સેવાલિયા: સેવાલિયા પંથકમાં ચોરી, લુંટફાટ તેમજ ચીલઝડપના બનાવોમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. તેમછતાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતું ન હોવાથી તસ્કરો અને ગઠિયાઓને જાણે કે છુટો દોર મળી ગયો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. જેના પરિણામ સ્વરૂપ ગઠિયાઓએ મંગળવારના રોજ બેંકમાંથી રૂપિયા ઉપાડી જઈ રહેલાં વેપારીનું ભાન ભુલાવી એક લાખ રૂપિયા ભરેલી થેલીની ચીલઝડપ કરી હતી.
ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયામાં રહેતાં અને કાપડનો વેપાર કરતાં પ્રવિણભાઈ ગોવિંદલાલ શાહ તારીખ ૧૧ મી ઓક્ટોબરને મંગળવારના રોજ બપોરના સમયે બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયાં હતાં. બેંકમાંથી તેઓએ ૧,૦૦,૦૦૦ રૂપિયા ઉપાડ્યાં હતાં. ગણતરી કર્યાં બાદ તેઓએ રૂપિયા એક થેલીમાં મુકી બેંકમાંથી બહાર નીકળ્યાં હતાં. બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં તેઓ રૂપિયા ભરેલી થેલી લઈને અવધૂત હોટલથી સી.ટી પટેલ હાઈસ્કુલ તરફના માર્ગ પર ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે અજાણ્યાં ગઠિયાઓએ પ્રવિણભાઈનું ભાન ભૂલાવી, તેમની પાસેથી રૂપિયા એક લાખ ભરેલી થેલીની ચીલઝડપ કરી રફુચક્કર થઈ ગયાં હતાં. આ મામલે પ્રવિણભાઈએ સેવાલિયા પોલીસમથકે જઈ સઘળી હકીકત જણાવી હતી. જેના આધારે પોલીસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પંદરેક દિવસ અગાઉ ચોરી થઈ હતી
સેવાલિયામાં આવેલ ક્રિષ્ના હાઉસિંગ સોસાયટીમાં રહેતાં કિર્તનભાઈ નાથાલાલ શાહ અને તેમનો પરિવાર પંદરેક દિવસ અગાઉ પોતાનું ઘર બંધ કરી મરણપ્રસંગની વિધી માટે બહારગામ ગયાં હતાં. તે વખતે ત્રાટકેલાં તસ્કરોએ કિર્તનભાઈના ઘરમાંથી ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. જે તે વખતે પોલીસે ચોરીની ફરીયાદ લીધી ન હતી. માત્ર જાણવાજોગ નોંધ લીધી હતી.
સીસીટીવી કેમેરા બંધ હાલતમાં
ચોરી, લુંટફાટ તેમજ ચીલઝડપ ઉપરાંત અન્ય કિસ્સાઓમાં આરોપીઓને પકડવામાં પોલીસને સરળતા રહે તે હેતુસર ગામ-શહેરોમાં સીસીટીવી લગાવવામાં આવ્યાં છે. પરંતુ, મોટેભાગે આવી ઘટનાઓ બને તેવા સમયે જ સીસીટીવી બંધ હોવાના કિસ્સા સામે આવતાં હોય છે. સેવાલિયામાં બનેલી ચીલઝડપની ઘટના સમયે પણ સેવાલિયાના અવધૂત હોટલ પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરો બંધ હોવાથી પોલીસે આસપાસના ખાનગી મિલ્કતોમાં લગાવવામાં આવેલાં કેમેરાના ફુટેજ મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે.
સેવાલિયા બજારમાં પોલીસ સ્ટાફ ગોઠવવા માંગ
સેવાલિયા બજારમાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે. જેને પગલે આ વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકજામના દ્દશ્યો પણ સર્જાય છે. આવા સમયે ભીડનો લાભ લઈ તસ્કરો તેમજ ગઠિયાઓ ચોરી તેમજ લુંટના બનાવોને અંજામ આપતાં હોય છે. દિવાળીને પગલે આવનાર દિવસોમાં સેવાલિયાના બજારમાં હાલ કરતાં ત્રણ ગણી ભીડ જામશે. ત્યારે ચોરી અને લુંટના બનાવો થતાં અટકાવવા માટે આ વિસ્તારમાં પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.