સંતરામપુર : સંતરામપુરના દિવડા કોલોનીમાં અમિત શાહની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મેદાનમાં છેલ્લા 41 દિવસતી આદિવાસી સમાજના જાતિના દાખલાને લઇ યુવાનો આંદોલન ચલાવી રહ્યાં છે. જેઓએ મેદાન ખાલી કર્યું નહતું અને ટસના મસ ન થતાં આખરે અમિત શાહની સભા સ્થળ બદલવા મજબૂર થવું પડ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
ત્યારે સંતરામપુર વિધાનસભામાં ભાજપ ઉમેદવાર કુબેરભાઈ ડીંડોર જંગી બહુમત હાંસીલ કરે તેવા આશાયે ભારતીય જનતા પાર્ટીના કદાવાર નેતાઓ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. જેમાં 29મી નવેમ્બરે કેન્દ્રીયમંત્રી અમિત શાહ કડાણા તાલુકામાં દિવડા ગામે ચૂંટણીની પ્રચાર સભાનું આયોજન કરાયું હતું. પરંતુ અમિત શાહના કાર્યક્રમ પહેલા જ સ્થળ અંગેનો પ્રશ્ન ગોંચમાં પડ્યો હતો. અમિત શાહના કાર્યક્રમ માટે દીવડા કોલોની મેદાનની પસંદગી કરવામાં આવી હતી.
જ્યાં અગાઉ 2017માં અમિત શાહે આ મેદાનમાં કુબેરભાઈ ડીંડોર માટે પ્રચાર કર્યોં હતો. પરંતુ હાલના સમીકરણ કઈ અલગ હોય કડાણા આદિવાસી સમાજ દ્વારા દાખલા મુદ્દે દીવડા કોલોની મેદાનમાં ધરણા કાર્યક્રમ ચાલુ હોય જીલ્લા અને તાલુકાના ભાજપ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અમિત શાહના કાર્યક્રમ સુધી મેદાન ખાલી કરવા આદિવાસી સમાજના યુવાનો સાથે ચર્ચા કરી હતી. જોકે, યુવાનો દ્વારા ધરણા મોકુફ ન રાખવાની હઠ પકડતા ભાજપ મોવડી મંડળ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આ યુવાનોની જીદ સામે નમી કેન્દ્રીય મંત્રી અમિત શાહ માટે અન્ય જગ્યાનો વિકલ્પ શોધવો પડ્યો હતો અને દીવડાકોલોની મેદાનની જગ્યાએ ગોસાઈ કોમ્પ્લેક્સમાં ચુંટણી સભાનું આયોજન કરવું પડ્યું હતું.