World

રશિયામાં MI-8T હેલિકોપ્ટર ઉડાન ભર્યા બાદ ગુમ, ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા

રશિયાનું MI-8T હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ગુમ થઈ ગયું છે. તે અકસ્માતનો ભોગ બન્યું હોય તેવી સંભાવના છે. જે સમયે હેલિકોપ્ટર ગુમ થયું તે સમયે તેમાં ક્રૂના ત્રણ સભ્યો સહિત કુલ 22 લોકો સવાર હતા. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રશિયાની હવાઈ પરિવહન એજન્સીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર કામચટકા પ્રદેશમાં વાચકાઝેટ્સ જ્વાળામુખીની નજીકની સાઇટથી 25 કિમી દૂર નિકોલેવકા તરફ ઉડ્યું હતું. IRAએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે હેલિકોપ્ટર તળાવમાં પડ્યું હતું. તે મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગના પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાના Mi-8T હેલિકોપ્ટરે શનિવારે રશિયાના પૂર્વ વિસ્તારમાં સ્થિત કામચટકા પેનિનસુલાથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતા. રશિયાની ફેડરલ એર ટ્રાફિક એજન્સીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે વાચકાઝેટ્સ બેઝ પરથી ઉડાન ભરી હતી પરંતુ હેલિકોપ્ટર સમયસર તેના ગંતવ્ય સ્થાને ન પહોંચતાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. Mi-8T એક ટ્વીન એન્જિન હેલિકોપ્ટર છે જેને વર્ષ 1960માં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. રશિયા સિવાય આ હેલિકોપ્ટરનો ઉપયોગ અન્ય ઘણા દેશો દ્વારા પણ કરવામાં આવે છે પરંતુ આ હેલિકોપ્ટર ક્રેશ થવાનો પણ લાંબો ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં પણ MI-8T અનેક અકસ્માતોનો ભોગ બની ચૂક્યું છે. આ મહિનાની શરૂઆતમાં 16 લોકોને લઈ જતું MI-8T હેલિકોપ્ટર રશિયાના પૂર્વીય ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગે હેલિકોપ્ટર બેઝ પર પરત ફરવાનું હતું પરંતુ પાછું ન આવ્યું. ક્રૂ મેમ્બરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. ત્યારબાદ બચાવકર્મીઓએ ગુમ થયેલા હેલિકોપ્ટરની શોધખોળ શરૂ કરી દીધી હતી. તેની શોધ માટે અન્ય એરલાઇનને મોકલવામાં આવી છે. જે વિસ્તારમાં હેલિકોપ્ટર ગુમ થયું હતું ત્યાં ઝરમર વરસાદ અને ધુમ્મસ જોવા મળ્યું હતું.

MI-8T એ Mil mi-8 હેલિકોપ્ટરનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સંસ્કરણ છે. તે સૌ પ્રથમ 60 ના દાયકામાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેનો સૌપ્રથમ ઉપયોગ 1967માં રશિયન આર્મી માટે થયો હતો. MI-8T એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટરમાંથી એક છે. રશિયાએ તેના 17 હજારથી વધુ યુનિટ બનાવ્યા છે. 50 થી વધુ દેશો તેનો ઉપયોગ કરે છે.

Most Popular

To Top