મોસ્કો: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા 38 દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. યુદ્ધના પગલે યુક્રેનમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી દેખાઈ રહી છે. રશિયાએ શરૂ કરેલા યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે તેનો વિરોધ કરાઈ રહ્યો છે. કેટલાક દેશોએ તેના પર આર્થિક પ્રતિબંધો લાગુ કરી દીધા છે. આ વચ્ચે હવે રશિયાએ વધુ એક મોટો નિર્ણય લીધો છે.
- રશિયાનો નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે કામ કરવાનો ઇનકાર
- ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને અન્ય સંયુક્ત પ્રોજેક્ટ્સથી રશિયા હટ્યું
- રશિયાએ મૂકી મોટી શરત: પ્રતિબંધો હટાવ્યા બાદ જ સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત થઈ શકશે
યુદ્ધની વચ્ચે રશિયાએ દુનિયાની ટોચની અંતરિક્ષ એજન્સી NASA સાથે પોતાના સંબંધો(Relation) તોડી નાખ્યા છે. રશિયાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી પશ્ચિમી પ્રતિબંધો હટાવવામાં ન આવે ત્યાં સુધી તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સહયોગ નહીં કરે. દેશની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડાએ જણાવ્યું હતું કે તેઓ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી જેવા તેમના ભાગીદારો સાથે સ્પેસ સ્ટેશન પર કામ કરશે નહીં.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રશિયાનું મોટું યોગદાન
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હાલમાં રશિયાની મદદથી ચાલી રહ્યું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રશિયાનું મોટું યોગદાન છે. ઘણા અવકાશ યાત્રીઓનું ઘર ISS છે.તેને પૃથ્વી પર પાછા પડતા અટકાવવા માટે તેની ભ્રમણકક્ષા સતત આગળ વધતી રહે તે જરૂરી છે. પરંતુ રશિયાએ NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે સંબંધો તોડવાની જાહેરાત કરતા મોટી મુશ્કેલી ઉભી થઇ છે. પ્રતિબંધોથી હતાશ રશિયાએ અગાઉ ISSને ઉડાવી દેવાની ધમકી આપી હતી.
રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને ટ્વિટર પર કર્યો ખુલાસો
રશિયન સ્પેસ એજન્સીના વડા દિમિત્રી રોગોજિને થોડા દિવસ અગાઉ જ અમેરિકા અને યુરોપીયન દેશોને ચેતવણી આપી હતી કે મોસ્કો પર લગાડાઈ રહેલા આર્થિક પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર કામ કરવામાં વિપેક્ષ પડી શકે છે અને તેને કારણે તેના સમુદ્રમાં અથવા જમીન પર તૂટી પડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને ટ્વિટર પર આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ હાલના પ્રોજેક્ટ્સ પર કામગીરી કરી રહ્યા છે તેને પૂર્ણ કરવા માટે ક્રેમલિનને સમયપત્રક સબમિટ કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની નાસા અને યુરોપીય અંતરિક્ષ એજન્સી અત્યાર સુધી તો સાથે મળીને કામ કરી રહ્યાં હતા. યુક્રેન યુદ્ધને કારણે આ પ્રોજેક્ટ રદ કરી દેવાયો છે.
રશિયાને નષ્ટ કરવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે: રોગોઝિન
રોગોઝિને ટ્વિટર પરના એક વિચારમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રતિબંધો રશિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા, લોકોને નિરાશા અને ભૂખમાં ડુબાડવા અને તેમને ઘૂંટણિયે લાવવા માટે લગાવવામાં આવ્યા છે. તે સ્પષ્ટ છે કે તેઓ આ કરી શકશે નહીં પરંતુ તેમના ઉદ્દેશ્યો સ્પષ્ટ છે.
રોગોઝિને લખ્યું, ‘તેથી હું માનું છું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને અન્ય સંયુક્ત પ્રોજેક્ટ્સમાં ભાગીદારો વચ્ચે સામાન્ય સંબંધો ત્યારે જ શરૂ થશે જ્યારે તેઓ પરના પ્રતિબંધો સંપૂર્ણપણે અને બિનશરતી રીતે દૂર કરવામાં આવશે. અગાઉ રોગોઝિને કહ્યું હતું કે જો રશિયા તેના પ્રોજેક્ટ્સ બંધ કરશે તો ‘આઈએસએસને કોણ બચાવશે’?