નવી દિલ્હી: સહારા ઈન્ડિયા (Sahara India) ગ્રુપના વડા “સહારાશ્રી” સુબ્રત રોય (Subrata roy) નું મંગળવારે નિધન (Death) થયું. તેમણે મુંબઈમાં (Mumbai) અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સહારા પરિવારના વડા સુબ્રત રોય લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમની મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે તેમના પાર્થિવ દેહને લખનઉનાસહારા શહેરમાં લાવવામાં આવશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રાયના નિધન પર વેપાર અને રાજકીય જગતના દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.
સહારા ગ્રૂપે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “દુઃખ સાથે અમે સહારા ઈન્ડિયા પરિવારના મેનેજિંગ વર્કર અને ચેરમેન સુબ્રત રોય સહારાના નિધનની જાહેરાત કરીએ છીએ. સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા માલિક સહારા શ્રીનું રાત્રે 10.30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાય કેન્સર સામે લડી રહ્યા હતા જે તેમના શરીરમાં ફેલાઇ ગયું હતું. આ સિવાય તેમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની પણ સમસ્યા હતી. 12 નવેમ્બરે તેમની તબિયત બગડતાં તેમને કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુબ્રત રોય સહારાનો જન્મ 10 જૂન 1948ના રોજ થયો હતો. તેઓ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને સહારા ઈન્ડિયા પરિવારના સ્થાપક હતા. તે દેશભરમાં ‘સહારાશ્રી’ તરીકે પણ જાણીતા હતા. બિહારના અરરિયા જિલ્લામાં જન્મેલા સુબ્રત રોયે કોલકાતાની હોલી ચાઈલ્ડ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. આ પછી તેણે ગોરખપુરની સરકારી ટેકનિકલ સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું.
મળતી માહિતી મુજબ સહારાશ્રીએ વર્ષ 1978માં ગોરખપુરથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી. 2012 માં, ઈન્ડિયા ટુડે મેગેઝીને સુબ્રત રોયને ભારતના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ કર્યા હતા. આજે સહારા ગ્રુપ હાઉસિંગ, મનોરંજન, મીડિયા, છૂટક અને નાણાકીય સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. એક અહેવાલ મુજબ, સહારા જૂથની પાસે જૂન 2010 સુધીમાં આશરે રૂ. 1,09,224 કરોડની સંપત્તિ હતી. ફોર્બ્સની યાદી અનુસાર અંગત સંપત્તિના મામલામાં રાય દેશના સૌથી અમીર વ્યક્તિ હતા. દેશના બિઝનેસ દિગ્ગજોમાં ગણાતા રાયની કુલ સંપત્તિ લગભગ 3 અબજ ડોલર (રૂ. 24882 કરોડ) હતી.