SURAT

હીરાની દલાલી કરીને થાકી ગયેલા વરાછાના દલાલે કંઈક એવું કર્યું કે, 32 વેપારી દોડતા થઈ ગયા

સુરત (Surat) : વરાછા હીરા બજારના (Diamond Market) 32 વેપારીઓ પાસેથી 7.86 કરોડના હીરા લઈને ફરાર થયેલા દલાલને વરાછા પોલીસે સુરેન્દ્રનગરથી ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. આરોપી હિરા દલાલીની કામથી કંટાળી ગયો હોવાથી ગેરેજ શરૂ કરવા માંગતો હતો. આ માટે તેને હિરા લઈને ભાગી ગયો હતો.

  • દલાલીનું કામ કરીને કંટાળી જતા હીરા દલાલ 7.86 કરોડના હિરા લઈ રફુચક્કર થઇ ગયો હતો
  • ઓટો ગેરેજ શરૂ કરવા પૈસાની જરૂર હોવાથી હિરા લઈ ભાગી ગયો હતો
  • રજા ઉપર વતન ગયેલા પાંડેસરા પોલીસ સ્ટેશનના હે.કો.બળદેવભાઈ આખી રાત વોચ ગોઠવી બેસી રહ્યા
  • આરોપીને સુરેન્દ્રનગર સંબંધીના ઘરે ઉંઘમાં જ ઝડપી લેવાયો

વરાછા પોલીસ સ્ટેશનમાં હીરાના 32 વેપારીઓ પાસેથી બીજા વેપારીઓને હીરા વેચી સારો ભાવ અપાવવાના બહાને વિશ્વાસ કેળવી રૂ. ૭,૮૬,૮૧,૨૬૪ ના હીરા લઈને હિરા દલાલ મહાવીર ઇશ્વરદાસ અગ્રાવત ગાયબ થયો હતો. વરાછા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. આરોપી મહાવીર પોતાનો મોબાઇલ ફોન તેની સાળી જાગૃતિ આચાર્યને આપી ફોન ફોરમેન્ટ કરવાનું અને સીમકાર્ડ કાઢી ફેંકી દેવાનું કહીને ગયો હતો. તે સુરેન્દ્રનગર ખાતે તેના સગાને ત્યાં જવાની બાતમી મળી હતી. દરમિયાન અગાઉ વરાછામાં ફરજ બજાવી ગયેલા અને હાલ પાંડેસરામાં ફરજ બજાવતા અ.હે.કો. બળદેવભાઇ અંબારામ વતન સુરેન્દ્રનગર ખાતે રજા ઉપર ગયા હતા.

તેમને સમગ્ર બનાવની માહિતી આપી આરોપીની સંબંધીના ઘરે તપાસ કરવા કહેવાયું હતું. દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ બેગ લઈને આવ્યો હોવાની માહિતી મળી હતી. આરોપી ભાગી ન જાય તે માટે તેમણે આખી રાત વોચ રાખી હતી. દરમિયાન વરાછા પોલીસની ટીમ પહોંચી જતા આરોપીને ઉંઘમાં જ ઝડપી લેવાયો હતો. આરોપી મહાવીર ઉર્ફે મુસાભાઇ ઇશ્વરદાસ અગ્રાવતની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે છેલ્લા સાતેક વર્ષથી હીરાની દલાલીનું કામકાજ કરે છે. તેના પિતા પણ આ વેપારીઓ સાથે છેલ્લા 25 વર્ષથી હીરા દલાલીનું કામ કરે છે. જેથી આરોપી મહાવીર હીરા દલાલીના ધંધાથી કંટાળી ગયો હતો. અને ગેરેજનો ધંધો કરવા માંગતો હતો. આ માટે તે હીરાનો માલ લઇ ભાગી ગયો હતો.

Most Popular

To Top