, યોગા તેમજ કુદરતી દવાઓની ઉપયોગીતા વિશે લોકોને જાણકારી આપી હતી. નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામાં આવ્યા હતા. અત્યાર સુધી એક હજારથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. આયુર્વેદિક કેમ્પમાં ડો. પિયુષ મકવાણા, હસમુખ ઠાકોર, વિપુલ ઠાકોરે મહત્વની ભૂમિકા અદા કરી હતી. આ પ્રંસગે ચીંચલી તાલુકા સદસ્ય વિજય ચૌધરી, મુકેશ પટેલ, મનોજ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.