Dakshin Gujarat

સુરત પલસાણામા ટાંકાની સફાઈ કરવા ઉતરેલા ચાર બિહારી કામદારોના મોત

સુરત: દેશમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પલસાણામાં ચાર બિહારી શ્રમિક કામદાર પાણીના ટાંકામાં ગૂંગળામણ ને લઈ મોતને ભેટયા હોવાની દુઃખદ ઘટના બની છે. ચારેય મજૂરો ને એક કંપનીમાં ટાંકાની સાફ સફાઈ કરવા ઉતારાયા બાદ ગણતરીની મિનિટોમાં જ આ ઘટના બનતા ભાગદોડ મચી ગઇ હતી. ચાર શ્રમીકો ના મોત ની જાણ થતા જ બારડોલી ડિવિઝન ના ડી. વાય. એસ. પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ટાંકામાં બેભાન હાલતમાં મળી આવેલા ચારેય કામદારોને કામરેજ, બારડોલી ફાયર બ્રિગેડ ની ટીમે બહાર કાઢી સારવાર માટે કઈ જતા તમામના ગુંગળામણથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બની હતી. કંપનીના ઇન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટ ના ટાંકાની સાફ સફાઈ કરવા બે બિહારી યુવકોને ટાંકામાં ઉતારાયા હતા. જોકે બન્ને કામદાર બહાર નહીં આવતા અન્ય બે કામદારોને સાથી કામદારોની મદદ માટે ટાંકામાં ઉતારતા ચાર કામદારો ટાંકામાં જ ગુંગળાઇ ગયા હતા. ઘટના ની જાણ બાદ કંપની સંચાલકોએ ફાયર અને પોલીસને જાણ કરતા બારડોલી, કામરેજ ની ફાયર બ્રિગેડ ના જવાનો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ તમામ બિહારી કામદારોને બેભાન હાલતમાં બહાર કાઢવામાં સફળ થયા હતા. જોકે સારવાર માટે લઈ જવાયા બાદ ચારેય કામદારોના મોત થયા હોવાનું જાણવાં મળતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પી. બી. ગઢવી (બારડોલી ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ બારડોલી ફાયરની ટીમ સાથે અન્ય ત્રણ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ટાંકા માં ચાર શ્રમિકો બેભાન થઈ ગયા હોવાનું જાણવા મળતા ઓક્સિજન માસ્ક સાથે ફાયરના જવાનોને ટાંકામાં ઉતારી ચારેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108ની મદદથી સારવાર માટે મોકલી દેવાયા હતા. જોકે ચારેયના મોત થયા હોવાનું પાછળથી જાણવા મળ્યું હતું.

એચ. એલ. રાઠોડ (ડી. વાય. એસ. પી બારડોલી ડિવિઝન) એ જણાવ્યું હતું કે ઘટના મોડી સાંજ ની હતી. જાણ થયા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. તપાસમાં ચાર શ્રમિકોને ટાંકામાં સફાઈ માટે ઉતારાયા હતા. આખા વર્ષ દરમિયાન એકત્ર થતા કચરા ને વર્ષમાં એક જ વાર કાઢી સફાઈ કરાતી હોવાનું સામે આવ્યું છે. HR મેનેજર સાથે પૂછપરછ ચાલી રહી છે. કંપનીના ડાયરેક્ટર પણ ઘટના સ્થળે આવી ગયા હતા. તપાસમાં મિલ સંચાલકો સહિતના અધિકારીઓની બેદરકારી સામે આવશે તો એક ને પણ છોડવામાં નહિ આવે એવું જણાવ્યું હતું. મૃતકોમાં દીપક, રાજેશ, કમલેશ અને શેહનવાઝ નામના ચાર કામદારો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જેમાં બે પિતા-પુત્ર હોવાનું પણ કહેવાય રહ્યું છે. હાલ તપાસ ચાલુ છે

Most Popular

To Top