રાજની નોકરી છૂટી જવાનો ડર સતત તેની પર તોળાઈ રહ્યો હતો.વર્તમાન સંજોગોમાં કંપની ખર્ચા ઓછા કરવા કર્મચારીઓ ઓછા કરી રહી હતી તેથી ગમે ત્યારે કાયમ માટે રજા મળી જશે તેવો ડર રાજ અને બીજા કર્મચારીઓને સતત સતાવી રહ્યો હતો.રાજ ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હતો; આમ તો માતા, પત્ની અને નાની દીકરી સાથે તેનું નાનું કુટુંબ હતું અને પત્ની રીવા ભણેલી પણ હતી, પણ તે ઘર અને નાની દીકરીની સંભાળ લેવામાં વ્યસ્ત રહેતી હતી એટલે તેણે નોકરી છોડી દીધી હતી.તેથી રાજને પોતાના કુટુંબ અને ભવિષ્યની ચિંતા સતાવતી હતી. તેણે ઘરમાં કોઈને કંઈ જ કહ્યું ન હતું.
આજે રીવાનો જન્મદિવસ હતો એટલે રાજ અને રીવા પોતાની નાનકડી દીકરીને લઈને ફરવા ગયા.રાજ ચિંતામાં હતો. તેનો કોઈ મૂડ ન હતો છતાં પત્ની અને બાળકીને ખુશ રાખવા પોતે પણ ખોટું ખુશમાં હોવાનું નાટક કરી સ્મિત ફરકાવી ચિંતા છુપાવી રહ્યો હતો.રીવા રાજની ચિંતા અને તેની મન:સ્થિતિથી અજાણ હતી.રસ્તામાં તેમની કાર એક ટ્રાફિક સિગ્નલમાં ઊભી રહી.રીવા તેની નાનકડી દીકરી નિયાને ટ્રાફિક સિગ્નલના ત્રણ રંગ દેખાડી સમજાવી રહી હતી કે લાલ રંગની બત્તી એટલે રેડ સિગ્નલ ‘સ્ટોપ’ ઊભા રહો.પીળા રંગની બત્તી યેલો સિગ્નલ એટલે ‘બી રેડી’ તૈયાર રહો અને લીલા રંગની બત્તી એટલે ગ્રીન સિગ્નલ ‘ગો’ આગળ વધો.રીવાએ નિયાને સમજાવ્યું અને થોડે આગળ જતાં બીજું સિગ્નલ આવ્યું એટલે ફરી તેણે નાનકડી નિયાને રેડ સિગ્નલ બતાવી પૂછ્યું, ‘નિયા રેડ સિગ્નલ એટલે શું કરવાનું?’ નાનકડી નિયા તરત બોલી, ‘મોમ, સ્ટોપ થઈ જઈ; વેઇટ કરવાનું …અને ગ્રીન સિગ્નલ થાય ત્યારે ‘ગો’ આગળ વધવાનું …’
મમ્મીએ કહ્યું, ‘વેરી ગુડ, માય સ્માર્ટ ગર્લ…’ મા અને દીકરીની આ વાતો રાજ સાંભળતો હતો અને દીકરીના જવાબમાંથી તેને એક જીવનનું સત્ય સમજાયું.રાજ વિચારવા લાગ્યો કે ‘જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તે આ ટ્રાફિક સિગ્નલની લાલ બત્તી સમાન હોય છે.જયારે સમસ્યા આવે ત્યારે થોડો સમય જયાં છો ત્યાં અટકી જવાનું અને જો અટકી જઈને શાંતિ રાખશો તો થોડા વખતમાં લાલબત્તી લીલી બત્તીમાં ફેરવાઈ જશે.સમસ્યામાંથી માર્ગ મળશે અને સિગ્નલ ખૂલતાં વળી આગળ વધી શકાશે.પણ જયારે જીવનમાં સમસ્યા લાલબત્તી સમાન હોય ત્યારે ચિંતા કરી અટક્યા વિના આગળ વધવાની કોશિશ કરીશું તો સિગ્નલ તોડવાની સજા થાય કે સિગ્નલ તોડવાથી અકસ્માત થાય તેમ સમસ્યા વધવાની શક્યતા વધી જશે.માટે જીવનમાં પણ આ ટ્રાફિક સિગ્નલના નિયમો પાળવા જોઈએ.’ રાજની ચિંતા જાણે પળવારમાં દૂર થઇ ગઈ. જીવનમાં જયારે સમસ્યા આવે ત્યારે આ ટ્રાફિકના નિયમો ભૂલતા નહિ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.