મહારાજ ધૃતરાષ્ટ્રની સૂચનાથી સંજ્ય સંદેશવાહક અને શાંતિદૂત તરીકે ઉપપ્લવ્ય જઈને પરત આવી ગયા છે. પાંડવો શાંતિ અને યુદ્ધ બંને માટે તૈયા૨ છે – આવો સંદેશો ધૃતરાષ્ટ્રને આપીને ધૃતરાષ્ટ્રની અનુજ્ઞાથી સંજય આરામ કરવા ગયા.
રાજ્યની લાલચ અને યુદ્ધનો ભય – આ બંને વચ્ચે ભીંસાયેલા ધૃતરાષ્ટ્ર ખૂબ વ્યાકુળ અને ચિંતિત બની ગયા છે. તેમને ઊંઘ આવતી નથી. તે વખતે કાંઈક માનસિક શાતા મેળવવા માટે ધૃતરાષ્ટ્ર વિદુરજીને બોલાવે છે. વિદુરજીને જ્ઞાન અને ડહાપણની અનેક સુંદર વાતો કહે છે. વિદુરજીની આ વાણીને આપણે ‘વિદુરનીતિ’ કહીએ છીએ.
વિદુરની આ ધર્મનીતિયુક્ત વાતો સાંભળીને ધૃતરાષ્ટ્ર કહે છે –
“વિદુર ! તારી પાસે હજુ પણ કાંઈ કહેવાનું બાકી હોય તો મને કહે કારણ કે તારી વાણી ઘણી વિશિષ્ટ છે.”
તે વખતે વિદુર ઉત્તર આપે છે : “ધૃતરાષ્ટ્ર મહારાજ ! બ્રહ્માજીના પુત્ર કુમા૨ સનત્સુજાત છે. તેઓ ૫૨મ પ્રાચીન ઋષિ છે. તેમણે એક વાર કહ્યું હતું : ‘‘મૃત્યુ છે જ નહીં. મહારાજ ! તેઓ સમસ્ત જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ છે. તેઓ જ આપના હૃદયમાં સ્થિત વ્યક્ત અને અવ્યક્ત, સર્વ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપશે.”
આ સાંભળીને ધૃતરાષ્ટ્ર કહે છે: ‘‘વિદુ૨ ! તે સનાતન ઋષિ મને બતાવશે એમ તમે કહો છો તે સર્વ શું તમે નથી જાણતા? જો તમે બરાબર જાણતા હો તો તમે જ મને ઉપદેશ આપો!”
મહારાજ ધૃતરાષ્ટ્રનાં આ વચનો સાંભળીને વિદુરજી કહે છે : ‘‘રાજન્ ! મારો જન્મ શુદ્ર સ્ત્રીના ગર્ભથી થયો છે. તદનુસાર જાણતો હોવા છતાં આથી અધિક તત્ત્વનો ઉપદેશ આપવાનો મારો અધિકાર નથી પરંતુ કુમાર સનત્સુજાતનું જ્ઞાન શાશ્વત છે. હું તેમને જાણું છું. તેઓ બ્રાહ્મણ છે અને અધ્યાત્મનાં ગોપનીય તત્ત્વોનો ઉપદેશ આપવાનો તેમનો અધિકાર છે. આમ હોવાથી હું આપને આ પ્રમાણે કહું છું.’’
