Madhya Gujarat

મુખ્યમંત્રી દ્વારા રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત લીમડી બસસ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

દાહોદ: દાહોદના લીમડી ખાતે રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સુવિધાઓ સાથેનાં નવીન બસસ્ટેશનનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ લીમડી ખાતે ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં જોડાયા હતા.

મંત્રી ખાબડે આ અવસરે જણાવ્યું કે, ‘કોરોનાના કપરાકાળમાં પણ એસટી વિભાગ અવિરત લોકસેવા આપી રહ્યું છે. રાજય સરકાર હરહંમેશ છેવાડાના માનવીને લક્ષમાં રાખીને વિકાસ કાર્યો કરે છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પિત કરેલા દાહોદના લીમડી ખાતે નવનિર્મિત બસસ્ટેશનથી અહીંના મુસાફરો માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ માટે અહીં રાહતદરના પાસ ઉપલબ્ધ છે જે તેમને અભ્યાસમાં આગળ વધવા સહાયરૂપ બનશે. મુસાફર પાસ, રિઝર્વેશન ટિકિટ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. અન્ય જિલ્લામાંથી બસના કનેકશન વધવાથી મુસાફરોને લાભ મળશે. લીમડીથી ગુજરાતના કોઇ પણ સ્થળે પાર્સલ મોકલવાની કે મેળવવાની સુવિધા મળશે. આમ લીમડીના વિકાસમાં આ બસસ્ટેશને નવું આયામ ઉર્મેયું છે.’

ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સાથેનું લીમડી ખાતે ૨.૧૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવિન બસસ્ટેશને ઉપલબ્ધ થનારી સુવિધાની વાત કરીએ તો કુલ ૯૦૯૦ ચો.મી. માં ઊભા કરાયેલા આ બસ સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મ છે અને બાંધકામ વિસ્તાર ૫૭૫.૧૫ ચો.મી. છે. જયારે અહીં મુસાફરો માટે વેઇટીંગ રૂમ, પાણીની પરબ, ઇન્કવાયરી અને પાસ સુવિધા, ટ્રાફિક સ્ટાફ માટે ઓફિસ સુવિધા, પાર્સલ રૂમ, કેન્ટીન-કીચન, સ્ટોલ, ડ્રાઇવર-કન્ડક્ટર રૂમ, સ્ટોર રૂમ, ઇલેકટ્રીક રૂમ અને એક આધુનિક સુવિધા સાથેનું શૌચાલય બનાવવામાં આવ્યું છે.

મંત્રી બચુભાઇ ખાબડે ત્યાર બાદ લીમડી ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. આજથી ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને કોરોનાની વેક્સિન આપવાની કામગીરીની દાહોદ જિલ્લામાં શરૂઆત થઇ હોય આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ માટે આવેલા યુવાનોને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા અને અન્ય યુવાનોને પણ રસીકરણ માટે જાગૃત કરવા જણાવ્યું હતું.

તેમણે આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણની થઇ રહેલી કામગીરીની પણ ચકાસણી કરી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગના વર્ગ ૪ ના કર્મચારીઓને રાશનકીટનું પણ વિતરણ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુ શ્રી શીતલ વાઘેલા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, ગોધરા એસટી વિભાગના અધિકારી શ્રી ડિંડોર, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top