World

વર્લ્ડ બેન્કના કર્મચારીઓને ઘર ચલાવવાના પણ ફાંફા!

વૉશિંગ્ટન: આન્દ્રે બ્લોન્ટ લગભગ છેલ્લા દસ વર્ષથી વર્લ્ડ બેન્કના (World Bank) વડામથકે આવતા મહાનુભાવોને ભોજન પીરસવાનું કામ કરે છે અને તે કહે છે કે તેને અત્યાર સુધી માત્ર એક પગાર વધારો (salary increase) મળ્યો છે અને તે પ૦ સેન્ટનો! આ સપ્તાહે, વિશ્વ બેન્કની વસંત બેઠકમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી નેતાઓ વૉશિંગ્ટન ડીસીમાં છે, ત્યારે બ્લોન્ટ અને તેના સાથીદારો પોતાની દયાજનક સ્થિતિ તરફ સૌનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યા છે.

આ કર્મચારીઓ એક એવી સંસ્થાના કાર્યક્રમોમાં ભોજન પીરસવાનું કામ કરે છે જે સંસ્થાનું કામ ગરીબી સામે લડવાનું છે, અને આ સંસ્થાના આ કર્મચારીઓ પોતે જ નાણાકીય સંઘર્ષ કરી રહ્યા છે. યુનિયન લીડરો કહે છે કે વર્લ્ડ બેન્કના ચોથા ભાગના ચોથા ભાગના ફૂડ વર્કરો કોન્ટ્રાક્ટ પરના કામદાર તરીકે કાર્ય કરે છે અને તેઓ કમ્પાસ ગ્રુપ નોર્થ અમેરિકા મારફતે અહીં કોન્ટ્રાક્ટ કામદાર તરીકે જોડાયા છે. તેઓ પોતાના બે છેડા ભેગા કરવા માટે પબ્લિક બેનીફીટ જેવા કે સ્નેપ અથવા ફૂડ સ્ટેમ્પો પર આધાર રાખે છે. આ કફોડી હાલત છે એમ ૩૩ વર્ષીય બ્લોન્ટ કહે છે જે વર્લ્ડ બેન્કની બહાર યુનિયન સભ્યો સાથે દેખાવો કરી રહ્યો હતો.

  • આખી દુનિયાના ગરીબોની ચિંતા કરતી વર્લ્ડ બેન્કના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને અપૂરતો પગાર ચુકવાય છે
  • વિશ્વભરમાંથી આવતા નેતાઓને ભોજન પીરસવાનું કામ કરતા કર્મચારીઓએ પોતે ભોજન માટે સખાવતી ફુડ સ્ટેમ્પો પર આધાર રાખવો પડે છે!

વર્લ્ડ બેન્કના અધિકારીઓ આખી દુનિયામાં લોકોને કઇ રીતે મદદ કરવી તે માટે ચર્ચાઓ કરતા રહે છે પણ આ સંસ્થાના પોતાના જ સેંકડો કર્મચારીઓને ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે. બીજી બાજુ, વર્લ્ડ બેન્કની અંદર લોબીમાં એન્ડ પોવર્ટી(ગરીબીનો અંત લાવો) લખેલા ટી-શર્ટ્સ અને ટોટ બેગ્સ વેચાણ માટે મૂકાયેલ છે. આ બેન્કની ભવ્ય બિલ્ડિંગમાં મોંઘા કાફેટેરિયામાં ઉંચી બ્રાન્ડના રેસ્ટોરાંઓ આવેલા છે જ્યાં મોંઘાદાટ સૂપ્સ અને મોંઘી વાનગીઓ મળે છે. વર્લ્ડ બેન્કમાં ભારત, બાંગ્લાદેશ, ભુટાન અને શ્રીલંકા વગેરેથી આવતા પ્રતિનિધિમંડળો માટે ભોજન સમારંભો યોજાય છે અને તેમને પીરસવાનું કામ કરતા કર્મચારીઓએ પોતે કુટુંબ માટે ભોજન મેળવવા સંઘર્ષ કરવો પડે છે.

કામદાર યુનિયનના એક નેતા કહે છે કે વર્લ્ડ બેન્કનું કામ દરેક દેશના લોકોની આવક વધારીને ગરીબીનો અંત લાવવાનું છે પણ અમે માનીએ છીએ કે તેમણે શરૂઆત અહીં કામ કરતા ફૂડ સર્વિસ કર્મચારીઓથી કરવી જોઇએ, જેઓ સખત મહેનત કર્યા પછી પણ પોતાના ખર્ચાઓ ચુકવવામાં મુશ્કેલી અનુભવે છે. આ કર્મચારીઓને કલાકના ૧૭ કે ૧૮ ડોલર જેટલો પગાર મળે છે જ્યારે ઇનડેક્સ પ્રમાણે વૉશિંગ્ટન શહેરની મોંઘવારી જોતા અહીં વ્યક્તિને કલાકના ૨૨.૧૫ ડોલર પગાર મળે તે જરૂરી છે.

Most Popular

To Top