‘તને સંગીતનો કખગઘ પણ આવડતો નથી. તું જા.’ ઉપરોકત શબ્દો સંગીત નિર્દેશક સલીલ ચૌધરીએ મશહુર ગાયક કિશોરકુમારને કહ્યા હતા. 1954માં બિમલ રોય ‘નોકરી’ ફિલ્મ બનાવી રહ્યા હતા. જેમાં હીરો કિશોરકુમાર સાથે શીલા રામાણી હતા. આ ફિલ્મના સંગીતકાર સલીલ ચૌધરી હતા. આ ફિલ્મનું એક ગીત ‘છોટા સા ઘર હોગા-’ સલીલ ચૌધરી હેમંતકુમાર પાસે ગવડાવવા માંગતા હતા. કિશોકુમારને આ ખબર મળતાં તેઓ તરત જ મોહન સ્ટુડિયોઝના મ્યુઝિક રૂમમાં ધસી ગયા અને સલીલ ચૌધરી પાસે જાણવા માંગુ કે શા માટે તેને હેમંતકુમારનું પ્લેબેક આપવામાં આવે છે. સલીલ ચૌધરી ત્યારે મુંબઇમાં નવા હતા. તેમણે જણાવ્યું કે તેમણે હેમંતકુમારને કલકત્તામાં ગાતા સાંભળ્યા છે માટે. કિશોરકુમાર ત્યારે સલીલ ચૌધરીને કહ્યું ‘મને સાંભળો. કિશોરકુમારે ગાવાની શરૂઆત કરી ત્યાં જ સલીલ ચૌધરીએ તેને અટકાવ્યા અને કહ્યું ‘તને સંગીતનો કખગઘ પણ આવડતો નથી. તું જા’ ફિલ્મમાં તને હેમંતકુમાર જ પ્લેબેક આપશે.
કિશોરકુમાર પછી બિમલ રોયને મળ્યા. બિમલદાએ જણાવ્યું કે સંગીત સલીલ ચૌધરીનો વિષય છે. એમાં હું દખલ નહીં કરી શકું. ફરીવાર કિશોરકુમાર તેના જાણીતા ગાયનોની બધી રેકર્ડઝ લઇને સલીલ ચૌધરી પાસે ગયા. ત્યાર પછી પણ સલીલ ચૌધરીની હા નહીં થઇ. આ વખતે ફિલ્મ જગતના ઘણા જાણીતા લોકોએ સલીલ ચૌધરીને સમજાવ્યા કે આ છોકરાની કેરિયર શરૂ થાય છે ત્યારે તેને જો બીજાનું પ્લેબેક આપવામાં આવશે તો તે ભાંગી પડશે. સલીલ ચૌધરી છેવટે પીગળ્યા પણ કહ્યું પણ આ કિશોરકુમાર સીંગર નથી. આ ઘટનાના સત્તર વર્ષ બાદ 1971માં આજ સલીલ ચૌધરીએ કિશોરકુમાર પાસે ફિલ્મ ‘મેરે અપને’માં ગાવાનો મોકો આપ્યો અને બોલ્યા હતા- દાદા બર્મને (સચીનદેવ) નાની ઉંમરમાં આ છોકરાને પગભેર કરવા માટે સલામ કરું છું. આ બનાવ ફિલ્મ સંગીત મર્મજ્ઞ રામુ ભારતને એના પુસ્તક અ જર્ની ડાઉન મેમરી લાઇનમાં નોંધ્યો છે.
સુરત – રશ્મિ દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.