એ કશુંક બોલે તો ખૂબ માપીતોલીને બોલે. ઓછું બોલે પરંતુ અસરકારક બોલે. સામેવાળો જો કશુંક ખોટું બોલે તો રોકે ખરા. પરંતુ ક્યાંય પણ અનાવિલ દેસાઈ જેવું આખા બોલાપણું નહીં દેખાય. સ્પોર્ટ્સ શૂઝ, આખી બાંયનું શર્ટ, પેન્ટ અને હંમેશાં ઈનસર્ટ કરીને કોર્પોરેટ જગતના કોઈ સીઈઓ કે પછી આઈએએસ ઓફિસરની (IAS) જેમ બસ પોતાના નિયત સમયમાં કોઈ પણ કાર્યને પૂરું કરવાનું લક્ષ્ય લઈને એ ચાલે. કોઈ પણ પ્રકારની વાડાબંધીથી દૂર વન મેન આર્મીની જેમ પૂરી નિષ્ઠાથી કર્તવ્ય કરવું.
ભાજપના વલસાડ જિલ્લાના કોષાધ્યક્ષથી શરૂ કરેલી જાહેર જીવનની કારકિર્દી પારડીના બે વખત ધારાસભ્ય અને હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (Gujarat CM Bhupendra Patel) સરકારના નાણામંત્રી તેમજ ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ (KanuBhai Desai). હવે ત્રીજી વખત પારડીની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર છે. 2012માં પારડીની બેઠક સામાન્ય બની તે પહેલા કનુભાઈ દેસાઈ ભાજપ પાર્ટીના સંગઠનમાં પણ પોતાના નેતૃત્વને બરાબર ઉજાગર કર્યુ હતું.
વલસાડ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષથી શરૂ કરેલી ભાજપના કાર્યકર તરીકેની જાહેર જીવનની શરૂઆત બધી રીતે સફળ રહી હતી. જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ ત્યાર બાદ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સાત વર્ષ સુધી સંગઠનમાં તેમણે સારું યોગદાન આપ્યું હતું. સીમાંકનમાં ફેરફાર બાદ પારડીની બેઠક સામાન્ય બનતાં 2012માં ભાજપના ઉમેદવાર જાહેર થયા ચૂંટણી જીતીને ધારાસભ્ય થયા. બે ટર્મથી પારડી બેઠકના ધારાસભ્ય હોવા છતાં તેમણે સતત સક્રિય રહીને પોતાના વિસ્તારમાં જરૂરી કામો સરકારમાંથી ઝડપથી થાય તેના પ્રયત્ન કર્યા છે. કનુભાઈ નાણામંત્રી હોવાથી સરકારી નાણાંનો ઉપયોગ વધુથી વધુ સારો કઈ રીતે થઈ શકે તે દિશામાં પહેલા બજેટમાં જ તેમણે પોતાની કાબેલિયત પૂરવાર કરી આપી છે. એ જેમ નાણામંત્રી તરીકે નાણાંના ઉપયોગને માપીતોલીને કરે છે.
તેમણે ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યુ ત્યારે પણ પહેલાં તો બધા વિભાગ અધિકારીઓ સાથે મીટિંગ કરી ગયા વર્ષના બજેટની જોગવાઈ તેમજ ખર્ચની સમીક્ષા કરી. ત્યાર બાદ દરેક વિભાગના મંત્રી સાથે મીટિંગ કરીને સર્વ માન્ય બજેટ તૈયાર કરીને રજૂ કર્યું. બજેટનું અમલીકરણ પણ ત્રણ મહિનામાં કરાવ્યું. કનુભાઇએ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ ત્યારે વારલી પેઈન્ટિંગ્સના લાલ કલરના કવરમાં બજેટ લઈને વિધાનસભામાં રજૂ કર્યુ હતું. જેની લોકો સરાહના કરી હતી.
પારડી તાલુકાના ઉમરસાડીના વતની એવા કનુભાઈ દેસાઈએ એમ.કોમ. એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેના કારણે તે વહીવટી કુશળતા સાથે હિસાબ અને કાયદાના પણ જાણકાર છે. તેથી મંત્રી તરીકે એક વર્ષમાં જ તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. વાપીના ઔદ્યોગિક વિકાસમાં પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફનું યોગદાન મહત્ત્વનું છે. રજ્જુભાઈ તેમજ સાન્દ્રા શ્રોફની યુપીએલ કંપનીમાં કનુભાઈએ લાંબો સમય સેવા આપી છે. જાહેર જીવનમાં લોકોનાં કામો માટે કનુભાઈની તત્પરતા ધ્યાન ખેંચે તેવી છે. તેમણે થોડા સમય પહેલાં જ વાપીમાં 150 બેડની સરકારી મીની સિવિલ હોસ્પિટલ બનાવવા બલીઠામાં ખાતમુહૂર્ત કર્યુ છે. ઉમરસાડીમાં 24 કરોડના ખર્ચે ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ થયું તે તેમની દીર્ઘદૃષ્ટિને જ આભારી છે.
તેમની વહીવટી કોઠાસૂઝનો એક દાખલો અહીં આપું છું. જેનાથી કનુભાઈના વ્યક્તિત્વનો આછેરો ખ્યાલ આવશે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વીજ કટોકટી ઊભી થઈ હતી. ગેસ બેઝ પ્લાન્ટ બંધ થયા હતા. ભારતમાં કોલસાની પણ ખેંચ ઊભી થઈ હતી. ગુજરાતના ઊર્જા મંત્રી તરીકે કનુભાઈ દેસાઈએ કેન્દ્રના ઊર્જા મંત્રી તેમજ રેલવે મંત્રી સહિતના મંત્રીઓનો સંપર્ક કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને મળીને ગુજરાતમાં વીજ કટોકટીને ટાળીને ખેડૂતો તેમજ ઉદ્યોગોને 24 કલાક વીજળી મળતી રહે તેની વ્યવસ્થા કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયાસોને કારણે ગુજરાતને રોજ 6000 મેગાવોટ સૌર અને પવન ઊર્જા મળી રહી છે. આ કારણે ગુજરાતમાં વીજ સંકટ નથી.
સાદગીથી રહેવું એ કનુભાઈનો પહેલાથી જ નિયમ છે. કંપનીમાં હતા ત્યારે પણ અને મંત્રી બન્યા બાદ પણ સહજ રીતે જીવવું. મંત્રી થયા ત્યારે પોલીસના એસ્કોર્ટ માટે પણ તેમણે ના કહી દીધી હતી. પ્રામાણિકતાથી કામ કરી છૂટવું તેનો જ તેમને આનંદ હોય છે. બ્લ્યૂ શર્ટ તમારો ફેવરિટ કલર છે તેવા સવાલનો ખૂબ ઠાવકાઈથી કનુભાઈએ જવાબ આપ્યો, હું કોઈ માન્યતામાં બંધાતો નથી. મને જે સાચું લાગે છે તે કરું છું. બ્લ્યુ શર્ટ કે અન્ય શર્ટ એવું ખાસ મારે માટે નથી.