National

વક્ફ પર બબાલ, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફરી હિંસા ભડકી

પશ્ચિમ બંગાળમાં નવા વક્ફ કાયદાને લઈને હિંસા ચાલુ છે. મુર્શિદાબાદના જાંગીપુરમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન બાદ આ વિસ્તારમાં સુરક્ષા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર જાંગીપુરના સુતી અને શમશેરગંજ વિસ્તારોમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો જારી કર્યા છે.

વાસ્તવમાં ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડે નવા વક્ફ કાયદા વિરુદ્ધ ‘વક્ફ બચાવો અભિયાન’ શરૂ કર્યું હતું. તે ગઈકાલે શુક્રવારે જ શરૂ થયું હતું. ઝુંબેશ શાંતિપૂર્ણ રીતે ચલાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તેમ થયું નહીં.

મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા અને માલદામાં પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ હતી. મુર્શિદાબાદના જાંગીપુર અને સુતી વિસ્તારોમાં મોટા પાયે દેખાવો થયા. નેશનલ હાઈવે 12 પર પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો.

પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. અત્યાર સુધીમાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે અને ત્રણ વિરોધીઓ માર્યા ગયા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ડાયમંડ હાર્બરના અમટાલા ક્રોસિંગ પર પણ, એક ટોળાએ ધોળા દિવસે પોલીસ વાહનમાં તોડફોડ કરી હતી. પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર ટોળાએ બપોરે લગભગ 2.46 વાગ્યે અઝીમગંજ-ન્યૂ ફરક્કા સેક્શનમાં ધુલિયાનગંગા સ્ટેશન નજીક ટ્રેક બ્લોક કરી દીધો હતો.

દરમિયાન મુર્શિદાબાદ હિંસા અંગે ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકાર અરાજકતાને રોકવામાં અસમર્થ છે અથવા અનિચ્છા ધરાવે છે. રાજ્યમાં જે રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાવવામાં આવી રહી છે અને ત્યાંની સરકાર કંઈ કરી રહી નથી, તે ચિંતાજનક છે. રાજ્ય સરકારે હિંસા ફેલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આનાથી મુખ્યમંત્રીની કામગીરી પર સવાલો ઉભા થાય છે. શું રાજ્ય સરકાર ચૂપચાપ આવી પ્રવૃત્તિઓ જોઈ રહી છે અને પ્રોત્સાહન આપી રહી છે?

Most Popular

To Top