મુંબઈ: ફિલ્મ જગતમાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘RRR’ના અભિનેતાનું દુ:ખદ મોત થયું છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતાનો ત્રણ દિવસ પછી બર્થ ડે હતો, પરંતુ તે પહેલાં જ તેમનું મોત થતાં ફિલ્મજગતમાં શોકની લાગણી ફરી વળી છે.
એસ.એસ. રાજામૌલીની (SS Rajamouli’s) સુપરહિટ ફિલ્મ RRRમાં મુખ્ય વિલનનું પાત્ર ભજવનાર વિદેશી અભિનેતા રે સ્ટીવનસનનું (Ray Stevenson) 58 વર્ષની વયે રવિવારે ઇટાલીમાં અવસાન થયું છે. અભિનેતાના નિધનથી દરેક જણ આઘાતમાં છે. તેમના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અભિનેતા 58 વર્ષના હતા. ત્રણ દિવસ પછી 25 મેના રોજ તેઓ તેમનો 59મો જન્મદિવસ ઉજવવાના હતા.
ટીમ RRRએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આપણા બધા માટે આઘાતજનક સમાચાર! રેસ્ટ ઈન પીસ, રે સ્ટીવનસન. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, સર સ્કોટ.’
અભિનેતા રે સ્ટીવનસનનો જન્મ 25 મે 1964ના રોજ નોર્થ આર્યલેન્ડના લિસ્બર્નમાં થયો હતો. તેમણે 1990ની આસપાસ અભિનયની શરૂઆત કરી હતી. તેઓ યુરોપિયન ટીવી સિરીઝ અને ફિલ્મોમાં કામ કરતા હતા. તેમને પહેલો મોટો બ્રેક 1998ની ફિલ્મ ધ થિયરી ઓફ ફ્લાઈટમાં મળ્યો હતો. ત્યાર બાદ રે સ્ટીવનસને કિંગ આર્થર (2004), પનિશર: વોર ઝોન (2008), ધ બુક ઓફ એલી (2010) અને ધ અધર ગાય (2010) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
ફિલ્મોની સાથે, રે સ્ટીવનસને ટીવી અને થિયેટરમાં પણ કામ કર્યું હતું. તે ટીવી શ્રેણી ‘વાઇકિંગ્સ’ અને ‘સ્ટાર વોર્સ’માં જોવા મળ્યા હતા. આ સિવાય તે ‘મેડિસી’, ‘મર્ફીઝ લો’, ‘રોમ’, ‘ડેક્સ્ટર’ અને ‘ક્રોસિંગ લાઇન્સ’માં પણ જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, અભિનેતા મૃત્યુ પહેલા ઇટાલીના ઇસ્ચિયામાં ફિલ્મ કેસિનોનું શૂટિંગ કરી રહ્યા હતા.
ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ RRRમાં રે સ્ટીવનસને મુખ્ય વિલન સ્કોટ બક્સટનનું પાત્ર ભજવ્યું હતું. RRR સિવાય તેમણે માર્વેલની ફિલ્મ થોરમાં પણ કામ કર્યું હતું. છેલ્લે સ્ટીવનસન હિસ્ટ્રી ડ્રામા 1242: ગેટવે ટુ ધ વેસ્ટમાં જોવા મળ્યા હતા.
રે સ્ટવિનસનના લગ્ન 1997માં ઈંગ્લીશ એકટ્રેસ રૂથ ગેમેલ સાથે થયા હતા. ગેમેલ પણ જાણીતી અભિનેત્રી છે. રૂથ અને રે સ્ટીવનસને બેન્ડ ઓફ ગોલ્ડ અને પીક પ્રેક્ટિસ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આઠ વર્ષ સુધી તેઓનું લગ્ન જીવન ચાલ્યું હતું. 2005માં કપલે ડિવોર્સ લીધા હતા.