મોસ્કો: રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પહેલા રશિયા તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, પુતિને માનવતાવાદી કોરિડોર માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર સોમવારે ભારતીય સમય અનુસાર બપોરે 12:30 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર રશિયાએ કિવ અને ખાર્કિવમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. સોમવારે જ પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે પુતિન સાથે પણ વાત કરી શકીએ છીએ.
આ દરમિયાન યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવવામાં આવશે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં હવે યુક્રેનના સામાન્ય લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. ભયભીત લોકો સલામત વિસ્તારોમાં જવા માગે છે, જેને કારણે સદીનું સૌથી મોટું સ્થળાંતર પણ આ 12 દિવસમાં જોવા મળ્યું હતું.
અગાઉ પણ એક વાર કર્યું હતું સીઝ ફાયરનું એલાન
રશિયાએ ભારતની વાત માની શનિવારનાં રોજ રશિયાએ સીઝફાયરનું એલાન કર્યું હતી. તેમજ રશિયાએ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મારિયોપોલ અને વોલ્વોનોખા નામના બે સ્થળોએ ગ્રીન કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી.. જે ભારતીયોને બહાર કાઢવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું હતું. આ યુદ્ધ વિરામ ભારતીય સમય અનુસાર 11.30 કલાકથી અમલમાં આવ્યો હતો. આ બીજી વખત છે જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અગાઉ બે શહેરોમાં સીઝફાયર કરવામાં આવ્યું હતુ. જો કે રશિયાએ તેને થોડા કલાકોમાં સમાપ્ત કરી દીધું અને બોમ્બમારો શરૂ કરી દીધો હતો. રશિયાએ યુક્રેનમાં બીજી વખત સીઝફાયરની જાહેરાત કરી છે.
ગોળીબારમાં અત્યાર સુધીમાં 38 બાળકોના મોત
યુક્રેનમાં રશિયા દ્વારાકરવામાં આવેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં 38 બાળકોના મોત થયા છે. આ દાવો યુક્રેનની સંસદના માનવાધિકાર કમિશનરે કર્યો છે. તેમણે કહ્યું કે 71 બાળકો ઘાયલ છે, તેઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યાં છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા પર અત્યાર સુધી લગાવવામાં આવેલા પ્રતિબંધો તેને રોકવા માટે પૂરતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલા યુક્રેન તરફથી G-7 દેશો અને યુરોપિયન યુનિયનને પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં રશિયા પર યુક્રેન તરફથી અપેક્ષિત પ્રતિબંધોની યાદી પણ સામેલ છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું કહેવું છે કે રશિયા પર વધુ કડક પ્રતિબંધો હોવા જોઈએ.
મદદ ન મળે તો મને અંતિમ વખત જીવતો જોશો : વોલોદિમિર ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રવિવારે અમેરિકાના સાંસદો સાથે વાત કરતાં કહ્યું હતું કે જો તેમને પશ્ચિમી દેશોની મદદ નહીં મળે તો રશિયાને રોકવું અત્યંત મુશ્કેલ બની જશે. ઝેલેન્સ્કીએ ખૂબ જ લાગણીશીલ રીતે કહ્યું હતું. ‘જો મદદ ન મળે તો તમે મને છેલ્લી વાર જીવતો જોતા હશો’ ત્યાર બાદ તરત જ અમેરિકા અને NATOએ યુક્રેનને મદદ કરવા માટે 17,000 એન્ટી-ટેન્ક મિસાઇલો અને અન્ય શસ્ત્રો મોકલ્યાં હતાં. આ તરફ રશિયાએ યુક્રેનને મદદ કરનાર દેશોને ધમકી આપી છે કે આમ કરીને તેઓ રશિયા સાથે યુદ્ધને આમંત્રણ આપી રહ્યા છે.