Columns

બજેટ 2023 લોકપ્રિય નહીં પણ વહેવારુ બજેટ જ તારી શકશે અસંતુલિત અર્થંતંત્રને

2024ની ચૂંટણીઓ પહેલાંનું આ બજેટ નિર્ણાયક જ હોય તે સ્વાભાવિક છે. રોગચાળા પછીનું આ પહેલું બજેટ છે. વિશ્વમાં પણ યુક્રેન રશિયાના સંઘર્ષ જેવા સંજોગોને કારણે બહુ પરિવર્તનો આવ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો કરીને બેરોજગારી અને ફુગાવાના મુદ્દામાં ઘી હોમી રહ્યા છે ત્યારે મોદી સરકારે આગામી ચૂંટણી પહેલાંના આ બજેટમાં લોકપ્રિય ચીજોના તલ હોમવા જ પડશે. જો કે ધનવાનોને ધનવાન બનાવતા આક્ષેપોને મોદી સરકાર કંઇ બહુ ગંભીરતાથી લેતી હોય એમ લાગતું નથી.

વૈશ્વિક અર્થતંત્ર મંદીના સપાટામાં છે, US ફેડરલ રિઝર્વે નક્કી કર્યું છે કે ગમે તે ભોગે ફુગાવાને ફગાવી દેવો, ચીન બમણા જોરથી ફરી રેસમાં જોડાયો છે અને જાપાનની હાઇપર-ઇઝી મોનિટરી પૉલિસીનું જોર ઘટ્યું છે. દુનિયામાં આ બધું ચાલી રહ્યું હોય ત્યારે ભારત કોઇ એવા વાયદા તો નહીં કરે જે પાળવાના મુશ્કેલ હોય છે અને આ બધી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારતને જો વૈશ્વિક આર્થિક સત્તાની દોડમાં આગળ વધવું હોય તો બહુ બધા પડકારોની ત્રિરાશિ માંડવી પડશે.

BJPની સરકાર 2014માં સત્તા પર આવી ત્યારથી માંડીને 2016-17 સિવાયના 9 બજેટમાં મોદી સરકાર ક્યારેય પણ ફિસ્કલ ડેફિસીટ એટલે કે રોજકોષીય ખાધના ટાર્ગેટને અચિવ નથી કરી શકી. 2014-15ના બજેટ માટે જે ટાર્ગેટ અપાયું હતું તે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – GDPના 3 % જેટલું હતું જે આગલા બજેટમાં 3.5 % કરાયું અને સાકાર પણ કરાયું હતું. અપેક્ષા કરતાં ઓછા GDP અને વધુ ટેક્સ કલેક્શનને કારણે GDPના 6.4 % જેટલું જે ફિસ્કલ ડેફિસીટનું ટાર્ગેટ નક્કી કરાયું હતું જે 31મી માર્ચ સુધીમાં માંડ પૂરું થશે.

આગામી નાણાંકીય વર્ષ માટે ફિસ્કલ ડેફિસીટના ટાર્ગેટ 4.5%થી ઓછા રાખવા એવું કેન્દ્ર વિચારે છે એવી ચર્ચા છે. ભારતને બીજા દેશોનું અર્થતંત્ર ધીમું પડ્યું હોવાનો ગેરલાભ વેઠવો પડે છે કારણ કે ભારતની નિકાસ ઘટી છે. કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન ભારતે કરોડો ડૉલર્સના ખર્ચે લોકોને ખાધા-ખોરાકી પહોંચાડી હતી- ખાસ કરીને ગરીબોને વળી ફ્રી વેક્સિન્સ, નાના વ્યાપારને ઓછા દરે અપાયેલી સસ્તી લોન્સ વગેરેને કારણે ફિસ્કલ ડેફિસીટ GDPના 9.3 % થઇ ગઇ હતી. છેલ્લા બે-એક બજેટ તો પેન્ડેમિક બજેટ રહ્યા જેમાં હેલ્થકેર પર સરકારે વધુ ખર્ચ કરવો પડ્યો એમાં વેક્સિન ડિપ્લોમસીથી માંડીને સ્થાનિક માળખાકીય સુવિધાઓની વાત આવી ગઇ, વળી છેવાડાના માણસોને સાચવવા માટે પણ નાણાં ફાળવાયાં – આમાં જાહેર ક્ષેત્રના કેપિટલ એક્સપેન્ડિચરે વિકાસ સાચવી લીધો. 2016માં નોટબંધી અને GSTએ આપણા વિકાસની ગતિ ધીમી પાડી. રોગચાળા પછી અર્થતંત્ર તો બેઠું કરવાનું જ હતું પણ સાથે બેરોજગારી, અનૌપચારિક ક્ષેત્રોના પ્રશ્નો પણ ખડા થયા.

હવે રાજકીય ચોપાટની વાત કરીએ તો નિર્મલા સીતારામનનું બજેટ આ વર્ષે લોકલક્ષી હોય તે બહુ જરૂરી છે કારણ કે માથે ચૂંટણી ઊભી છે. આર્થિક અને રાજકીય ફરજોના દોરડા પર સંતુલન કરીને બજેટના માંચડા પર ચાલવું સહેલું નથી. ચૂંટણી માથે છે ત્યારે અત્યાર સુધી લોકોને રિઝવવા માટે જે સરકારે બજેટ નથી બનાવ્યું એણે હવે લોકલક્ષી બજેટ પણ બનાવવું પડશે. નાની બચત યોજનાઓ માટેની સરળતાઓ, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇન્શ્યોરન્સ જેમાં જરૂર પડે તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરવી, વરિષ્ઠ નાગરિકોને વિદેશી આવક પર કરમુક્તિની મર્યાદા વધારવા જેવાં પગલાં સરકાર આ બજેટમાં લે તેવી શક્યતાઓ છે.

