Madhya Gujarat

આણંદમાં 5.90 લાખની ચિલઝડપ થતાં ચકચાર

આણંદ : આણંદ શહેરના અમીન બજાજ શો રૂમની બહાર રોડ પર પત્ની સાથે મોબાઇલ વાત કરતાં ખાનગી કંપનીના કર્મચારીનો રોકડ રૂ.5.90 લાખ ભરેલો થેલો બાઇક પર આવેલા બે શખસ ઉપાડી ભાગી ગયાં હતાં. આંખના પલકારામાં બનેલા આ બનાવને લઇ શહેરભરમાં ભારે ચકચાર જગાવી દીધી હતી. અમીન ઓટો પાસે વાહનોની સતત અવર જવર રહેતી હોય છે, ત્યારે આ બનાવ બનતાં અન્ય કેટલાક પ્રશ્નો પણ ઉભા થયાં છે. હાલ આ અંગે શહેર પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે.

આણંદની અલ્પેશ સોસાયટીમાં રહેતા જીગ્નેશ ડેનીયલભાઈ ચૌહાણ રેસીઅન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસ પ્રા. લી. કંપનીમાં કેશ એક્ઝીક્યુટીવ તરીકે બારેક વર્ષથી નોકરી કરે છે. તેઓ  કંપની સાથે આણંદ આવેલા અલગ અલગ ધંધાકીય ગ્રાહકો પાસેથી રોજે રોજ રોકડ રૂપિયાનું તેમની ઓફિસે જઇ રોકડ લઇ કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા કરવાની કામગીરી કરે છે. જીગ્નેશ 7મી ઓગષ્ટના રોજ સવારે અલગ અલગ ઓફિસેથી કુલ રૂ.5,90,913 રોકડ ઉઘરાવી સાથેની કોલેજ બેગમાં મુકી હતી. જીગ્નેશ અમીન ઓટો પાસે હતો તે સમયે બાઇકની પેટ્રોલની ટાંકી ઉપર રોકડ ભરેલી બેગ મુકી તેના પત્ની સાથે મોબાઇલ પર વાત કરવા રોકાયો હતો.

તે વાત કરતા કરતાં થેલો બાઇક પર મુકી ચાલતો થોડે દુર ગયો હતો. તે દરમિયાન અજાણ્યા શખસો ધસી આવ્યાં હતાં અને બેગ લઇને ભાગ્યાં હતાં. જોકે, આ દ્રશ્ય જોઇ જીગ્નેશ ચોંકી ગયો હતો અને તેની પાછળ દોડ્યો હતો. તેને પકડવા ગયો હતો. તે વખતે થોડે દુર બાઇક લઇ અન્ય એક ઇસમ ઉભો હતો. તેની પાછળ બેસી ભાગી ગયો હતો. આ સમયે ઝપાઝપીમાં મોંઢે બાંધેલો દુપટ્ટો હાથમાં આવી ગયો હતો. આ બાઇક સવારો લોટીયા ભાગોળ તરફ ભાગી ગયાં હતાં. આ શખસોએ સફેદ કલરના શર્ટ, પેન્ટ પહેરેલા હતા. પાછળ બેઠેલા શખસે બ્લ્યુ કલરની કોલેજ બેગ લટકાવેલું હતું. તેઓ 25થી 30 વર્ષના આશરાના હતા. આ ફરિયાદ આધારે શહેર પોલીસે બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top