Surat Main

સજ્જુ કોઠારી પોલીસના મોંઢા પર તમાચો મારી ભાગી ગયો અને ડી-સ્ટાફ સામે કોઈ કાર્યવાહી જ નહીં કરાઈ, કુછ તો ગડબડ હૈ..!

સુરત: ડી-સ્ટાફમાં મહેન્દ્ર અને અજિત જેવા પોલીસ કોન્સ્ટેબલ છે, તેના મુખ્ય કારણ તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે. સજ્જુ કોઠારી પોલીસના મોં પર તમાચો મારીને ભાગી ગયો અને રાંદેર ડી-સ્ટાફની કોઇ જવાબદારી જ નક્કી નહીં કરાઇ એ બતાવે છે કે આ આખા પ્રકરણમાં કાંઇક રંધાયું છે. કમિ. અજય તોમર દ્વારા આ પ્રકરણમાં તપાસ કાર્યવાહી કરવા માટે આદેશ અપાયા છે.

અલબત્ત, વિવાદી પોલીસ કોન્સ્ટેબલો સામે જ્યારે કોઇ કાર્યવાહી નથી કરાઇ રહી ત્યારે આ મામલે ભવિષ્યમાં ફરીથી કોઇ ગુનેગારને નહીં ભગાડાય એ કહી શકાય તેમ નથી. ડી-સ્ટાફના મહેન્દ્રનો ભૂતકાળ વિવાદી છે. છેલ્લાં પાંચ વર્ષમાં 3 વખત તેને રાંદેરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ ફરીથી આ કોન્સ્ટેબલ આ જ પોલીસ સ્ટેશનમાં દેખાય છે. અલબત્ત સજ્જુ કોઠારી ભાગ્યા પછી પણ પોલીસ કાંઇ શીખી રહી નથી.

દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનમાં સજ્જુ કોઠારીના (Sajju Kothari) ભાગવા પાછળ પોલીસ બેડામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે ખૂબ ચોંકાવનારી છે. તેમાં પીઆઇ ચૌહાણ અને પીએસઆઇ દેસાઇનો ભોગ ભલે લેવાયો હોય, પરંતુ પરદા પાછળના મુખ્ય સૂત્રધારમાં ડી-સ્ટાફ (D Staff) આવી રહ્યો છે. આ મામલે કોઇ સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. પરંતુ અજીતસિંહ અને મહેન્દ્રની ભૂમિકા સામે શંકાની સોય તકાઇ રહી છે. હાલમાં ડીસીપી દ્વારા આ બે કોન્સ્ટેબલના જવાબ લેવાયા છે. પણ પોલીસ બેડામાં હાલમાં આ બે કોન્સ્ટેબલ સામે કોઇ આક્રમક કાર્યવાહી નહીં કરાતાં સૌ ચોંકી ગયા છે. પોલીસમાં જો ઉચ્ચ અધિકારીઓના હાથ હોય તો કોન્સ્ટેબલ (Constable) પણ કમિશનર બની શકે છે, તેવો આ ઘાટ સર્જાયો છે.

આ ગંભીર મામલે સજજુ કોઠારીએ કોના થકી આખું સેટિંગ કર્યુ એ તપાસનો વિષય બની ગયો છે. અમે ડી-સ્ટાફના મહેન્દ્ર સાથે વાત કરી તો આ મામલે તેણે કાંઇ કહેવા ઇનકાર કરી દીધો છે. અલબત્ત, નાણાંની કોથળીના જોરે ગુજસીકોકમાંથી પણ બહાર નીકળેલો સજ્જુ જે રીતે ભાગી ગયો એ પોલીસ ખાતાની મિલીભગત વગર શક્ય નથી. હાલમાં કરોડો રૂપિયામાં આળોટતો સજ્જુ કોઠારી માટે એવું કહેવાય છે કે તે કોઇ કાળે પોલીસ સાથે સંઘર્ષ કરીને ભાગે તે શક્ય નથી. સજ્જુ કોઠારી એક અંદાજ પ્રમાણે પાંચસો કરોડની જમીનનાં કૌભાંડોમાં સંડોવાયો છે. કમિ. અજય તોમરનો સામનો નહીં કરવો પડે એ માટે તેણે નાણાંની કોથળીઓ ખુલ્લી કરી દીધી હોવાની ચર્ચા છે. અલબત્ત, હાલમાં તો આ મામલે તપાસ કાર્યવાહી ચાલી રહી છે. કમિ. અજય તોમરે જણાવ્યું કે, આ મામલે અમે ઘણાં પાસાં પર તપાસ કરી રહ્યા છીએ. તેમાં કોન્સ્ટેબલ હશે કે ઉચ્ચ અધિકારી હશે, અમે કોઇને છોડીશું નહીં.

Most Popular

To Top