Dakshin Gujarat

સાપુતારામાં ટાવેરા ગાડીનો વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો

સાપુતારા: બરડીપાડા રેંજ વિભાગનાં આર.એફ.ઓ સતીષભાઈ પરમારની ટીમે બાતમીનાં આધારે બરડીપાડા રેંજનાં ખોખરીથી તાપી જિલ્લાને સાંકળતા માર્ગમાં ટાવેરા ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકે આ ટાવેરા ગાડીને હંકારી મૂકી હતી. જેથી બરડીપાડા વન વિભાગની ટીમે આ ટાવેરા ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ચાલક જંગલ વિસ્તારમાં ભાગવા જતાં ટાવેરા ગાડી પલટી ગઈ હતી.

વનકર્મચારીઓએ ટાવેરા ગાડી. નં.જી.જે.19.એમ.4395માં તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર સાગી લાકડા નંગ-15 ઘનમીટર-0.856 જેની અંદાજિત કિંમત 1,20,000 અને ટાવેરાની કિંમત 1,80,000 મળી કુલ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં મહેન્દ્ર ઝાયલો ગાડી. નં.જી.જે.5.જી.કે.3424માંથી પણ સાગી ચોરસા નંગ-13 ઘન મીટર 0.720 જેની અંદાજીત કિંમત એક લાખ અને ઝાયલો ગાડીની કિંમત દોઢ લાખ મળી કુલ અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલમાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેંજનાં આર.એફ.ઓ સતીશ પરમારની ટીમે બન્ને વાહનો સહિત લાકડાનો કબ્જો મેળવી ચાર જેટલા શંકાસ્પદો શોધખોળ આરંભી વધુ તપાસ હાથ ધરી છે.

બારડોલીના માંગી ફળિયામાંથી 56 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
બારડોલી: બારડોલી ટાઉન પોલીસમથકના હદ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે પ્રોહિબિશનના ગુનાની પ્રવૃત્તિને નાથવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નગરમાં આર.ટી.ઓ. નજીક આવેલ માંગી ફળિયા વિસ્તારમાં ગેરકાયદે વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે બારડોલી પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચી બુટલેગર બચુ રમણ ગામીતના ઘરમાં તલાસી કરી હતી. જે તપાસ દરમિયાન તેમના ઘરમાં વેચાણ માટે રાખેલી વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-455 કિંમત રૂ.56,000ના મુદ્દામાલ સાથે બચુ ગામીતની અટક કરી હતી. જ્યારે તેનો પુત્ર સાગર ગામીત ભાગી છૂટતાં તેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાનોલી GIDCમાં R.S.P.L. કંપની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા બે ઝડપાયા
અંકલેશ્વર: ભરૂચ એલ.સી.બી.ની ટીમ અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, પાનોલી GIDCમાં R.S.P.L. કંપની પાછળ આવેલી નહેરના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો આંક ફરકનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમે રેડ કરી બે આરોપી શંકર કેશવલાલ અને ભાદરિયા વસાવાને રોકડા તથા જુગાર રમવાનાં સાધનો સહિત કુલ મુદ્દામાલ કિં.રૂ.૧૬,૦૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં મીરાબેન વસાવાને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે ઝડપાયેલા બે આરોપી ઉપર જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્વર રૂરલ પોલીસમથકે સોંપ્યા હતા.

Most Popular

To Top