યુક્રેન સાથેના યુદ્ધને કારણે યુરોપ અને અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તેને કારણે રૂબલના ભાવોમાં કડાકો બોલી ગયો હતો. રશિયાના લોકો પોતાની રૂબલની બચત નુકસાનમાં ન બદલાઈ જાય તે માટે સ્થાનિક બેન્કો પાસેથી સોનું ખરીદવા દોડ્યા હતા. હવે રૂબલના ભાવો પાછા ઊંચકાઈ જતાં રશિયન લોકોની સોના પાછળની દોટ ધીમી પડી ગઈ છે. હવે રશિયાની સેન્ટ્રલ બેન્કે સ્થાનિક બેન્કો પાસેથી સોનાની ખરીદી પાછી શરૂ કરી છે. આ વખતે સેન્ટ્રલ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તે તા. ૨૮ માર્ચ અને ૩૦ જૂન વચ્ચે એક ગ્રામ સોનાની ૫,૦૦૦ રૂબલના રૂપમાં ફિક્સ કિંમત ચૂકવશે. એક અમેરિકન ડોલરના ૧૦૦ રૂબલના ભાવ જોતાં રશિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા એક ગ્રામ સોનું લગભગ ૫૦ ડોલરના ભાવે ખરીદવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં સોનાનો બજારભાવ એક ગ્રામના લગભગ ૬૮ ડોલર છે તે જોતાં રશિયાની સેન્ટ્રલ બેન્ક તેની સ્થાનિક બેન્કો પાસેથી ડિસ્કાઉન્ટમાં સોનું ખરીદી રહી છે પણ જો રૂબલના ભાવો ઊંચકાઈ જશે તો તેમને સોનાની વધુ કિંમત મળશે. રશિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા રૂબલ સામે સોનાના ભાવો ફિક્સ કરવામાં આવ્યા છે તે ક્રાંતિકારી કદમ છે. જો તા. ૩૦ જૂન પછી પણ રશિયા રૂબલ સામે સોનું ફિક્સ કિંમતે આપવાનું ચાલુ રાખશે તો તેનો રશિયા દ્વારા અર્થ ગોલ્ડ સ્ટાન્ડર્ડ અપનાવવા જેવો થશે.
સોના સામે કોઈ પણ દેશના ચલણનો ભાવ બાંધી આપવાના ફાયદાઓ ઘણા છે. તેને કારણે ચલણને નક્કરતા પ્રાપ્ત થાય છે અને તેની કિંમત ઊંચકાય છે. અમેરિકા દ્વારા પણ ૧૯૩૩ થી ૧૯૭૩ દરમિયાન ડોલર સામે સોનાના ભાવો બાંધી દેવામાં આવ્યા હતા. આ ૪૦ વર્ષ દરમિયાન ૩૫ ડોલર સામે એક ઔંસ (૨૮.૩૫ ગ્રામ) સોનું આપવામાં આવતું હતું. ૧૯૭૩માં અમેરિકાએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી દીધું તે પછી સોનાના ભાવો વધીને ઔંસના ૧,૯૫૦ ડોલર પર પહોંચી ગયા છે. અમેરિકા અને યુરોપના દેશો દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારે કોઈ પણ બેન્ક કે નાણાં સંસ્થા દ્વારા રશિયાનું સોનું ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશિયાને ‘સ્વિફ્ટ’ સિસ્ટમમાંથી બાકાત કરવાને કારણે તે ડોલરમાં ખરીદી કરી શકતું નથી. રશિયા પાસે ડોલરના ભંડારો હોવા છતાં તે ડોલરનો ઉપયોગ કરીને જીવનાવશ્યક ચીજોની આયાત કરી શકતું નથી. આ સંયોગોમાં રશિયાની યોજના તેના ૨,૩૦૦ મેટ્રિક ટન સોનાનો ઉપયોગ આયાત કરવા માટે કરવાની હતી. આ સોનાના ભંડારની કિંમત આશરે ૧૪૦ અબજ ડોલર જેટલી છે. રશિયા જે દેશો પાસેથી આયાત કરે તેને સોનામાં ચૂકવણી કરી શકે છે, પણ અમેરિકા અને તેના મિત્ર દેશો દ્વારા રશિયા પાસેથી સોનું ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તેની સામે રશિયા દ્વારા જબરદસ્ત ચાલ ચાલવામાં આવી છે. યુરોપના દેશો રશિયાથી ખનિજ તેલ અને ગેસની મોટા પ્રમાણમાં આયાત કરે છે. જો તેઓ આયાત બંધ કરી દે તો તેમના દેશોમાં બળતણની જબરદસ્ત તંગી પેદા થાય તેમ છે. તેઓ રશિયાને ડોલરમાં ચૂકવણી કરી શકે તેમ નથી પણ રશિયા હવે તેમને રૂબલમાં કે સોનામાં ખરીદી કરવાનું કહી રહ્યું છે. આ દેશો પાસે રૂબલના ભંડાર ન હોય તો તેમને સોનું વેચીને રૂબલ ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે. યુરોપના દેશોમાં રશિયાની સ્થાનિક બેન્કોની શાખાઓ આવેલી છે. તેઓ સોના સામે રૂબલ વેચી રહી છે. આ સોનું તેઓ રશિયાની સેન્ટ્રલ બેન્કને વેચીને રૂબલ ખરીદી રહી છે. આ રીતે રશિયન સેન્ટ્રલ બેન્કના સોનાના ભંડારો ઘટવાને બદલે વધી રહ્યા છે, જેને કારણે તેના રૂબલના ભાવો પણ ઊંચકાઈ રહ્યા છે.
રશિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા એક ગ્રામ સોનાના ભાવો ૫,૦૦૦ રૂબલ નક્કી કરવામાં આવ્યા ત્યારે એક ડોલરના ૧૦૦ રૂબલ મળતા હતા, જેને કારણે એક ગ્રામ સોનું ૫૦ ડોલરના ભાવે ખરીદવામાં આવતું હતું, જ્યારે સોનાનો ભાવ ૬૮ ડોલર હતો. હવે જો રૂબલનો ભાવ વધીને એક ડોલરના ૭૩ રૂબલ થઈ જાય તો એક ગ્રામ સોનાનો ભાવ લગભગ ૬૮ ડોલર થઈ જાય. જો રૂબલ વધીને ૭૩થી નીચે જતો રહે તો ૫,૦૦૦ રૂબલના ભાવે એક ગ્રામ સોનું વેચનાર કંપનીને પ્રીમિયમ મળે. રશિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા તા. ૩૦ જૂન સુધી રૂબલ સામે સોનાનો ભાવ બાંધવામાં આવ્યો છે. જો તે દરમિયાન રૂબલ વધી જાય તો દુનિયાની કંપનીઓ સોનું વેચીને રૂબલ ખરીદવા દોડશે. આ રીતે રશિયા આર્થિક પ્રતિબંધોનો મુકાબલો કરીને પોતાનો સોનાનો જથ્થો વધારી રહ્યું છે. રશિયાની સેન્ટ્રલ બેન્ક અત્યારે તેની સ્થાનિક બેન્કો પાસેથી બજારભાવ કરતાં પણ ઓછી કિંમતે સોનું ખરીદી રહી છે. આ જાણીને કોઈને પણ વિચાર આવે કે રશિયાની સ્થાનિક બેન્કો પોતાની પાસેનું સોનું શા માટે સેન્ટ્રલ બેન્કને સસ્તામાં વેચે?
કદાચ રશિયાની સરકાર દ્વારા તેમને તેમ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. રશિયામાં સરમુખત્યારશાહી હોવાથી સ્થાનિક બેન્કોને સરકારનો આદેશ માનવો જ પડે છે પણ જો ૩૦ જૂન સુધીમાં રૂબલના ભાવો ઊંચકાઈ જશે તો આ જ બેન્કો પાસેથી રશિયાની સેન્ટ્રલ બેન્ક બજારભાવ કરતાં પણ વધુ કિંમતે સોનું ખરીદી લેશે. જો તા. ૩૦ જૂન પછી પણ રશિયા રૂબલ સામે સોનાનો વિનિમય કરવાનું ચાલુ રાખશે તો તેના રૂબલની કિંમત જ સોના બરાબર થઈ જશે. તેની સાથે વેપાર કરનારો કોઈ પણ દેશ માલની નિકાસ સામે રૂબલ સ્વીકારવા તૈયાર થઈ જશે, કારણ કે રૂબલ સામે સોનું મળતું હશે. બીજા શબ્દોમાં કહીએ તો ૧૯૩૩થી ૧૯૭૩ દરમિયાન અમેરિકાનો ડોલર જે રીતે સોના સાથે બંધાયેલો હતો તે રીતે રશિયાનો રૂબલ પણ સોના સાથે બંધાયેલો હોવાથી તેનું ઇન્ટરનેશનલ કરન્સી તરીકે મહત્ત્વ વધી જશે. બીજી બાજુ અમેરિકાનો ડોલર સોના સાથે બંધાયેલો ન હોવાથી તે સતત ઘસાઈ રહ્યો છે. તેનો ઉપયોગ રિઝર્વ કરન્સી તરીકે કરનારા દેશો પણ નુકસાન ભોગવી રહ્યા છે. જો રશિયાનો રૂબલ રિઝર્વ કરન્સી તરીકે સ્થાન લઈ લે તો ડોલરનું સામ્રાજ્ય તૂટી જાય તેમ છે.
રશિયા દ્વારા એક ગ્રામ સોનાનો ભાવ ૫,૦૦૦ રૂબલ નક્કી કરવામાં આવ્યો ત્યારે એક ડોલરનો ભાવ ૧૦૦ રૂબલ જેટલો હતો. આજે તે ઘટીને ૮૦ રૂબલ પર આવી ગયો છે. બીજા શબ્દોમાં રૂબલના ભાવમાં તેટલો વધારો થયો છે. જો હવે સોનાના ભાવોમાં વધારો થશે તો રૂબલના ભાવો પણ વધશે કારણ કે રૂબલ સામે ફિક્સ પ્રમાણમાં સોનું આપવામાં આવે છે. રશિયા દ્વારા ખનિજ તેલ અને ગેસ સામે રૂબલ માગવામાં આવે છે, તેનો અર્થ હકીકતમાં સોનું માગવા જેવો જ થાય છે. જો યુરોપના દેશો ખનિજ તેલ સામે સોનું આપવા તૈયાર થઈ જાય તો ખનિજ તેલનું ઉત્પાદન કરતાં અન્ય દેશો જેવા કે ઇરાન, ચીન, સાઉદી અરેબિયા, લીબિયા, ઇરાક, સીરિયા વગેરે પણ સોના સામે ખનિજ તેલ વેચતા થઈ જશે. પછી તેઓ અમેરિકા પાસે પણ કોઈ પણ ચીજની નિકાસ સામે સોનું માગશે. અમેરિકા અત્યાર સુધી ડોલરની નોટો છાપીને પોતાનું અર્થતંત્ર ચલાવે છે તે બંધ થઈ જશે. ડોલરનો રિઝર્વ કરન્સી તરીકે અંત આવતાં અમેરિકાનો મહાસત્તા તરીકે પણ અંત આવશે. યુક્રેનના યુદ્ધના બહાને આપણે કલ્પના ન કરી હોય એટલી હદે દુનિયા બદલાઈ રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.