Entertainment

સનસની વિના ફેલાયેલી સાન્યા

ઇ એવું માનતું નથી કે સાન્યા મલ્હોત્રા આવતી કાલે કેટરીના કૈફ યા દીપિકા પાદુકોણ યા ક્રિતી સેનની જગ્યા લેશે. કેટલીક અભિનેત્રીઓ ટોપ પાંચ કે ટોપ દસના ક્રમમાં પ્રવેશવા માટે હોતી જ નથી. પણ હા, તેમનું એક નક્કી સ્થાન જરૂર હોય છે. ફિલ્મોમાં તે નિયમિત સ્થાન પામે અને પોતાની ભૂમિકાથી પોતાનું સ્થાન મજબૂત કરતી જાય. સાન્યા મલ્હોત્રા બરાબર એ પ્રકારની એકટ્રેસ છે. તેની ફિલ્મ રજૂ થાય ત્યારે ગ્લેમર, તેના લટકાઝટકા, તેની બ્યુટી વગેરેની ચર્ચા નહીં થશે બલ્કે તેના કામની ચર્ચા થશે. એક અર્થમાં તે આ બધું આમીર જેવા પાસે શીખી છે. ‘દંગલ’ ફિલ્મની આ બબીતાકુમારી ચૂપચાપ રીતે પોતાના કામ તરફ આગળ વધતી રહી છે અને તમે તેણે જે ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી છે તે જોશો તો જણાશે કે એ ફિલ્મો પણ ખાસ હતી. એ ફિલ્મો માત્ર નામ કે દામ મેળવવા માટે નહોતી કરી બલ્કે વિષય અને પાત્રને કારણે કરી હતી. આજના સમયમાં વધારે નામ અને વધારે દામની લ્હાય બધાને જ લાગી છે ત્યારે સાન્યા બિલકુલ પોતાની રીતે કામ કરે છે.છેલ્લાં બે વર્ષમાં તો તેણે શાહરૂખ સ્ટારર ‘જવાન’માં અને વિકી કૌશલ સ્ટારર ‘સેમ બહાદૂર’માં ભૂમિકા ભજવી છે છતાં પોતાના વિશે કોઇ દાવા કર્યા વિના નવી ફિલ્મોમાં કામ કરતી જાય છે. સાન્યા નવા દિગ્દર્શકો સાથે કે અભિનેતા સાથે પણ ફિલ્મો સ્વીકારે છે કારણ કે તે સફળતાની કેદમાં પૂરાવા માંગતી નથી. તેણે ‘કથલ’ અને ‘લવ હોસ્ટેલ’ જેવી ઓટીટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ નવા સમયની અભિનેત્રીઓનો એટિટયૂડ છે. સારું કામ કરતાં જાવ અને બીજી ચિંતા છોડી દો. ‘કથલ’ના અભિનય માટે તો તેને વિવેચકો તરફથી શ્રેષ્ઠ અભિનયનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. સાન્યા મલ્હોત્રા હવે તેના ઘરથી વધારે વેનિટી વાનમાં રહે છે. તેનો અર્થ એક જ કે તે સતત ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત રહે છે. તે પોતાને આ માટે નસીબદાર પણ ગણાવે છે અને સારા દિગ્દર્શકો સારા સહઅભિનેતા મળવા માટે પણ પોતાને લકી માને છે. તે કહે છે કે જે યોગ્ય સિસ્ટમ મળે તો જ વિકાસ થઇ શકે. આપણી પાસે ટેલેન્ટ તો હોય પણ તેને કોઇ યોગ્ય રીતે પ્રમાણે અને પાત્રમાં રૂપાંતરિત કરે તો જ લોકોને ખબર પડે કે આ છે સાન્યા. તે મેઘના ગુલઝારના વખાણ કરતા થાકતી નથી જેણે તેને ‘સેમ બહાદૂર’માં સામ બહાદૂરનાં પત્નીની ભૂમિકા આપી હતી. વિકી કૌશલ સાથે કામ કરવાનો પણ તેને ખૂબ આનંદ છે. શાહરૂખ સાથે તો તેને જૂદી મઝા આવેલી કારણ કે તે બંને દિલ્હીના છે એટલે શૂટિંગ પર દિલ્હીની વાતોએ ચડી જતા. તે કહે છે કે શાહરૂખ પાસે તમે ઘણું બધું શીખી શકો છો અને માત્ર ફિલ્મો જ નહીં, જિંદગી વિશે પણ તેની પાસે શીખવા જેવું ઘણું છે. •

Most Popular

To Top