સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી આગળ બારીનાં વળાકમાં ગલકુંડથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં (National Highway) બે બાઈક (Bike) સવારો સામસામે ભટકાતા એકનું મોત નિપજ્યું હતું, જ્યારે બેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
- આહવાના ગલકુંડ શામગહાન રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
- બારીના વળાંક નજીક ટક્કર થતાં બેને ગંભીર ઈજા, હોસ્પિટલ ખસેડાયાં
પ્રાપ્ત વિગતો મુજબ આહવા તાલુકાનાં ગલકુંડ ગામના હરેશભાઈ કાશીનાથભાઈ રાઉત (રહે.ગલકુંડ ગામ તા.આહવા જી.ડાંગ) અને તેમના ગામના મિત્ર સોમનાથ ભાઈ દિનકરભાઇ ગામીતનાઓ મોટર સાયકલ નં.GJ-30-C-9785 પર સવાર થઈ ચિંચપાડા ગામ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગલકુંડ ગામથી આગળ બારીનાં વળાંકમાં ગલકુંડથી શામગહાન જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં, ત્યારે મહેન્દ્રભાઇ બાબુરાવભાઇ ચૌધરી (રહે. ગલકુંડ તા.આહવા જી.ડાંગ) પોતાની બ્લ્યુ કલરની પલ્સર મોટર સાયકલ રજી.નં.GJ-05-GH-4075ને પુર ઝડપે રોંગ સાઇડે હંકારી લાવ્યા હતાં અને હરેશભાઈ રાઉતની બાઈકને ટક્કર મારી દીધી હતી.
સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાતાં હરેશભાઈ રાઉત અને તેમના મિત્રને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે મહેન્દ્રભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને પ્રથમ ગલકુંડ પી.એચ.સી ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. વધુ સારવારાર્થે તેમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ગંભીર ઈજાઓનાં પગલે મહેન્દ્રભાઈ ચૌધરીનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી હાઈવે પર કન્ટેનર પલટી જતા ફસાયેલા ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કઢાયો
વાપી : વાપી ને.હા.નં.48 પર શનિવારે સવારે આશરે 6 વાગ્યાની આસપાસ મુંબઈથી અમદાવાદ તરફ લોખંડના રોલ ભરીને જઈ રહેલી કન્ટેનર વાપી ગુંજન ઓવરબ્રિજ ઉતરતી વેળા સ્ટિયરીંગનો કાબુ નહીં રહેતા માર્ગની કિનારીએથી પસાર થયેલા ગરનાળામાં પલટી ગયું હતું. જે અકસ્માતમાં કન્ટેનરમાં ભરેલા રોલ ડ્રાઈવરની કેબીન તરફ આવી ગયા હતા અને ચાલક ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા વાપી નગરપાલિકા ફાયર ટીમ તથા પોલીસ ટીમ આવી પહોંચી હતી. પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું. ફાયર ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ કેબીનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.