ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ એક દાયકા પછી ફરી સાથે રમશે. આગામી તા. 22 માર્ચ શનિવારના રોજ મુંબઈમાં શ્રીલંકા સામે રમાનારી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની શરૂઆતની મેચમાં સચિન અને યુવરાજ ફરી એકવાર ભારતની બ્લ્યુ જર્સી પહેરશે.
આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે. જેમાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બધી ટીમોમાં ક્રિકેટના કેટલાક મોટા સ્ટાર્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા નવી મુંબઈ, વડોદરા અને રાયપુરમાં આયોજિત કરવામાં આવશે. ફાઇનલ 16 માર્ચે રાયપુરમાં રમાશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34,000 થી વધુ રન અને 100 સદી ફટકારનાર લિજેન્ડરી બેટ્સમેન તેંડુલકર રમતના દરેક ફોર્મેટમાં પ્રભુત્વ ધરાવતા હતા. જોકે, તેમણે ભારત માટે ફક્ત એક જ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આનાથી ચાહકો માટે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેને ફરી એકવાર ભારતીય જર્સીમાં જોવાનું રસપ્રદ બનશે.
વર્ષોથી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચોએ ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેંડુલકર અને યુવરાજે અસંખ્ય અવિસ્મરણીય મેચ રમી છે જેમાં 2011 ની ODI વર્લ્ડ કપ ફાઇનલ ખાસ છે જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.
તેંડુલકરે કહ્યું, છેલ્લાં કેટલાંક વર્ષોમાં શ્રીલંકા સામે રમતી વખતે આપણે કેટલીક અવિસ્મરણીય ક્ષણો જોઈ છે, જેમાંથી 2011નો વર્લ્ડ કપ સૌથી ખાસ હતો. આટલા વર્ષો પછી મેદાન પર પાછા આવવું અને એવી ટીમનો સામનો કરવો જે આપણી ક્રિકેટ સફરનો આટલો મોટો ભાગ રહી છે તે તેને વધુ ખાસ બનાવે છે.

બીજી તરફ યુવરાજે 2011 વર્લ્ડ કપ અને 2007 ટી20 વર્લ્ડ કપ સહિત ભારતની ઘણી મહત્વપૂર્ણ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યુવરાજે કહ્યું, હું ફરીથી મેદાનમાં રમવા માટે ઉત્સુક છું. ભારત વિરુદ્ધ શ્રીલંકા હંમેશા રોમાંચક મેચ હોય છે અને હું જાણું છું કે ચાહકો પણ આપણા જેટલા જ ઉત્સાહિત છે.
યુવરાજે વધુમાં કહ્યું કે, લિજેન્ડ સાથે રમવું અને જૂની હરીફાઈઓને ફરીથી જાગૃત કરવી. આ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો ઉદ્દેશ્ય છે. સચિન પાજીના નેતૃત્વ હેઠળ સાંગા (સંગાકારા) અને શ્રીલંકાની ટીમ સામે રમીને એવું લાગે છે કે આપણે ભૂતકાળમાં પાછા ગયા છીએ અને રમત પ્રત્યેનો જુસ્સો પહેલા જેવો જ છે.
