સુરત: IPL શરૂ થતા જ શહેરમાં સટ્ટાખોરોની એક સજજડ માયાજાળ ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે. પરશુરામ ગ્રુપ, અઘોરી ગ્રુપ, ફાઈટર ગ્રુપ અને ગાર્ડન ગ્રુપ મફત ID દ્વારા કરોડોની બુક ચલાવી રહ્યા છે. આ ગેંગના સુત્રધાર સાલિયા, ગજ્જુ અને મનોજ શર્મા છે, જે IPL હારનારોની મિલકત કબ્જે કરવાના પ્લાન દ્વારા લોકોને ઉથલપાથલ કરી રહ્યા છે.
- હારનારની મિલકત સીધી સાલિયા, મનોજ અને ગજ્જુના હાથે જાય!
- પરશુરામ ગ્રુપ અને અઘોરી ગ્રુપ કરોડોના સટ્ટા અને યુએસડીટી ટ્રેડિંગમાં સંડોવાયેલા?
- જો આ તમામ ગ્રુપના સભ્યોના મોબાઈલ ડેટા ચેક કરે, તો આ સમગ્ર કૌભાંડ ખુલ્લું પડી શકે અને તેમના કનેક્શન મળી આવશે
શહેરમાં અઘોરી ગ્રુપ, ફાઈટર ગ્રુપ, ગાર્ડન ગ્રુપ અને પરશુરામ ગ્રુપની IPL સટ્ટામાં સીધી સંડોવણી હોવાની પણ ચર્ચા છે. આ ગ્રુપને સાલિયા, ગજ્જુ અને મનોજ શર્મા દ્વારા 1 કરોડથી વધુની માસ્ટર ID અપાઈ છે અને તેઓ કરોડોની ‘બુક’ ચલાવે છે! દર સોમવારે હિસાબ થાય છે. જે લોકો એક અઠવાડિયા સુધી આઈડીથી રમ્યા હોય, તેઓએ હારેલી રકમ ચૂકવવી જ પડે છે! જો પૈસા નહીં હોય, તો મિલકત અને ઘર દાવ પર આવે છે! IPLમાં હારેલા બિલ્ડર અને વેપારીઓના છોકરાઓની જમીન લખાવી પાડવા ગુંડા સીધા ઘર સુધી પહોંચી જાય છે!
જો પોલીસ ઈમાનદારીથી તપાસ કરે અને આ તમામ ગ્રુપના સભ્યોના મોબાઈલ ડેટા ચેક કરે, તો આ સમગ્ર કૌભાંડ ખુલ્લું પડી શકે! આ તમામનું સાલ્યા, ગજ્જુ અને મનોજ સાથેનું કનેક્શન મળી આવશે. તેમના મોબાઈલમાંથી સાલ્યા, ગજ્જુ અને મનોજે આપેલી આઈડી પણ મળી આવશે. સૌથી મોટા પરશુરામ અને અઘોરી ગ્રુપ સમાજમાં સારા કાર્યો કરીને પોતાનું નેટવર્ક મજબૂત બનાવે છે, પણ પાછળથી IPL સટ્ટો અને યુએસડીટી હવાલા નેટવર્ક ચલાવે છે!
સટ્ટાની માયાજાળ: ‘બંટી’ અને તેની ઉધારી IDનું બ્લેકમેલિંગ!
સિટી લાઈટ વિસ્તારનો કુખ્યાત બુકી ‘બંટી’ IPLમાં ઉધારી ID આપવા માટે ઓળખાય છે. કેટલાક બિલ્ડરોના પુત્રોને એક અઠવાડિયા સુધી ફ્રી ID આપી IPLમાં મોટા બેટ લગાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જ્યારે હાર થાય, ત્યારે મિલકત અને ફ્લેટો બધી જ સંપત્તિ સટ્ટાખોરો દ્વારા કબ્જે કરવામાં આવે છે! જેઓ ચૂકવણી ન કરે, તેમના પર ગુંડાઓ દ્વારા દબાણ બનાવવામાં આવે છે. આ જ રીતે અનેક યુવકોને કરોડોની મિલકત ગુમાવવી પડી છે!
સટ્ટા માફિયાઓની ખુલ્લેઆમ કરોડોની હેરફેર અંગે પોલીસની નિષ્ક્રિયતા શંકા ઉપજાવનારી
સુરત પોલીસની વિવિધ શાખાઓને આઈપીએલ સટ્ટાના તમામ રેકેટની જાણ જ ન હોય તેવું માનવુ અઘરું છે. તેમ છતાં સાલિયા, મનોજ અને ગજ્જુની ગેંગ સામે કોઈ એક્શન કેમ લેવાતું નથી તે મોટું રહસ્ય બની રહ્યું છે. ખુદ પોલીસ કમિશ્નર તો ખૂબ જ કડક અને સુનિયોજીત ક્રાઇમને નાબૂદ કરવા બાબતે જાણીતા છે, પરંતુ તેમના જ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમને અંધારામાં રાખી સટ્ટાખોરો પાસેથી દર મહિને કોઈ મોટો લાભ લઈ તેમને છાવરી રહ્યા હોય તેવી છાપ લોકોમાં ઉપસી રહી છે! બાકી આવાં મનોજ, ગજ્જુ અને સાલિયા જેવા સટ્ટા માફિયાઓની આટલું ખુલ્લેઆમ કરોડોની હેરફેર કરી નાંખવાની હિમત ક્યાંથી આવે?
IPL સટ્ટાની કાળી દુનિયા!
- IPL માટે સટ્ટાખોરો 1 કરોડથી વધુની માસ્ટર ID આપે છે.
- દર સોમવારે હિસાબ થાય છે, અને હારનાર પાસે જો પૈસા ન હોય તો મકાન કે મિલકત જપ્ત કરવામાં આવે છે.
- આ સમગ્ર રેકેટ USDT (ક્રિપ્ટોકરન્સી) દ્વારા લાખો ડોલર વિદેશ મોકલી રહ્યું છે, જે દેશદ્રોહના ગુનામાં પણ આવે છે!
- કરોડોનો કાળો ધંધો ચાલતો હોવા છતા જાણે સુરત પોલીસ સાવ અજાણ હોય તે રીતે તેમની અકળ નિષ્ક્રિયતા!
સાલિયા-મનોજ-ગજ્જુના ફોન ડેટા તપાસવામાં આવશે?
જો સુરત પોલીસ આ માફિયાઓના સહયોગી બુકીઓ, ગેંગ સભ્યો અને ‘માસ્ટર ID’ ધારકોના મોબાઈલ ચેક કરે, તો સાલિયા, મનોજ અને ગજ્જુ સાથેના બધા વ્યવહારો બહાર આવી શકે! પરંતુ એ માટે પોલીસને પણ ઈમાનદારી બતાવી મોટી રાજકીય અને આર્થિક શક્તિઓ સામે એક્શન લેવા તૈયાર થવું પડશે! આગળ આવનારી IPL મેચો પહેલા જો આ ગેંગ પર કાર્યવાહી નહીં થાય, તો સુરત IPL સટ્ટા બજારનું ન્યૂ હબ બની જશે.
