જેને પોલીસનો પણ ધાક નથી તેવા ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવી કુખ્યાત બનેલા અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ માથાભારે સલમાન લસ્સીને મળસ્કે 3 વાગ્યે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ દિલધડક ઓપરેશનમાં ક્રાઈમ બ્રાન્ચના ફાયરિંગમાં સલમાન લસ્સી ઘાયલ થયો છે, તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. તેને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન લસ્સી અમલમાં મુક્યું હતું. મળસ્કે 3 વાગ્યાની આસપાસ હાથ ધરાયેલા ઓપરેશનમાં સલમાન લસ્સીએ પોલીસથી બચવા પોલીસ ઈન્સ્પેક્ટર સોઢા પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.
પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્થીને આરપાર નીકળી ગઈ હતી. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ સલમાન લસ્સીને ઝડપી લઈ પોલીસે તેને સૌ પ્રથમ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
ભેસ્તાનમાં 21 ઓક્ટોબરે હત્યા કરી ભાગી ગયો હતો
સલમાન લસ્સી ગઈ તા. 21 ઓક્ટોબરે ભેસ્તાન વિસ્તારમાં એક હત્યા કરી ભાગી ગયો હતો. આ ઉપરાંત તેની સામે 15થી 17 ગુના નોંધાયેલા હતા, જેમાં તે વોન્ટેડ હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાઈને રહે છે. તેથી ક્રાઈમ બ્રાન્ચની 25 જેટલાં અધિકારીઓ, કર્મચારીની ટીમ 6 નવેમ્બરે મળસ્કે 3 વાગ્યે ડાભેલ ગામમાં પહોંચી ગઈ હતી.
મળસ્કે ડાભેલ ગામમાં દિલધડક ઓપરેશન હાથ ધરાયું
સલમાન ડાભેલના જે મકાનમાં છુપાયો હતો તેને પોલીસે ઘેરો ઘાલ્યો હતો. આસપાસના 5 મકાનને પણ ઘેરી લીધા હતા. તે છત પરથી કૂદીને ભાગી જાય તેવો ડર હતો તેથી આખા મહોલ્લાને કોર્ડન કર્યું હતું. ત્યાર બાદ પોલીસની એક ટીમે દરવાજા પર પહોંચી હતી. બીજી ટીમ તે ટીમને બેક કરી રહી હતી. લસ્સી જે રૂમમાં છુપાયો તે તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ આવી છે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લસ્સીને સરેન્ડર કરવા કહ્યું પરંતુ તે બહાર આવવા તૈયાર નહોતો. મકાનના આગળના ભાગમાં તેના પરિવારના સભ્યો હતો જ્યારે તે પાછળના ખુણામાં છુપાઈને બેઠો હતો.
પોલીસે દબાણ વધાર્યું તે તેણે ધરપકડથી બચવા મરણિયો પ્રયાસ કર્યો. તેણે પહેલાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને ચપ્પુ બતાવ્યું. અને ત્યાર બાદ અચાનક પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો. પીઆઈ સોઢાએ સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ફાયરિંગ કર્યું. ઈન્જર્ડ સલમાન જમીન પર પડ્યોને પોલીસે તેને દબોચી લીધો. ત્યાર બાદ 3.15 કલાકે સારવાર માટે સલમાનને હોસ્પિટલ ખસેડાયો.
સલમાનને ફ્રેક્ચર થયું
હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી છે. તેના હાડકાંને ટચ કરી ગોળી આરપાર નીકળી ગઈ, જેને લીધે ફ્રેક્ચર થયું છે. એક્સ રે બાદ સારવાર અપાશે.
નોંધનીય છે કે, ભેસ્તાન ભીંડી બજાર સ્થિત ખલીલ ટી-સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોન્ટેડ હતો. મારામારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીનો સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ખૂબ આતંક હતો.