Gujarat Main

સાળંગપુરમાંથી રાતોરાત હનુમાનજીના વિવાદીત ચિત્રો હટાવી દેવાયા

સાળંગપુર: સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રાતોરાત વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લીધા છે અને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવી દીધા છે.

સાળંગપુરના મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની નીચે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કેટલાંક ભીંતચિત્રો બનાવાયા હતા, જેમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના દાસ તરીકે ચિત્રિત કરાયા હતા. જેના લીધે સનાતની સાધુ સંતો નારાજ થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આ મામલે છેલ્લાં કેટલાંક દિવસોથી બંને પક્ષે વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન સોમવારે રાજ્ય સરકારે આ મામલે મધ્યસ્થી કરી હતી. ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સનાતની સાધુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મંત્રણા થઈ હતી.

આ બેઠક બાદ સ્વામિનારાય સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. તે બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના ગણતરીના કલાકોમાં રાતોરાત વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂર કરી નવા ચિત્રો લગાવી દેવાયા છે.

રાત્રે શું થયું?
ભીંતચિત્રો હટાવી લેવાની સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની જાહેરાત બાદ ગઈ કાલે સોમવારે રાત્રે 12 વાગ્યે સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી શરૂ થઈ હતી. કષ્ટબંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવાઈ હતી. વડતાલ ગાદીના મહંતોએ અંધારામાં જ વિવાદિત ચિત્રો દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. આ કામગીરી દરમિયાન પડદા બાંધી દેવાયા હતા.

વડતાલના મુખ્ય કોઠારીએ શું કહ્યું?
વડતાલના મુખ્ય કોઠારીએ કહ્યું કે, શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદ્દભાવના બેઠક યોજાઈ હતી. જે બે કલાક ચાલી હતી. આ બેઠકમાં દ્વારકાધીશ શંકરાચાર્ય સહજાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું માર્ગદર્શન મળ્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો એક અંગ
વડતાલ પીઠેશ્વર રાજેશ પ્રસાદ મહારાજનો સ્પષ્ટ મત હતો કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો એક અંગ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ પૂજા પદ્ધતિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાયના સંતો અને બધા જ આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લગણીઓને દુભાવવા ઈચ્છતું નથી.

Most Popular

To Top