BJP સરકાર ટેક્સેશનને મામલે કડક રહી છે પણ હવે આ સંજોગો બદલાશે કે કેમ એ જોવું રહ્યું? કરવેરાના દર ઘટાડવાની દિશામાં પણ સરકાર વિચાર કરે તો મધ્યમવર્ગને રાહત રહે. વળી વંદે ભારત ટ્રેન જેવી સવલતોમાં વધારો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ માટેના ઇક્વિટી રોકાણો પર મુક્તિની મર્યાદામાં વધારો પણ થઇ શકે છે. ચૂંટણી એક વર્ષ બાદ જ છે ત્યારે સરકાર રાજ્ય સંચાલિત કંપનીઓ વેચીને નાણાંકીય ભંડોળ વધારી ન શકે તે સ્વાભાવિક છે અને આ કારણે નાણાંમંત્રી પગારદારો માટે બહુ નોંધપાત્ર ટેક્સ બ્રેક નહીં આપી શકે તો ગરીબોને મદદરૂપ એવી સબસિડી પણ સરકારે ઘટાડવી જ પડશે. ફુગાવાનું નિયંત્રણ પણ સરકાર માટે જરૂરી છે જે બજેટ ડેફિસીટ પર જરૂરી કાપ મૂકવાથી જ થઇ શકશે.

મોદી સરકારનો અભિગમ બજેટ પ્રત્યે ‘કોઇની પણ સાડાબારી રાખવી નહીં’ પ્રકારનો રહ્યો છે. વળી ‘સબ કા સાથ સબ કા વિકાસ’થી માંડીને આત્મનિર્ભર જેવા નવા શબ્દો સરકારે આપ્યા છે જેમાં મૂળે તો સર્વાંગી વિકાસ અને આયાતો ઘટાડવા પર ધ્યાન અપાયું. મોદી સરકારે બજેટનો ઉપયોગ સામાજિક એજન્ડા અને આર્થિક વિઝન આપવા માટે કર્યો છે.
જો કે જે કહેવાયું છે તે થયું નથી – બેરોજગારી અને મોંઘવારીનો બોજ તો છે જ વળી આર્થિક વિકાસ પણ એટલો ઝડપી નથી જેટલો બીજી સરકારોમાં રહ્યો છે. રાજ્ય સ્તરે સ્રોતોની તંગી, વીજળીની વહેંચણી, સવલતોમાં સરિયામ ખોટ અને 6 %નો ફુગાવો એ વાતની સાબિતી છે કે ભારતમાં મેક્રોઇકોનોમિક અસંતુલન આંખે ઊડીને વળગે એવું છે – સદનસીબે કોલર ઊંચો કરવા માટે કોવિડ-19 રોગચાળા પછીનો વિકાસ છે પણ એ પણ ધીમો પડી રહ્યો છે.

કારણ કે બેંકોના વધતા ઇન્ટરેસ્ટ રેટ્સને કારણે નિકાસ ઘટી છે. ફિસ્કલ પંપ્સને કામે લગાડવા કરતાં સ્થિરતા પર ધ્યાન આપવામાં ભારતના અર્થતંત્રને લાભ છે. ચીનની સામે ઉત્પાદક દેશ તરીકે ભારતને એક મજબૂત સ્પર્ધક તરીકે રજૂ કરવાની વડા પ્રધાનની મહેચ્છા પૂરી કરવા માટે જે માળખાની જરૂર હશે તે ખડા કરવા તરફ ધ્યાન અપાશે. ભારત સરકારનું પોતાનું કેપિટલ એક્સપેન્ડિચર ભારે રહ્યું છે અને પૈસા ખડા કરવા માટે રાજ્યના એસેટ્સને ખાનગી પ્લેયર્સને લીઝ પર આપવાનો વારો આવશે. જે તવંગરો સામે વિરોધ પક્ષોને વાંધો છે એ લોકો જ રેલવે, રોડ અને એરપોર્ટમાં રોકાણો કરશે. મોદી સરકારે એર ઇન્ડિયા તાતા ગ્રુપને વેચવામાં ચાવીરૂપ રોલ ભજવ્યો પણ એ ઘટના ચૂંટણી પહેલાં નહોતી થઇ.

ચૂંટણી માથે હોય ત્યારે ખાનગીકરણની શક્યતાઓ ઘટાડવી જ પડે નહીંતર લોકોને એ આંખમાં કણાની માફક ખૂંચે. કોંગ્રેસે જ્યાં ચૂંટણીમાં જીત મેળવી છે ત્યાં લોકપ્રિય નીતિઓનું અમલીકરણ કરાયું છે જેમ કે સરકારી કર્મચારીઓ માટે પહેલાં જેવી પેન્શન યોજના. જો કે આ નીતિઓ આવે તો ભવિષ્યના ટેક્સ પેયર્સનો બોજ વધે. 1લી ફેબ્રુઆરીનું બજેટ ધુંઆધાર લાગી શકે છે પણ વિકાસની પકડ ઢીલી પડશે તો વર્ષ દરમિયાન રાજકીય દબાણોને આધારે દેશમાં કામગીરી થવા માંડે એમ પણ બને. બજેટ લોકપ્રિય ન હોય પણ વહેવારુ હોય તે જરૂરી છે કારણ કે વૈશ્વિક મંદીની આગાહી છે ત્યારે સ્થાનિક ઉદ્યોગોના પડકારો ઉકેલાઇ શકાય તો આપણું અર્થતંત્ર બહેતર બને.

Most Popular

To Top