વિદુરજીનું આ કથન સાંભળીને ધૃતરાષ્ટ્ર કહે છે : “વિદુર ! તમે મને તે પ્રાચીનતમ સનાતન ઋષિના સ્થાન વિશે કહો. મને આ દેહથી તેમનો સમાગમ કેવી રીતે થઈ શકે તે પણ કહો.’’ તદનંતર મહાત્મા ભક્તરાજ વિદુરજીએ ઉત્તમ વ્રતવાન તે સનાતન ઋષિનું સ્મરણ કર્યું. વિદુરજી પોતાનું સ્મરણ કરે છે તેમ જાણીને સનત્સુજાત તેમની સમક્ષ પ્રગટ થયા. સનત્સુજાતને પ્રગટ થયેલા જોઈને વિદુરજીએ શાસ્ત્રોક્ત વિધિથી પાદ્ય, અર્ધ્ય, મધુપર્ક આદિ અર્પણ કરીને તેમનું સ્વાગત-પૂજન કર્યું. જ્યારે સનત્સુજાત સુખપૂર્વક બેસીને વિશ્રામ કરવા લાગ્યા ત્યારે વિદુરજી કહે છે : “હે ભગવન્ ! મહારાજ ધૃતરાષ્ટ્રના મનમાં કેટલાક સંશયો છે. મારા દ્વારા તેમનું સમાધાન થાય તે ઉચિત નથી. આપ જ તે વિષયનું નિરૂપણ કરવા માટે યોગ્ય છો. જે સાંભળીને નરેશ સર્વ દુઃખોથી ૫૨ થઈ જાય અને લાભ-હાનિ, પ્રિય-અપ્રિય, જરા-મૃત્યુ, ભય-અભય, ભૂખ-તૃષા, ચિંતા-આળસ, કામ-ક્રોધ, અવનતિ-ઉન્નતિ આદિ તેમને કષ્ટ ન પહોંચાડે તેવો ઉપદેશ આપ જ આપી શકશો.’’
આ વચનો સાંભળીને બુદ્ધિમાન અને મહામના ધૃતરાષ્ટ્રજી વિદુરજીનાં વચનોનો આદર કરીને ઉત્કૃષ્ટ જ્ઞાન પામવાની ઇચ્છાથી એકાંતમાં સનત્સુજાત મુનિને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે : “હે સનત્સુજાતજી! મેં એમ સાંભળ્યું છે કે મૃત્યુ છે જ નહીં, તેવો આપનો સિદ્ધાંત છે. વળી મેં એમ પણ સાંભળ્યું છે કે દેવો અને અસુરોએ મૃત્યુથી બચવા માટે બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. તો હે મુનિવર! આ બેમાંથી યથાર્થ સત્ય શું છે ?’’
મહારાજ ધૃતરાષ્ટ્ર આ પ્રમાણે સનત્સુજાતજીને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરરૂપે સનત્સુજાત અને મહારાજ વચ્ચે અધ્યાત્મવિષયક સંવાદનો પ્રારંભ થાય છે. આ સંવાદના માધ્યમથી સનત્સુજાતજી ધૃતરાષ્ટ્રને અને ધૃતરાષ્ટ્રના માધ્યમથી સમગ્ર માનવજાતને અધ્યાત્મનો ઉપદેશ આપે છે. આ ઉપદેશ આ સંવાદને, આ પ્રકરણને ‘સનત્સુજાતીય’ કહેવામાં આવે છે.
‘મહાભારત’ના ઉદ્યોગપર્વમાં અધ્યાય 41થી અધ્યાય 46 સુધી. એમ 6 અધ્યાયમાં સનત્સુજાત-પર્વ અવસ્થિત છે. તદનુસાર સનત્સુજાત-પર્વ તે ઉદ્યોગપર્વનું એક ઉપપર્વ છે તેમ સમજવું જોઈએ. સનત્સુજાતપર્વ અર્થાત્ સનત્સુજાતીય ‘મહાભારત’નાં અનેક અધ્યાત્મ- પ્રકરણોમાંનું એક પ્રકરણ છે.
સનત્ એટલે બ્રહ્માજી અને સનત્સુજાત એટલે બ્રહ્માજીના પુત્ર ! સનત્સુજાતને સનતકુમાર પણ કહેલ છે.
આ સંવાદના વક્તા સનત્સુજાત અર્થાત્ સનતકુમાર છે અને શ્રોતા મહારાજ ધૃતરાષ્ટ્ર છે.