Columns

સંવાદના કીમિયાગર ગાંધીજી આ યુગમાં થયા હોત તો તેઓ શું કરત?

ગયા અઠવાડિયે મારા એક હિન્દુત્વવાદી મિત્રે મને હિન્દુત્વવાદીઓના અંગ્રેજી સામયિક ‘સ્વરાજ્ય’ના અંકની લીંક મોકલી અને પૂછ્યું કે આમાં ડૉ. રામમનોહર લોહિયા વિશે જે કહેવાયું છે એ બધું હકીકત આધારિત છે કે પછી લખનારે સત્ય સાથે ચેડા કર્યા છે? લખનારે જો બદમાશી કરી હોય તો તમારે સત્ય શું છે એ ઉજાગર કરવું જોઈએ અને જરૂર લાગે તો આખો લેખ પણ લખવો જોઈએ. હિન્દુત્વવાદીઓમાં, ભલે સાવ જૂજ પ્રમાણમાં, પણ થોડા એવા લોકો મળી આવે છે જેઓ વાંચે છે અને વિચારે પણ છે.

ગુજરાતના એક બીજા પત્રકાર મિત્ર, જે ઉઘાડા હિન્દુત્વવાદી તો નથી પણ થોડી સહાનુભૂતિ ધરાવે છે એ પણ મને લગભગ છાશવારે કાંઈ ને કાંઈ મોકલીને  “શું આ સાચું છે?” એવો પ્રશ્ન કરે છે. આવા બીજા કેટલાક લોકોના મેસેજીઝ પણ મળતા રહે છે. સુરતમાં રહેતા એક સાહિત્યકાર મિત્ર ગેરહિન્દુત્વવાદીઓએ (મુખ્યત્વે કોંગ્રેસીઓએ અને મુસલમાનોએ) કરેલા કુકર્મોની માહિતી આપતી ક્લીપ મોકલીને મને સવાલ કરે છે કે આ વિષે તમારે શું કહેવાનું છે? તેઓ અત્યંત આદરપૂર્વક પ્રકાશ પાથરવાનું અને ચર્ચામાં ઊતરવાનું ઈજન આપે છે.

હું મોટાભાગે આવી કોઈ જિજ્ઞાસા (સાચી કે પછી જિજ્ઞાસાનો વરખ ચડાવેલી)નો કે પડકારોનો જવાબ આપતો નથી. હું કબૂલ કરું છું કે આ અવિવેક છે. ગાંધીજી મારા કરતાં હજારગણા વ્યસ્ત હોવા છતાં તેઓ દરેક પત્રનો જવાબ આપતા હતા, દરેક પ્રશ્નનો ઉત્તર આપતા હતા અને દરેક શંકાનું નિવારણ કરતા હતા. કેટલીક વાર તો નનામા પત્રોના પણ જાહેરમાં જવાબ આપતા હતા જ્યારે કે નનામા પત્રોના જવાબ આપવામાં આવતા નથી અને એવી જરૂર પણ હોતી નથી. એમાં લખનારનું સરનામું હોતું નથી એટલે ગાંધીજી જાહેરમાં જવાબ આપતા હતા. તેઓ ઉપેક્ષા કોઈની ય નહોતા કરતા.

મને ઘણી વાર પ્રશ્ન થાય કે ગાંધીજી આ યુગમાં થયા હોત તો શું કરત? દરેક વ્યક્તિને પૂરી પ્રામાણિકતાથી ખુલ્લા મનથી સાંભળવાની અને તેની સાથે સંવાદ સાધવાની નિષ્ઠા તેઓ પાળી શક્યા હોત? જી હા, પ્રત્યેક વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળવી અને ખુલ્લા મનથી તેની સાથે સંવાદ કરવો એ તેમની જીવનનિષ્ઠા હતી. તેમને એમ લાગતું હતું કે સામેવાળાનું પ્રત્યેક વાક્ય એ સામેવાળાને નજરે પડતું સત્ય છે અથવા સત્ય-અસત્ય વચ્ચે વિવેક કરવાની તેની મથામણ છે. એ ગમાર છે કે વિરોધી છે કે સુધરે એમ નથી કે માથું ખાય છે કે સમય બરબાદ કરે છે એમ માનીને કોઈની પણ તેમણે અવગણના કરી નહોતી. એમ કરવું એ તેમને મન પાપ હતું. કોઈની ઉપેક્ષા કરવી એ હિંસા છે.

પણ સવાલ એ છે કે ગાંધીજી આજના યુગમાં થયા હોત તો? આ એવો યુગ છે જેમાં સપ્તાહના સાતેય દિવસ અને 24 કલાક લોકો ધૂળેટી રમે છે. કોઈની પાસે માહિતીઓના રંગ છે, કોઈની પાસે કાદવ છે, કોઈની પાસે જલ્દી ન છૂટે એવાં રસાયણો છે અને દરેક પાસે સોશ્યલ મીડિયાની પિચકારી છે. કોઈના ચહેરા ઓળખાતા નથી, દરેક ચહેરા રંગાયેલા અને ખરડાયેલા છે. ત્યાં સુધી કે જિજ્ઞાસુ હિન્દુત્વવાદી મિત્રને તેમની પોતાની વિચારધારાને વરેલા સામયિકમાં કહેવામાં આવતી વાત પર ભરોસો નથી. સ્થિતિ જ્યારે આવી હોય ત્યારે આની વચ્ચે નીરક્ષીર સંવાદમાં ઊતરવાનો કોઈ કીમિયો મારી પાસે નથી એટલે હું મારી કોલમમાં મારી વાત કહીને બાજુએ ખસી જાઉં છું. આ ખોટું છે એ હું કબૂલ કરું છું પણ મનમાં એક પ્રશ્ન હંમેશાં ઘોળાયા કરે છે કે સંવાદના કીમિયાગર ગાંધીજી આ યુગમાં થયા હોત તો તેઓ શું કરત? ગાંધીજીને ગ્રેટેસ્ટ એવર કોમ્યુનિકેટર તરીકે ઓળખવામાં આવે છે તો આજના યુગમાં તેઓ શું કરત?

એક વાતની મને ખાતરી છે કે ગાંધીજીએ પિચકારીધારી ધૂળેટી રમનારાઓ સાથે સંવાદ સાધવાનો કોઈ કીમિયો તો શોધી જ કાઢ્યો હોત. અસત્યના ધોધની વચ્ચે સત્યનું ઝરણું કેમ શોધવું અને લોકોને ઝરણે કેમ પહોંચાડવા તેનો કોઈ રસ્તો શોધી આપ્યો હોત. હું એમ પણ માનું છું કે આજના આ અરાજકતાના યુગમાં વ્યવસ્થા ત્યારે જ પ્રસ્થાપિત થશે જ્યારે સંવાદ રચવા માટે કોઈ જમીન તૈયાર થશે. એવો કોઈ માણસ થશે એની પણ મને ખાતરી છે કારણ કે એ યુગની જરૂરિયાત છે. દરેક યુગમાં યુગની જરૂરિયાત મુજબ યુગપુરુષ પેદા થતા હોય છે. મારી વાત કરું તો મારામાં એવી રજમાત્ર પણ ક્ષમતા નથી એટલે હું મને સૂઝે છે એવું સત્ય તમારી સમક્ષ રજૂ કરીને બાજુએ ખસી જાઉં છું.

Most Popular

To Top