દરેક કપૂર ચાલતા નથી. અનિલ કપૂર સ્ટાર રહ્યો ને તેના આધારે તેના મોટાભાઇ બોનીકપૂરની નિર્માતા તરીકેની કારકિર્દી ટકી ગઇ પણ ત્રીજા સંજય કપૂરે ઘણા પ્રયત્નો કર્યા તો પણ ફિલ્મોમાં ધારેલી કારકિર્દી ન જ બની. બાકી તેની પહેલી જ ફિલ્મ ‘પ્રેમ’માં તે તબુનો તો બીજી ‘રાજા’માં માધુરી સાથે હતો. કુટુંબની પ્રતિષ્ઠાના કારણે ફિલ્મો મળી પણ તેનાથી કારકિર્દી ન બની. આખર ઠેઠ ૨૦૦૩ માં જ તે ‘કરિશ્મા: અ મિરેકલ ઓફ ડેસ્ટિની’માં અમર તરીકે દેખાયેલો. ત્યાર પછી તે મોકો મળે ત્યારે ટી.વી. પર કામ કરતો રહ્યો. ફિલ્મોમાં તે નાની ભૂમિકામાં સરી ગયો.
પરંતુ હવે તે ટી.વી. ઉપરાંત વેબ સિરીઝમાં વધારે આત્મવિશ્વાસ સાથે કામ કરી રહ્યાનું લાગે છે. ગયા વર્ષે તે ‘ફેશન સ્ટ્રીટ’ નામની ટી.વી. મુવીમાં આવેલો પછી ‘ધ ગોન ગેમ’ નામની વેબસિરીઝ મળી હમણાં તે ‘ધ લાસ્ટ અવર’માં હતો અને ‘ફાઇન્ડિંગ અનામિકા’માં માધુરી દિક્ષીત સાથે આવી રહ્યો છે. માધુરી હવે પહેલા જેવી મોટી સ્ટાર નથી રહી છતાં તેની સાથે વેબસિરીઝ કરવી કાંઇ ઓછી વાત તો ન જ કહેવાય. નેટફલિકસ પર તે રજૂ થવાની છે અને મોટા સ્તરે આ સિરીઝ બની છે.
સંજય કપૂરે વચ્ચે અર્જુન કપૂર અને સોનાક્ષી સિંહાને લઇ નિર્માતા તરીકે ‘તેવર’ બનાવી હતી તે વખતે કહેલું કે હું મને પ્રમોટ કરવા નિર્માતા નથી બન્યો. મારા પિતા, મારા મોટાભાઇ નિર્માતા તરીકે કામ કરી ચુકયા છે તો નિર્માણ મારા લોહીમાં છે. જોકે સંજય કપૂર રેગ્યુલર નિર્માતા નથી બન્યો. તેને વધારે રસ અભિનયમાં જ છે. આ કારણે જ શોર્ટ ફિલ્મોમાં પણ તે કામ કરી લે છે. હમણાં તેની ‘બેઢબ’ નામની ફિલ્મ પોસ્ટ પ્રોડકશન સ્તરે છે.
જોકે હવે તેનું ધ્યાન દિકરી શનાયા કપૂરની કારકિર્દી બનાવવામાં છે. ત્રણે ભાઇઓની દિકરી ફિલ્મોમાં આવી પણ એક જાન્હવી કપૂર જ સારી રીતે આગળ વધી રહી છે. સોનમ કપૂર તો થોડુ કામ કરીને પરણી ગઇ. સંજયની ઇચ્છા છે કે તેની દિકરી શનાયા વધારે સફળ રહે. તેને તો એવું લાગે છે કે શનાયા જો સફળ જશે તો ફરી તે સ્વયં પણ ચર્ચામાં આવશે. સંજય પીછેહઠ કરવામાં માનતો નથી અને તેથી જ જાણે મિડલ ઓર્ડર બેટસમેન હોય તેમ પોઝીશન સંભાળી રહ્યો છે.