સિદ્ધપુર: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી છે, પરંતુ તે માત્ર કાયદાની ચોપડીઓમાં જ રહી ગઈ હોય તેમ લાગે છે. કારણ કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ગુજરાતની પ્રજાને પણ દારૂ પીવાનો કોઈ છોછ રહ્યો નથી. ખાનગીમાં દારૂ વેચવો, પીવો તે તો સમજ્યા હવે તો ગુજરાતની પ્રજા રસ્તામાં દારૂ દેખાય તો તેની લૂંટ ચલાવવામાં પણ પાછી પાની કરતા નથી. આવી જ એક ઘટના સિદ્ધપુરમાં બની છે.
પાટણમાં (Patan) આવેલું સિદ્ધપુરનો (Sidhpur) ઉલ્લેખ ઋગવેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે. તે એક જમાનામાં શ્રીસ્થળ તરીકે ઓળખાતું હતું. સિદ્ધપુર સંસ્કારી નગરી છે. અહીંના લોકો માંસ, દારૂના વ્યસનોથી દૂર રહે છે, પરંતુ હવે લાગે છે કે સિદ્ધપુરના લોકોને પણ શહેરીકરણનો વાયરો લાગ્યો છે. અહીંના લોકો પણ હવે દારૂ, બીડીના વ્યસનના રવાડે ચઢ્યા છે. એટલે જ તો રસ્તા પરથી દારૂ લૂંટવામાં અહીંના લોકોને જરાય શરમ અનુભવાઈ નહીં.
વાત એમ બની કે પાટણના સિદ્ધપુર પાસે મંગળવારે એક દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કાર રસ્તા પર ઉંધી પડી હતી, જેના લીધે તેમાં રહેલો દારૂની બોટલો રસ્તા પર પડી હતી. દારૂ અને બિયરની બોટલો જોતાં જ લોકોએ તે લૂંટવા દોટ મુકી હતી. લોકો ગજવામાં ભરી, હાથોમાં લઈ વધુમાં વધુ દારૂ-બિયરની બોટલો લૂંટી ( liquor Beer Bottle Loot) ગયા હતા. અકસ્માતની જાણ પોલીસને થઈ અને પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં તો કારમાંથી બધો દારૂ લોકોએ લૂંટી લીધો હતો. દારૂ લૂંટીને લોકો ભાગી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુર રોડ પર પુનસણ પાસે સ્કોડા અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. સ્કોડા કારમાં દારૂ અને બિયરનો જથ્થો હતો. પોલીસ પહોંચે તે પહેલાં લોકોએ કારમાંથી દારૂ લૂંટી લીધો હતો. દારૂ અને બિયરની લૂંટ ચલાવવા માટે લોકોમાં રીતસરની હરિફાઈ જામી હતી. કોઈક રાહદારીએ દારૂની લૂંટનો વીડિયો ઉતારી તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે મહિલાઓએ પણ દારૂ લૂંટવામાં કોઈ કચાશ રાખી નહોતી. પોલીસ સૂત્રોએ વધુમાં કહ્યું કે આ અકસ્માતમાં 3 લોકોને ઈજા થઈ હતી. ઈકો કારમાં મુસાફરી કરતા વિજય બાબુ દેસાઈ, જીગર ઘનશ્યામ ઠક્કર અને જ્યંતી રાઠોડને 108માં ધારાપુર ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.