સાડેલી કાષ્ઠ કળા આમ તો પારસીઓ 1200-1250 વર્ષ પહેલા પોતાની સાથે ભારતમાં લઈ આવ્યા હતા. પણ આજે એને આપણા શહેરમાં 150 વર્ષથી જાળવી રાખી છે સુરતના સૈયદપુરામાં રહેતા પેટીગરા પરિવારે. દેશમાં હાલમાં જ G-20 સમીટ થઈ હતી તેમાં આવેલા વિદેશી મહેમાનોને સાડેલી વુડ ક્રાફ્ટના આકર્ષક બોક્સ ગિફ્ટ કરાયા હતા. સાડેલી કાષ્ઠ કળાની બારીક ઝીણવટભરી કલાત્મક કારીગરી પહેલી નજરે કોઈની પણ આંખોને આંજી દેનારી હોય છે. સાડેલી કાષ્ઠ કળાને પર્શિયા કે જયાંથી પારસીઓ આવ્યા હતા ત્યાં ખાતમકારી કહેતા તેનું નામ સાડી અને ચટાઈ (સાદડી) બંનેના કોમ્બિનેશનથી સાડેલી વર્ક પડ્યું છે. પણ આ નામ કઈ રીતે પડ્યું? સાડેલી કાષ્ઠ કળાના ગિફ્ટ બોક્સ કઈ કઈ વિદેશી નામાંકિત વ્યક્તિઓને અપાયા હતા? આ કળાના જાણકાર જીતેન્દ્રભાઈ પેટીગરાને દેશના ક્યાં રાષ્ટ્રપતિને હાથે સમ્માન મળ્યું છે? કેમ આ કળાને આ પરિવારે હજી જીવંત રાખી છે ?તે જાણીએ.
સાડેલી વર્કના હવે ઘણા આર્ટિકલ બને છે
પહેલા માત્ર આ કાષ્ઠ કળાના બોક્સ જ બનતા પણ હવે તેમાં વૈવિધ્ય આવ્યું છે. હવે તો ટી કોસ્ટર, પેન સ્ટેન્ડ, લેટર હોલ્ડર, કેલેન્ડર, નાઈટ લેમ્પ, ટીસ્યુ પેપર બોક્સ, મોમેન્ટો અને ફર્નિચર પણ બનાવાય છે.
સાડી અને સાદડીના કોમ્બિનેશન ડિઝાઈનને કારણે સાડેલી નામ પડ્યું
પર્શિયામાં આ હસ્તકલા ખાતમકારી કહેવાતી. પણ અહીં ખાતમકારી સમજવામાં અઘરું લાગતા લોકલ લેંગ્વેજમાં તે સાડેલી વર્ક કહેવાયું. બાંબુની સાદડીમાં ભૌમેતીક આકાર છે એ જ રીતે સાડીમાં બ્લોક પ્રિન્ટ, અજરક વર્ક, પટોળા, બાંધણી વર્કની ભાત પણ આ હસ્તકલાને મળતી આવતી હોવાથી સાદડી અને સાડીનું કોમ્બિનેશન સાડેલી નામ આ વર્કને અપાયું.
G-20 સમીટમાં વિદેશી મહેમાનોને આ ક્રાફટના કાસકેટ બોક્સ અને ટેબલ કેલેન્ડર ગિફ્ટ અપાયા
આ કળાને જીવંત રાખનાર પેટીગરા પરિવારના રાકેશભાઈ પેટીગરાએ જણાવ્યું કે 10 મહિનામાં દેશના 60 શહેરોમાં G-20 સમીટની બેઠકો આયોજિત થઈ હતી તેમાં ભાગ લેનાર વિદેશી મહેમાનોને ગિફ્ટ માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમ લી. દ્વારા અમને સાડેલી વુડ ક્રાફટના મલ્ટીપલ યુઝ 200 કાસકેટ બોક્સ અને 350 ટેબલ કેલેન્ડર બનાવવા માટેના ઓર્ડર અપાયા હતા. જોકે, બોક્સ કયા શહેરની બેઠકોમાં મહેમાનોને અપાયા તેની અમને માહિતી નથી. અસલના સમયમાં આ વર્કમાં અલગ-અલગ પ્રકારની પેટીઓ બનતી એટલે તેને બનાવનારા પેટીગરા કહેવાયા: રાકેશ પેટીગરા
રાકેશભાઈએ જણાવ્યું કે આ કલાનો ઉદભવ ભારતમાં નથી થયો પણ તે પારસીઓની સાથે ભારતમાં પ્રવેશી હતી.
સંજાણ બંદરે આવેલા પરસીઓમાં આ હસ્તકલાના કારીગરો પણ હતા તેમણે વિવિધ વર્ગના ગુજરાતીઓને આ કળામાં પારંગત કર્યા હતા. અમારા પરિવારે 150 વર્ષથી આ કળાને સાચવી રાખી છે. મારા પરદાદા ભુધરદાસ પેટીગરા, દાદા જયંતીભાઈ, મારા પિતા જીતેન્દ્રભાઈ અને મને આ કળા વારસામાં મળી છે. અસલના સમયમાં આ યુનિક વર્કની માત્ર પેટીઓ બનતી જેમકે, સમ્માનપત્ર મુકવા માટે કાસકેટ બોક્સ, રૂમાલ ગિફ્ટ કરવાના રૂમાલ બોક્સ, પૂજાનો સામાન રાખવા માટેની પૂજાપેટી, શૃંગારની વસ્તુઓ રાખવા માટેના ડ્રેસિંગ બોક્સ, પેન-પેન્સિલ બોક્સ, ટૂલ્સ બોક્સ, જવેલરી બોક્સ, મની બોક્સ, સોપારી બોક્સ બનતા. આવી પેટીઓ બનાવનારા સમયાંતરે પેટીગરા કહેવાયા. મારા પિતાને આ કળા માટે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલના હાથે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.