રશિયાએ શનિવાર અને રવિવાર રાત્રે યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. રશિયાના આ હુમલા બાદ ત્રણ વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો અભૂતપૂર્વ સ્તરે કરવામાં આવ્યો હતો. આના કારણે યુક્રેનને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર 1 વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.
477 ડ્રોન અને 60 મિસાઇલો છોડવામાં આવી
યુક્રેનિયન વાયુસેના અનુસાર આ હુમલા દરમિયાન રશિયાએ કિવ પર કુલ 477 ડ્રોન અને 60 મિસાઇલો છોડ્યા હતા. જોકે યુક્રેનિયન સેનાએ આમાંથી 249 ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો જ્યારે 226 ડ્રોન અને મિસાઇલો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા જામ કરવામાં આવી હોવાનું કહેવાય છે. વાયુસેનાના પ્રવક્તા યુરી ઇહનાતે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે આ હુમલો યુક્રેન પર અત્યાર સુધીનો “સૌથી મોટો હવાઈ હુમલો” હતો જેમાં અનેક પ્રકારના મિસાઇલો અને શહીદ ડ્રોનનો સમાવેશ થતો હતો.
અત્યાર સુધી રશિયાનું ધ્યાન પૂર્વીય ક્ષેત્ર પર રહ્યું છે પરંતુ આ વખતે હુમલાએ પશ્ચિમ યુક્રેનને પણ હચમચાવી નાખ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલાનું લક્ષ્ય ફક્ત ફ્રન્ટલાઈન વિસ્તારો જ નહીં પરંતુ પશ્ચિમ યુક્રેન જેવા વિસ્તારો પણ હતા જે યુદ્ધ રેખાથી દૂર છે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં અસ્થિરતા પેદા કરવાનો હતો. હુમલા પછી પોલેન્ડની વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ. તેણે કહ્યું કે તેના અને સાથી દેશોના હવાઈ ક્ષેત્રના સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે જેટ તૈનાત કરવામાં આવ્યા હતા.
ખેરસનમાં ડ્રોન હુમલામાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. તેના ચેર્કાસી ક્ષેત્રમાં એક બાળક સહિત 6 લોકો ઘાયલ થયા છે. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. આ તાજેતરનો હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સંકેત આપ્યો હતો કે મોસ્કો ઇસ્તંબુલમાં શાંતિ વાટાઘાટોના નવા રાઉન્ડ માટે તૈયાર છે પરંતુ આ હુમલાએ તે પ્રયાસોની સંભાવનાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.