Vadodara

એસ.એસ.જી. હોસ્પીટલ પાણીમાં તરબોળ

વડોદરા: સામાન્ય વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાવવા માટે પ્રસિદ્ધ બનેલ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં વધુ એક વખત પાણી ભરાયા હતા.નજીવા વરસાદમાં પાણી ભરાઈ જતા દર્દીઓ અને તેમના સ્વજનોને હાલાકી વેઠવી પડી હતી.જ્યારે આ મામલે જાગૃત નાગરિકે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વડોદરામાં માત્ર સામાન્ય વરસેલા વરસાદે સયાજી હોસ્પિટલ તંત્રની પોલ ખોલી હતી.સયાજી હોસ્પિટલ સુવિધાના અભાવના કારણે વારંવાર વિવાદોમાં આવે છે.ત્યારે હોસ્પિટલમાં વરસાદના પાણી ભરાતા ફરી વખત વિવાદ ઉભો થયો છે.

સયાજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર,દવા યાર્ડ, કેન્ટીનની બહાર ઘુટણસમા પાણી ભરાયા હતા.વરસાદ બંધ થયાના બે કલાકથી પણ વધુ સમય વિતી ગયા છતાં પાણીનો નિકાલ નહીં થતા જેના કારણે હોસ્પિટલ તંત્ર સામે દર્દી અને પરિજનોમાં નારાજગી જોવા મળી હતી.દર્દી કે તેમના પરિવારજનોને હોસ્પિટલમાં અવર જવર કરવામાં પણ ભારે હાલાકી પડી રહી છે.કોર્પોરેશન અને હોસ્પિટલ તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન કરતા હોસ્પિટલમાં ખાબોચીયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું.

સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ હોસ્પિટલ તંત્રના અણધડ વહીવટ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.નોંધનીય છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલમાં નજીવા વરસાદમાં હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે.જેના કારણે દર્દી તથા એમ્બ્યુલન્સને આવવા જવા માટે તકલીફનો સામનો કરવો પડતો હોય છે.વરસાદના અગાઉ પ્રસાશન દ્વારા દર વખતે દાવો કરવામાં આવે છે કે પ્રિમોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે.પરંતુ વરસાદ જ સાચું ચિત્ર ઉજાગર કરી દેય છે.

Most Popular

To Top