સાપુતારા: (Saputara) ચોમાસું જામે એટલે ડાંગનુ઼ં સૌંદર્ય (Beauty) ખીલી ઉઠે છે. વરસાદથી ચારેકોર લીલી વનરાજીનું સામ્રાજ્ય મન મોહી લે છે. એમાં વળી ઝરણાં સોને પે સુહાગાની જેમ સહેલાણીઓને આકર્ષતા હોય છે. એમાંય ઝરણું આગળ વધીને ગીરા ધોધ (Waterfall) બની જાય તો જળશક્તિના અનુપમ સૌંદર્યની છોળ ઉડાડતું હોય છે. એ સૌંદર્યને ડ્રોનથી ઝડપવામાં આવે તો ખળખળ વહેતું ઝરણું અને ધોધ બનીને ફીણ ફીણ પેદા કરતું રૂપનો અનોખો સંગમ જોવા મળે.
પ્રવાસીઓની સુરક્ષા માટે ખડે પગે સેવા બજાવી રહી છે પોલીસ
ગિરિમથક સાપુતારામાં ‘મેઘ મલ્હાર પર્વ’ સહિત ચોમાસામાં ડાંગના જંગલ, પહાડ અને જળધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થામાં ડાંગ પોલીસ ખડે પગે તૈનાત છે. પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના વડપણ હેઠળ મોન્સૂન ફેસ્ટીવલમાં સહેલાણીઓ આવતા હોય છે. જેને પગલે પ્રવાસીઓની ભીડભાડ રહેતી હોય છે. ચોમાસામાં અહીંના વાતાવરણમાં ધુમ્મસ તેમજ વરસાદી વાતાવરણ રહેતુ હોવાના કારણે વિઝીબીલીટીનું પ્રમાણ પણ ઘટી જતા સંભવતઃ કોઇ અનિચ્છનીય બનાવ, ચોરી, અકસ્માત, ટ્રાફિક જામ જેવી ઘટનાની શક્યતાને ધ્યાને રાખી ડાંગ પોલીસ વિશેષ સતર્કતા દાખવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલના માર્ગદર્શન હેઠળ, સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.પરમાર અને સાપુતારાના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.જે.નિરંજન તથા પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા, અને બંદોબસ્ત જાળવતા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
કુદરતી સૌંદર્યનો જાજરમાન નજારો એટલે ડાંગનો ગીરા ધોધ અને વનદેવીનું નેકલેસ
સાપુતારા : ડાંગ જિલ્લામાં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. ચોમાસામાં ડાંગની નદી, નાળા અને જળધોધ સોળે કળાએ ખીલી ઉઠતા નજારા મનમોહક બની જાય છે. સુબિરની ગીરા નદી ઉપર આવેલો ‘ગિરમાળનો ગીરા ધો’ધઅને ‘વન દેવીનો નેકલેસ’ એટલે ગીરા નદીનો યુ આકારનો વળાંક હાલમાં ચોમાસાની ઋતુમાં મનમોહક બની ખીલી ઉઠ્યા છે. કુદરતે જાણે અહીં છુટા હાથે સૌંદર્ય વેરતા ચોમાસા આ સ્થળોને નિહાળવા માટે અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડે છે. ડાંગ જિલ્લાનો સૌથી ઉંચામાં ઉંચો ધોધમાં ગિરમાળનાં ગીરાધોધનો સમાવેશ થાય છે. ચોમાસામાં ગિરમાળનો ધોધ સક્રિય બની પાણી સાથે નીચે ખાબકે છે.
ગિરમાળનાં ગીરા ધોધ જતા પહેલા ગીરા નદી પર આવેલા અન્ય આકર્ષક સ્થળ એવા વનદેવીનો નેકલેસની વાત કરીએ તો ચોમાસામાં નદીનાં યુટર્ન આકારમાં ડહોળુ પાણી લીલીછમ વનકન્દ્રાઓનાં સુંદરતામાં વધારો કરે છે. આ લીલીછમ વનકન્દ્રાઓને ગીરા નદીનો પાણીથી ભરેલો યુટર્ન આકાર આભૂષણ તરીકે નેકલેશની ગરજ સારતા આ સ્થળ વનદેવીનાં નેકલેસ તરીકે પ્રવાસીઓની નજરને ઠરીઠામ બનાવે છે. હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ગીરમાળનો ગીરા ધોધ અને વનદેવીનાં નેકલેસનું સ્થળ જાજરમાન બની દિપી ઉઠતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યુ છે. આ બન્ને સ્થળોનાં કુદરતી નજારાને જોઈને પ્રવાસીઓનાં મોઢામાંથી પણ વાહ રે કુદરત તારી આ બનાવટનો કેવો અદભુત કરિશ્મા છે નાં ઉદગારો નીકળી રહ્યા છે.